નવરચના સ્કુલમાં સુરક્ષા કાફલો ખડકાયો : પ્રિન્સીપાલને ઈ – મેઈલથી ધમકી પાઠવાઈ
દિલ્હી-મુંબઈ બાદ સ્કુલોને બોંબની ધમકીનો રેલો હવે ગુજરાત સુધી પહોંચ્યો હોય તેમ વડોદરાની સ્કુલને ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેઈલ પાઠવાતા ખળભળાટ સર્જાયો છે. પોલીસ કાફલો સ્કુલ પરિસરમાં પહોંચી ગયો હતો અને ધનિષ્ઠ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. થોડા વખત પૂર્વે દિલ્હીની સંખ્યાબંધ સ્કુલોને બોંબથી ઉઠાવવાની ધમકી અપાઈ હતી. ગઈકાલે મુંબઈની સ્કુલોને આવી ધમકી મળી હતી આજે વડોદરાની નવરચના સ્કુલને બોંબથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી.
- Advertisement -
વડોદરામાં નવરચનાની ત્રણ સ્કુલ છે.ભાયલી વિસ્તારમાં એક તથા સમા વિસ્તારમાં બે સ્કુલો છે ત્રણેય સ્કુલને બોંબથી ઉડાવવાનો ધમકીભર્યો ઈ-મેલ સ્કુલ પ્રિન્સીપાલને પાઠવવામાં આવ્યો હતો. સ્કુલના પ્રિન્સીપાલે વહેલી સવારે મેલ ચેક કરતાં ધમકીભર્યો સંદેશો માલુમ પડયો હતો જેને પગલે તાત્કાલીક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ, બોંબ સ્કવોડ, ડોગ સ્કવોડ, સસહિતના કાફલાને સ્કુલ પર ખડકી દેવામાં આવ્યો હતો. સ્કુલ બીલ્ડીંગ ઉપરાંત સ્કુલ બસ વગેરેનું પણ ચેકીંગ કરાયું હતું.
જોકે કોઈ શંકાસ્પદ કે વાંધાજનક મળ્યુ ન હતું. બોંબની ધમકીને પગલે સ્કુલમાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.