કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ હેઠળ આતંકવાદીઓનો સફાયો બોલાવવામાં આવી રહ્યો છે અને ત્રાસવાદગ્રસ્ત રાજ્યમાં ઘણા અંશે પરિસ્થિતિ પર અંકુશ મેળવી લેવામાં આવ્યો છે ત્યારે રવિવારનો દિવસ દક્ષિણ કાશ્મીર માટે ઐતિહાસિક સાબિત થયો હતો. 32 વર્ષ બાદ શોપિયા અને પુલવામામાં થિયેટર ખુલ્લા મુકવામાં આવ્યા હતા. ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ સિનેમા હોલનું ઉદ્દઘાટન કર્યું હતું.
ત્રાસવાદગ્રસ્ત દક્ષિણ કાશ્મીરમાં 32 વર્ષથી સિનેમા હોલ બંધ હતા. શોપિયા-પુલવામામાં ગઇકાલથી તે શરુ કરાયા પૂર્વે બારામુલ્લામાં પણ ગત મે મહિનામાં પણ શરુ કરાયા હતા. રાજ્યમાં કલમ-370 તથા 35-એ નાબૂદ કરાયા બાદ પરિસ્થિતિ બદલાઇ રહી છે. લોકોને મોટી સ્ક્રીનમાં ફિલ્મો જોવાની તક પૂરી પાડવામાં આવી છે.
- Advertisement -
અત્યાર સુધી ફિલ્મ જોવા કાશ્મીરીઓને 300 કિલોમીટર દૂર જવું પડતું હતું. બારામુલાનું થિયેટર ફૂલ જવા લાગતા અન્ય શહેર-જિલ્લાઓમાં પણ હવે થિયેટર ખુલવા લાગ્યા છે. 32 વર્ષથી થિયેટરો બંધ હોવાને કારણે કાશ્મીરી યુવકોને સિનેમા હોલ કે મલ્ટીપ્લેક્સ કેવા હોય તેની પણ ખબર ન હતી. હવે ખીણમાં જ સિનેમા હોલ ખુલતા જબરો ઉત્સાહ અને રોમાંચ ઉભો થયો છે.
જમ્મુ-કાશ્મીર ફિલ્મ વિકાસનિગમના સીઈઓ અને ઉપરાજ્યપાલના મુખ્ય સચિવ નિતીશ્ર્વર કુમારે જણાવ્યું કે રાજ્યનાં તમામ જિલ્લાઓમાં ઓછામાં ઓછું એક થિયેટર શરુ કરવામાં આવશે. લોકોને મનોરંજનની સુવિધા આપવાનો ઉદ્દેશ છે. 15 થી 20 જૂન દરમિયાન કાશ્મીરમાં યોજાયેલા ફિલ્મ મહોત્સવ દરમિયાન જ સિનેમા હોલ ખોલવાનો ઇરાદો હતો પરંતુ તે શક્ય બન્યું ન હતું.
જાણકારોના કહેવા પ્રમાણે આતંકવાદને કારણે રાજ્યમાં 19 સિનેમા હોલ બંધ થઇ ગયા હતા. 1999માં ફારુક સરકારે થિયેટર ફરુ કરવા પ્રયત્ન કર્યો હતો પરંતુ ત્રાસવાદીઓએ ગ્રેનેડ હુમલો કરીને ભયનો માહોલ સર્જી દેતા ફરી તાળા મારી દેવામાં આવ્યા હતા. 1990 પૂર્વે રાજ્યમાં સિનેમા હોલ ધમધમતા હતા અને તમામ ફિલ્મો પ્રદર્શિત થતી હતી. હવે ફરી વખત લોકોમાં ઉત્સાહ સાથે રોમાંચ સર્જાયો છે.
- Advertisement -