ક્ષ જિલ્લાના ખેડૂતોએ 2.14 લાખ હેક્ટરમાં વાવેતરના બીજ રોપ્યા
ખાસ-ખબર સંવાદદાતા
સમગ્ર ગુજરાતની સાથે મોરબી જીલ્લામાં પણ મેહુલિયાએ મેર કરી છે. જુલાઈ મહિનામાં મોરબી જીલ્લા પર મેઘરાજા મહેરબાન થયા હોય તેમ 4 થી 7 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો તો શનિવાર અને રવિવારે એમ બે દિવસ સુધી મેઘરાજાએ વિરામ લેતા વરાપ નીકળી હતી જેના કારણે વાવણીલાયક વરસાદ થતા ખેડૂતો વાવણી તરફ વળ્યા છે અને મોરબી જીલ્લામાં ખેડવાલાયક જમીનના 65 ટકા જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. મોરબી જીલ્લામાં ચોમાસાએ જૂન મહિનામાં માત્ર સમ ખાવા પૂરતી જાણે દસ્તક દીધી હોય તેમ માત્ર આખા જિલ્લામાં કુલ 165 મીમી જેટલો વરસાદ થયો હતો જેના કારણે ચોમાસુ પાકની વાવણી થઈ શકી ન હતી. સિંચાઈની સગવડતા ધરાવતા ખેડૂતોએ જ આગોતરા વાવણી કરી હતી જો કે જુલાઈ મહિનામાં જાણે મેઘરાજાને જાણે જિલ્લાવાસીઓ પર પ્રેમ આવ્યો હોય તેમ જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહથી જ વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. જે બીજા સપ્તાહ સુધી ચાલુ રહી છે. જિલ્લામાં પ્રથમ 10 દિવસ દરમિયાન ધીમીધારે જિલ્લામાં 4 થી લઈ 7 ઈંચ જેટલો વરસાદ વરસી જતા ખેતરોમાં પાણી આવ્યા હતા.જેના પગલે વાવણી શરૂ થઈ હતી જેમાં ખેડવાલાયક કુલ 3.25 લાખ હેક્ટર વિસ્તારમાં અંદાજિત કુલ 2.14 લાખ હેક્ટર જમીનમાં વિવિધ ખરીદ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે એટલે કે 65 ટકા જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. ખેતીવાડી શાખાના આંકડા મુજબ અંદાજે 76 હેક્ટરમાં બાજરી, 85 હેક્ટરમાં તુવેર, 608 હેક્ટરમાં મગ, 580 હેક્ટરમાં અડદ, 63,643 હેક્ટરમાં મગફળી, 443 હેક્ટરમાં તલ, 170 હેક્ટરમાં દિવેલા, 430 હેક્ટરમાં સોયાબીન, 1,20,586 હેક્ટરમાં કપાસ (પિયત), 14,890 હેક્ટરમાં કપાસ (બિનપિયત), 1895 હેક્ટરમાં શાકભાજી, 11,233 હેક્ટરમાં ઘાસચારો, 180 હેક્ટરમાં અન્ય ફળ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે અને મોરબી જીલ્લામાં આગામી સમયમાં પણ સારા વરસાદના પગલે બાકી વિસ્તારમાં ટૂંક સમયમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવશે.