માર્ગો પર રિકાર્પેટિંગ અને પેચવર્ક કરાયું: જરૂર પડી ત્યાં ખાડાઓમાં સિમેન્ટના બ્લોક્સ નાંખીને ખાડાનું મજબૂત પુરાણ કરીને રોડ સમતલ કરાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં થોડા વરસાદથી ઠેર ઠેર ખાડા પડી ગયા છે. ત્યારે મીડિયાના અહેવાલો બાદ મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે બેઠક કરીને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી હતી. જે અંતર્ગત રાજકોટનું મનપા તંત્ર પણ અંતે જાગ્યું છે. તેમજ વરસાદ બાદ શહેરના માર્ગો પર રિકાર્પેટિંગ અને પેચવર્ક કાર્ય રાઉન્ડ ધ કલોક કરવામાં આવી રહ્યું છે. બે દિવસથી મોડીરાત્રે 12 વાગ્યા સુધી ત્રણેય ઝોનનાં ડે. કમિશનર ફિલ્ડમાં રહી કામ કરાવી રહ્યા છે. અને પદાધિકારીઓને રિપોર્ટ આપી રહ્યા છે.
રાજકોટ મહાનગરના વિવિધ વિસ્તારોમાં વરસાદથી પડેલા ખાડા સહિત માર્ગ મરામતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. છેલ્લા 48 કલાકમાં રાજકોટમાં વરસાદ ધીમો પડ્યો છે. જેને લઈને વિદ્યાનગર રોડ, જ્યુબિલી ચોક વિસ્તારમાં વરસાદને પગલે પડેલા ખાડામાં મેટલ નાખીને મનપાની ટીમ દ્વારા રોડને સમતલ કરી દેવામાં આવ્યો હતો. જે અંતર્ગત વોર્ડ-17માં વરસાદના પગલે પડેલા નાના-મોટા 24 ખાડા બુરી દેવામાં આવ્યા હતા. જરૂર પડી ત્યાં ખાડાઓમાં સિમેન્ટના બ્લોક્સ નાંખીને ખાડાનું મજબૂત પુરાણ કરીને રોડ સમથળ કરાયા છે. જ્યારે વોર્ડ નં.18 શ્રધ્ધા પાર્ક રોડ પર વરસાદના કારણે ધોવાણ થતાં રોડને સમતલ કરવા માટે મહાનગરપાલિકાએ રીસર્ફેસિંગની કામગીરી કરી હતી. જ્યારે જંગલેશ્વર વિસ્તાર ખાતે વોર્ડ નંબર 16માં વરસાદને કારણે પડેલા ખાડાઓની મરામતની કામગીરી કરવામાં આવી હતી. જેના પરિણામે રસ્તાઓ ફરીથી સમતલ બન્યા છે.
- Advertisement -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતનાં ગ્રામીણ વિસ્તારો તેમજ નગરો-મહાનગરો સહિત નેશનલ હાઈવે, રાજ્ય ધોરીમાર્ગ, પંચાયત હસ્તકના માર્ગોની હાલની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી. રાજ્યના તમામ મ્યુનિસિપલ કમિશનરો આ બેઠકમાં વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા. સીએમએ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, માર્ગો-પુલોની મરામત માટે પેચવર્ક કરવા માટે વરસાદ બંધ થવાની રાહ જોવી ન જોઈએ. વરસાદ વગરનો કે ઓછો વરસાદ હોય તેવો એક પણ દિવસ વ્યર્થ ન જાય અને રજાનો દિવસ હોય તો પણ પ્રજાના હિતમાં રીપેરીંગ કામગીરી ચાલુ જ રહે તેવા આદેશ મુખ્યમંત્રીએ બેઠકમાં આપ્યા હતા.