અગાઉ પાક.ના વિદેશ મંત્રીએ મોદીને કસાઈ ગણાવ્યા હતા
ખાસ-ખબર સંવાદદાતા
ભારતના વડા પ્રધાન મોદી અને યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડને 22 જૂને વોશિંગ્ટનમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સંયુક્ત રીતે પાકિસ્તાનને આતંકવાદીઓ પર કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત પઠાણકોટ અને મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં સંડોવાયેલા દોષિતોને સજા કરવાની માંગ કરવામાં આવી હતી. આ નિવેદન બાદ પાકિસ્તાનના રક્ષા મંત્રીએ પ્રતિક્રિયા આપી છે.
- Advertisement -
પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે શુક્રવારે અમેરિકા અને ભારત તરફથી લગાવેલી ફટકાર પર વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, આ નિવેદન એ વ્યક્તિના પ્રવાસ દરમિયાન આવ્યું છે જેમના ગુજરાતના સીએમ તરીકેના કાર્યકાળ દરમિયાન મુસલમાનોના નરસંહારની તપાસના કારણે અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આ અગાઉ પાકિસ્તાનના વિદેશ મંત્રીએ પીએમ મોદીને કસાઈ ગણાવ્યા હતા.
ખ્વાજા આસિફે એક ટ્વીટમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, તેઓ કાશ્ર્મીરમાં આતંકવાદના અભિયાનનું નેતૃત્વ કરી રહ્યા છે. આમાં નિયમિતપણે સ્થાનિક વસ્તી અપંગ અને અંધ બની રહી છે. દેશના બાકીના ભાગમાં મોદીના અનુચર મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને અન્ય લઘુમતીઓને નિર્ભયપણે માર-પીટ કરીને મારી નાખે છે.
રક્ષા મંત્રીએ એ વાત પર પણ ભાર મૂક્યો કે, પાકિસ્તાને આતંકવાદને કારણે અસંખ્ય લોકોના જીવ ગુમાવ્યા છે અને દાયકાઓથી સતત આતંકવાદ સામે લડી રહ્યું છે. આ સાથે જ ખ્વાજા આસિફે મોદીને ગુજરાતના કસાઈ ગણાવ્યા અને કહ્યું કે આગામી સમયમાં રાષ્ટ્રપતિ બાઈડને સ્વાગત કરતી વખતે ઘણી હકીકતો ધ્યાનમાં લેવી જોઈએ.