15 ઓગસ્ટે તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ અને તાજેતરમાં બે દાયકા બાદ અમેરિકા દ્વારા પોતાની સેનાને પરત ખેંચી લેવાયા બાદ અફઘાન નાગરિકો સતત બીજા દેશો તરફ હિજરત કરી રહ્યાં છે. તાલિબાનની ક્રુરતા અને તેમના ડરના કારણે લોકો ગમે તે ભોગે દેશ છોડવા મથી રહ્યાં છે.
અમેરિકા સહિત અન્ય દેશોના સૈનિકોની પૂર્ણ વાપસી બાદ કાબુલ એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું છે. હવાઈ માર્ગે દેશની બહાર નીકળવાની આશાનો અંત આવ્યા બાદ અફઘાન નાગરિકો મોટી સંખ્યામાં તુર્કી, ઈરાન અને પાકિસ્તાનની સરહદો તરફ વળી રહ્યાં છે. જેથી કોઈ પણ બીજા દેશમાં જઈને પોતાની જિંદગી બચાવી શકાય.
કાબુલ એરપોર્ટ બંધ થવાના પગલે તાલિબાનોના ખૌફથી અફઘાન નાગરિકો પોતાની રીતે ઈરાન, પાકિસ્તાન, તુર્કી અને મધ્ય એશિયાના દેશો સાથે સંકળાયેલી સરહદો તરફ જઈ રહ્યાં છે. આ લોકો દ્વારા સરહદો થકી સુરક્ષિત નીકાળવાની કોશિશ કરવામાં આવી રહી છે. પાકિસ્તાનના ખૈબર પ્રાંત સાથે સંકળાયેલ વિસ્તાર તોરખામમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. આ લોકો પાકિસ્તાન તરફથી ગેટ ખોલવામાં આવે, તેની રાહ જોઈ રહ્યાં છે.
- Advertisement -
અફાઘાનિસ્તા સાથે પાકિસ્તાન, તુર્કી અને ઈરાનની બોર્ડર સંકળાયેલી છે. આ વિસ્તાર પર્વતીય અને રેતાળ રસ્તાઓથી ઘેરાયેલો છે. કાબુલ એરપોર્ટ પર તાલિબાની લડવૈયાઓના કબજા બાદ લોકો આવા રસ્તાથી બીજા દેશોમાં પોતાનો જીવ બચાવવા દોટ મૂકી રહ્યાં છે. જેમાં હજારોની સંખ્યામાં મહિલાઓ (જેમાં ગર્ભવતી મહિલાઓ પણ સામેલ), બાળકો, વૃદ્ધ અને યુવાનો પણ સામેલ છે. આ ભીડમાં એવા પણ લોકો છે, જેઓ પગપાળા 1500 કિલોમીટર પગપાળા ચાલીને તુર્કી, ઈરાન અને પાકિસ્તાન ભાગી રહ્યાં છે.
બીજી તરફ અફઘાનિસ્તાન સાથે સંકળાયેલ ઉઝબેકિસ્તાનની જમીની સરહદ હજુ પણ બંધ છે, પરંતુ અહીંની સરકારનું કહેવું છે કે, વિમાન સેવા શરૂ થવા પર તેઓ અફઘાન નાગરિકોને હવાઈ માર્ગે જર્મની પહોંચવામાં મદદ કરશે.
- Advertisement -
5 લાખથી વધુ અફઘાન નાગરિકોએ દેશ છોડ્યો
15 ઓગસ્ટ કાબુલ પર તાલિબાનના કબજા બાદ અમેરિકાએ અહીંથી 12,300 લોકોને બહાર નીકાળ્યા. જેમાં અમેરિકી સૈનિકો, નાગરિકો ઉપરાંત અફઘાની નાગરિકો પણ સામેલ છે. જેઓ છેલ્લા 20 વર્ષથી અમેરિકાની મદદ કરી રહ્યાં હતા.
ઈસ્લામિક સ્ટેટ તરફથી કરવામાં આવેલા હુમલા બાદ અમેરિકાએ 31 ઓગસ્ટની અંતિમ મુદ્દતના 24 કલાક પહેલા જ અફઘાનિસ્તાનને અલવિદા કહી દીધુ છે. યુનાઈટેડ હ્યુમન રાઈટ કાઉન્સિલ (UNHRC)એ ગત સપ્તાહે કહ્યું હતું કે, આ વર્ષના અંત સુધુ 5 લાખથી વધુ અફઘાન નાગરિકો દેશ છોડી શકે છે.