બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ: 18 થી 21 મે દરમિયાન રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હીના કેટલાક ભાગોમાં ભીષણ હીટવેવની આગાહી
રાજસ્થાનના 19, હરિયાણાના 18, દિલ્હીના 8 અને પંજાબમાં બે સ્થળોએ 45 ડિગ્રીથી વધુ તાપમાન નોંધવામાં આવ્યું
હરિયાણા, પંજાબ, પૂર્વ રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જારી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.18
ઉત્તર પશ્ર્ચિમ ભારતમાં આકાશમાંથી આગ વરસતા લોકો ભારે મુશ્ર્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. દેશના કેટલાક રાજ્યોમાં ગરમીની સ્થિતિ ચિંતાજનક બનતી જાય છે. કેટલાક શહેરોમાં તાપમાન 45 ડિગ્રીને પાર થઇ ગયું છે. સરકાર પણ ગરમીથી બચવા જરૂૂરી તમામ ઉપાયો કરવાની લોકોને અપીલ કરી રહી છે. આ મુશ્ર્કેલ પરિસ્થિતિમાં હવામાન વિભાગની આગાહીએ ચિંતામાં વધારો કર્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસોમાં ગરમીનો પ્રકોપ હજુ પણ વધી શકે છે. આજે દેશમાં સૌથી વધુ તાપમાન દિલ્હીના નજફગઢમાં 47.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. રાજસ્થાનના 19, હરિયાણાના 18, દિલ્હીના 8 અને પંજાબમાં બે સ્થળોએ 45 ડિગ્રીથી વધુ તાપમાન નોંધવામાં આવ્યું હતું. અમેરિકા સ્થિત કલાયમેટ વિજ્ઞાાનીઓના જૂથ કલાયમેટ સેન્ટ્રલે જણાવ્યું છે કે આ સમયગાળા દરમિયાન ભારતના 54.3 કરોડ લોકોને એક દિવસ માટે તીવ્ર ગરમીનો અનુભવ કરવો પડશે.
નજફગઢ પછી દેશમાં સૌથી વધુ તાપમાન હરિયાણાના સિરસામાં 47.1 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. આ અગાઉ 30 એપ્રિલના રોજ પશ્ર્ચિમ બંગાળના કલાઇકુંડામાં 47.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. ભારતીય હવામાન વિભાગે આપેલી ચેતવણી મુજબ 18 થી 21 મે દરમિયાન રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં તીવ્ર ગરમી પડશે.હરિયાણા, પંજાબ, પૂર્વ રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવી છે. જેને પગલે બાળકો, વૃદ્ધો અને બિમારોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. વર્લ્ડ વેધર એટ્રિબ્યુશન ગ્રુપના વિજ્ઞાાનીઓએ જણાવ્યું છે કે કલાયમેટ ચેન્જને કારણે પડી રહેલ હિટવેવને કારણે સમગ્ર એશિયામાં વસતા ગરીબોનું જીવન વધુ મુશ્ર્કેલ બની રહ્યું છે.