ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે કિસાન દિવસ નિમિત્તે આયોજિત કિસાન કુંભમાં સંબોધિત કરતા રાજ્યના કૃષિ અને પશુપાલન તથા જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે ખેડૂતોને જન આરોગ્ય, પર્યાવરણ અને પ્રકૃતિ માટે હિતકારી પ્રાકૃતિક કૃષિ અપનાવા માટે આહવાન કર્યું હતું. આ સાથે તેમણે ખેડૂતોને કૃષિ ઉત્પાદનોનું મૂલ્ય વર્ધન અને કૃષિ ક્ષેત્રની નવીન ટેકનોલોજી અપનાવવા માટે પણ અનુરોધ કર્યો હતો.
દેશના પૂર્વ વડાપ્રધાન અને ખેડૂત નેતા ચૌધરી ચરણસિંહની જન્મ જયંતીએ ઉજવાતા કિસાન દિવસ નિમિત્તે આયોજિત આ કૃષિ કિસાન કુંભ – 2024નો શુભારંભ કરાવતા પ્રગતિશીલ ખેડૂતોને કૃષિ મંત્રીશ્રીએ સંબોધિત કર્યા હતા.આ પ્રસંગે તેમણે કિસાન નેતા ચૌધરી ચરણસિંહનું પુણ્ય સ્મરણ કરતા જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી પ્રવર્તમાન સમયની તાતી જરૂરિયાત છે, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગના લીધે જમીન બિન ઉપજાવ અને ફળદ્રુપતા ગુમાવી રહી છે. ઉપરાંત જન આરોગ્ય અને પર્યાવરણ માટે પણ રાસાયણિક ખેતી હાનિકારક બની રહી છે. તેનો ઉકેલ જણાવતા કૃષિ મંત્રીએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની હિમાયત કરી હતી આ કિસાન કુંભમાં ઉત્સાહ સાથે આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયેલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જેમને પ્રાકૃતિક ખેતી, ખેત ઉપજનું મૂલ્યવર્ધન, ડ્રોન ટેકનોલોજી અને ટકાઉ ખેતી- ઓછા ખર્ચે વધુ ઉપજ મેળવવા માટે તજજ્ઞો દ્વારા ખેડૂતોને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.