અખબાર, સામયિક, ટીવી-રેડિયો ચેનલ, વેબસાઈટ, એપ્લીકેશનનું ઈંધણ એટલે જાહેરાત
અખબારો અને સામયિકોમાં જેમ પહેલાં અને છેલ્લાં પાનાં અને અંદરના પાનાં પર જાહેરખબર આપવાના દર જુદા-જુદા/વધુ-ઓછા હોય છે તેવું જ ન્યૂઝની ટીવી-રેડિયો ચેનલ્સ, વેબસાઈટ્સ, એપ્લીકેશન્સમાં હોય છે. ન્યૂઝ ચેલન્સમાં પ્રાઈમટાઈમમાં અને વેબસાઈટ્સ પર કીસ્લોટ પર જાહેરખબર આપવાના ભાવ વધુ હોય છે
- Advertisement -
જનસમુદાયના મન-મસ્તિષ્ક પર કોઈપણ પ્રકારનો પ્રભાવ જન્માવવા માટેનું અગત્યનું સાધન એટલે જાહેરખબર. જાહેરાત એટલે કોઈપણ સૂચના કે સંદેશનું પ્રભાવશાળી પ્રસ્તુતિકરણ. વિજ્ઞાપનનો ઉદ્દેશ કોઈપણ વ્યક્તિ, વસ્તુ, વિચાર કે સેવાને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. આ ઉદ્દેશના પરિણામસ્વરૂપે ગુજરાતી જાહેરખબરનો ઉદ્દભવ થયો. ગુજરાતી પત્રકારત્વમાં જાહેરખબરના ઉદ્દભવની વાત કરીએ તો બે સદી પૂર્વે અંગ્રેજી પત્રમાં સરકારી અને ખાનગી જાહેરખબરો આવતી, પરંતુ આજથી બસો વર્ષ પૂર્વે ભારતમાં અંગ્રેજી જાણનારા કેટલા હતા? વધુમાં વધુ લોકો સુધી જાહેરખબરની સૂચના કે સંદેશ પહોંચાડવા માટે તે પ્રાદેશિક ભાષામાં પ્રસિદ્ધ થવી અનિવાર્ય હતી. તેથી અંગ્રેજી પત્રમાં સૌ પ્રથમવાર ગુજરાતી જાહેરખબર પ્રસિદ્ધ થવાની શરૂ થઈ અને ત્યારબાદ ગુજરાતી ભાષાના પત્રો, અખબારો સામયિકો, ટીવી-રેડિયો ચેનલ્સ, વેબસાઈટ્સ, એપ્લીકેશન્સ વગેરેનો પ્રારંભ થયો ત્યારે તેમાં પણ ગુજરાતી ભાષામાં જાહેરખબર પ્રસિદ્ધ થવાની શરૂ થઈ. ઈન્ટરનેટ અને મોબાઈલ આવ્યા પછી જાહેરખબર આપણા જીવનનો એક અભિન્ન ભાગ બની ગઈ.
ગુજરાતી પત્રકારત્વની શરૂઆતથી લઈ તેની પ્રથમ સદી સુધીની વિકાસયાત્રામાં પત્રો, અખબારો, સામયિકોમાં જાહેરખબરનું સ્થાન અને મહત્વ નહીવત હતું. જાહેરખબર પ્રસિદ્ધ કરવા પાછળનો હેતુ નફો કમાવવાનો નહતો, માત્ર માહિતીપ્રદાન તેમજ જનજાગૃતિનો હતો. એ સમયનું પત્રકારત્વ સુધારાવાદી અને આઝાદીની ચળવળ માટેનું હોય તેમાં જાહેરખબરનું સ્થાન અને મહત્વ વિશેષ નહતું. ગુજરાતી પત્રકારત્વની દોઢ સદી બાદ ને આઝાદી પછી ગુજરાતી પત્રકારત્વના બદલતા પ્રવાહો સાથે સમાચાર ઉપરાંત જાહેરખબરને સવિશેષ સ્થાન અને મહત્વ મળવાનું શરૂ થયું. અખબાર, રેડિયો, ટીવી ચેનલમાં શેર, અનાજ, કરિયાણા, પેટ્રોલ, ડિઝલ, ઈંડા, ફિલ્મ શોનો સમય અને ટિકિટ વગેરેના ભાવ, ખોવાયેલી વ્યક્તિઓ કે ચોરાયેલી સાયકલ તથા જીવનસાથી જોઈએ છે જેવી જાહેરખબરો ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થવાની શરૂ થઈ. 90ના દસકમાં ભારતમાં ઉદારીકરણની નીતિ અને ઔદ્યોગિકરણના પ્રોત્સાહને દેશ-દુનિયાની જાહેરખબરોને ગુજરાતી પત્રકારત્વની દુનિયામાં દસ્તક અપાવી. એક તબક્કો એવો આવ્યો જ્યારે ગુજરાતી મીડિયામાં સમાચાર ઓછા અને જાહેરખબર વધુ પ્રસિદ્ધ થવા લાગી. એકાદ સમાચાર ચૂકી જવાય તો વાંધો નહીં, એકપણ જાહેરખબર બાકી ન રહી જવી જોઈએ. પરિણામસ્વરૂપે બન્યું એવું કે છેલ્લા ત્રણ દસકોથી ગુજરાતી પત્રકારત્વની દુનિયામાં સમાચારોની જગ્યાએ જાહેરખબરોનું રાજ સ્થપાઈ ગયું, જાહેરખબર ગુજરાતી પત્રકારત્વને મિશનમાંથી કમિશનમાં અને સંસ્થામાંથી કોર્પોરેટ કલ્ચર તરફ લઈ ગઈ. જાહેરખબરની જેમ જાહેરખબરની દુનિયાએ પણ સૌને આકર્ષિત કરી મૂક્યા. જ્યાં જૂઓ ત્યાં બસ જાહેરખબર જ નજરે પડે.
છેલ્લા કેટલાંક વર્ષોમાં ગુજરાતી સમાચાર માધ્યમોમાં જ્યોતિષ અને સેક્સ વિષયક સૌથી વધુ જાહેરખબર પ્રસિદ્ધ થતી જોઈ શકાય છે અને ત્યારબાદ જોઈએ છે, વેચવાનું છે જેવી જાહેરખબરો વધુ પ્રસિદ્ધ થાય છે. વિવિધ વ્યક્તિ, વસ્તુ, વિચાર કે સેવા વિષયક ટચૂકડીથી લઈ આખા પાનાંની જાહેરખબર અખબારો કે સામયિકોમાં આવે છે, એ જ પ્રકારે ન્યૂઝ ચેનલ્સ, વેબસાઈટ્સ, એપ્લીકેશન્સમાં વિવિધ વ્યક્તિ, વસ્તુ, વિચાર કે સેવા વિષયક જાહેરખબર સેકંડ કે મિનીટમાં દૃશ્ય-શ્રાવ્ય સ્વરૂપે જ્યારે રેડિયો ચેનલ્સમાં માત્ર શ્રાવ્ય સ્વરૂપે પ્રસિદ્ધ થાય છે. ગુજરાતી અખબારો, સામયિકોમાં જાહેરખબર આપવાનો દર કોલમ સેન્ટિમીટર મુજબ વધુ હોય છે. પ્રથમ અને અંતિમ પાનાં પર જાહેરખબર આપવાનો દર વધુ હોય છે, અંદરના પાનાં પર ઓછો હોય છે.
- Advertisement -
કલર અને બ્લેક-વ્હાઈટ એડના રેટ પણ અલગઅલગ હોય છે. પ્રિન્ટ મીડિયામાં શ્રદ્ધાંજલિ છપાવવી સૌથી સસ્તી પડે છે કેમ કે, તેના સાઈઝ-રેટ ફિક્સ હોય છે. અખબારો અને સામયિકોમાં જેમ પહેલાં અને છેલ્લાં પાનાં અને અંદરના પાનાં પર જાહેરખબર આપવાના દર જુદા-જુદા/વધુ-ઓછા હોય છે તેવું જ ન્યૂઝની ટીવી-રેડિયો ચેનલ્સ, વેબસાઈટ્સ, એપ્લીકેશન્સમાં હોય છે. ન્યૂઝ ચેલન્સમાં પ્રાઈમટાઈમમાં અને વેબસાઈટ્સ પર કીસ્લોટ પર જાહેરખબર આપવાના ભાવ વધુ હોય છે. અખબારો કે સામયિકોમાં જેમ કોલમ સેન્ટિમીટર મુજબ દર હોય છે તેમ ટીવી-રેડિયો ચેનલ્સમાં સેક્ધડ મુજબ દર હોય છે. વેબસાઈટ્સમાં જગ્યા અને સ્થાન આધારિત જાહેરખબરના દર હોય છે.
પ્રિન્ટ – ઈલેક્ટ્રિક મીડિયા તેમના ફેલાવાના આધારે જાહેરખબરનો દર નક્કી કરતા હોય છે. જેમ ફેલાવો વધુ તેમ દર્શકો, વાંચકો, શ્રોતાઓ વધુ અને એ જ રીતે તેમાં આવતી જાહેરખબરનો દર પણ વધુ. જે મીડિયાના વાંચકો અને દર્શકો વધુ તે મીડિયામાં જાહેરખબર આપવી મોંઘી પરવડતી હોય છે. મોટા મીડિયાહાઉસમાં જાહેરખબરના દર વધુ હોય તો પણ તેને જાહેરખબર મળતી રહે છે. નાના મીડિયાનો ફેલાવો ઓછો હોય પ્રમાણમાં જાહેરખબર પણ ઓછી મળે છે. સરકારી જાહેરખબર દરેક મીડિયાને વત્તાઓછા પ્રમાણમાં મળતી હોય છે, ખાનગી જાહેરખબર મેળવવામાં નાના અને નવા મીડિયાને તકલીફ પડે છે. કેટલાંક મીડિયા જાહેરખબર મેળવવા પોતાના ફેલાવાનો આંકડો વધારી-ચઢાવી કહેતું હોય છે. જે-તે મીડિયા જાહેરખબર મેળવવા માટે પણ જાહેરખબરનો આશરો લેતું હોય છે, વધુમાં વધુ જાહેરખબર મેળવી આવક વધારવા મીડિયા દ્વારા અવનવા નુસખાઓ પણ અજમાવવામાં આવે છે.
કોઈપણ મીડિયામાં જાહેરખબર ત્રણ પ્રકારે આવે છે – એક તો સીધી જ વિજ્ઞાપનદાતા દ્વારા. બીજી એડ એજન્સી દ્વારા અને ત્રીજું પત્રકાર દ્વારા. મીડિયાની ઓફીસ આવીને સીધી જાહેરખબર આપનાર વિજ્ઞાપનદાતાને અમુક ટકા ડિસ્કાઉન્ટ મળે છે. મીડિયા એડ એજન્સીને જાહેરખબરની મૂળ કિંમતના 25થી 30 ટકા રકમ કમિશન પેટે આપે છે. જો કોઈ મીડિયાના પત્રકાર તે મીડિયા માટે જાહેરખબર લઈ આવે તો તેને જાહેરખબરની મૂળ કિંમતના 30થી 50 ટકા રકમ કમિશન પેટે મળે છે. તેથી કેટલાંક પત્રકારો સમાચારો મેળવવા ઓછા અને જાહેરખબર મેળવવા વધુ સક્રિય જોવા મળે છે. અખબારને આર્થિક રીતે નિભાવવા માટે જાહેરખબરની આવશ્યકતા હોય આજકાલ એડિટોરિયલ જેટલો જ મહત્વપૂર્ણ અને જરૂરી વિભાગ એડવરટાઈઝિંગનો બની ગયો છે. ગુજરાતી પત્રકારત્વમાં થયેલું આ પરિવર્તન જ જાહેરખબરની તાકાત સાબિત કરે છે અને ગુજરાતી પત્રકારત્વના પરંપરાગત મૂલ્યોના અસ્તિત્વ સામે આશ્ચર્યચિન્હ ઉભા કરી રહ્યું છે.
જાહેરખબર પત્રકારત્વ અને તેની સાથે જોડાયેલાઓ માટે અસ્તિત્વ ટકાવી રાખવાનો અને આવક ઉભી કરવાનો મુખ્ય માર્ગ બની ચૂક્યો છે. જાહેરખબર, જાહેરાત, વિજ્ઞાપનનું મહત્વ ગુજરાતી પત્રકારત્વમાં સૌથી મૂલ્યવાન સાબિત થઈ ચૂક્યું છે. ગુજરાતી પત્રકારત્વની એક સદી બાદ કેટલાંક પત્રકારો-તંત્રીઓ જાહેરખબરને સમાચાર સાથે પ્રસિદ્ધ કરવી જોઈએ તેની તરફેણમાં ન હતા. હવે કોઈ તંત્રી-પત્રકાર જાહેરખબર વિનાના સમાચાર પ્રસિદ્ધ કરવાના હિતમાં નથી. જો જાહેરખબર ન હોય તો પ્રિન્ટ – ઈલેક્ટ્રિક મીડિયાનું અસ્તિત્વ જ કેમ ટકી શકે? જાહેરખબર એ અખબાર, સામયિક, ટીવી-રેડિયો ચેનલ્સ, વેબસાઈટ્સ, એપ્લીકેશન્સનું ઈંધણ છે. જાહેરખબર ગુજરાતી પત્રકારત્વને આર્થિક સંપન્ન અને સદ્ધર બનાવે છે. કોઈપણ મીડિયાની આવકનો મુખ્ય સ્ત્રોત એડવરટાઈઝિંગ હોય છે. જાહેરખબર વિનાના માધ્યમની કલ્પના કરવી મુશ્કેલ છે. જાહેરાત વિનાના પ્રિન્ટ – ઈલેક્ટ્રિક મીડિયાનું મરણ નિશ્ચિત છે. ગુજરાતી પત્રકારત્વમાં સારા સમાચાર ન મળે તો ચાલે, વિવિધ વિજ્ઞાપન ગમે ત્યાંથી મેળવી લેવા પડે. કોઈપણ મીડિયાની સફળતાનું સીધું મૂલ્યાંકન તેમાં પ્રસિદ્ધ થતા સમાચારથી નહીં પરંતુ તેમાં આવતી જાહેરખબરથી થાય છે! મીડિયાની સમૃદ્ધિનો આધાર જાહેરખબરની વિપુલતા પર છે.
જાહેરખબર એક કળા છે, એક વિજ્ઞાન છે. વ્યવસાય પણ છે અને ઉદ્યોગ પણ છે. જોકે માહિતી અને જ્ઞાન આપવાના ઉદ્દેશ આપવા સાથે શરૂ થયેલી જાહેરખબર આજે માત્રને માત્ર કોઈપણ વ્યક્તિ, વસ્તુ, વિચાર કે સેવાને ગમેતેમ કરીને ગ્રાહકોને આકર્ષિત કરવાના ઉદ્યોગમાં પરિવર્તિત થઈ ચૂકી છે. તેમાંથી કળા અને વિજ્ઞાનનું તત્વ નામશેષ થતું જાય છે, જ્યારથી એડવરટાઈઝિંગમાં ગ્લેમર અને એન્ટરટેઈનમેન્ટ ઘૂસ્યૂ છે, ત્યારથી ઈન્ફોર્મેશન ઓછી થઈ ગઈ છે. રિયાલીટી પર ફિક્શન હાવી થઈ ગયેલું સ્પષ્ટ જોઈ શકાય છે. જાહેરખબર માત્રને માત્ર ગ્રાહકને ભરમાવવા માટે હોય છે એવો લોકમત કેળવાઈ ચૂક્યો છે. મોટાભાગના લોકો હવે જાહેરખબર પર ભરોસો કરતા નથી, જાણકારો તરત જ જાહેરખબર પાછળની સચ્ચાઈ સમજી જાય છે. જાહેરખબર બજારોમાં પોતાનું વર્ચસ્વ વધારતી જાય છે પણ ગ્રાહકોને આકર્ષિત કરવામાં પાછળ પડતી જાય છે. આ સમયમાં પણ ગુજરાતી પત્રકારત્વમાં જાહેરખબરનો ધંધો જબરદસ્ત ફૂલોફાલ્યો છે. અખબારો, સામયિકોમાં જાહેરખબરો વચ્ચેથી સમાચારો શોધવા પડે છે અને ટીવી-રેડિયો ચેનલ્સમાં નાનકડા વિરામ પછી પણ સમાચાર આવતા પહેલા વધુ એક નાનકડો વિરામ આવી જાય છે!
વધારો : મીડિયા એજ્યુકેશન, ઈન્ફોર્મેશન અને એન્ટરટેનમેન્ટ માટે પણ છે, ફક્ત એડવરટાઈઝિંગ માટે નહીં. પ્રિન્ટ – ઈલેટ્રોનિક મીડિયામાં ન્યૂઝ ઓછા અને એડ વધુ જોવા મળે છે. ગુજરાતી વાંચક, દર્શક, શ્રોતાઓ વધુ પડતી જાહેરખબરથી તોબા પોકારી ઉઠ્યા છે. એવું દૃશ્ય ઉપસી રહ્યું છે જાણે ગુજરાતી સમાચાર માધ્યમો સમાચારના નહીં, જાહેરખબરના માધ્યમો બની ગયા હોય. ફક્ત પૈસા કમાવવા માટે જાહેરખબર સાથે આપવા ખાતર સમાચાર આપવા ન જોઈએ. ગુજરાતી પત્રકારત્વ ધંધો કે વ્યવસાયનું ક્ષેત્ર નથી. સમાચાર અને જાહેરખબર વચ્ચે ચોક્કસ પ્રમાણ જળવાય એ જરૂરી છે. સમાચારના ભોગે જાહેરખબર પ્રસિદ્ધ થાય તો તે ગુજરાતી પત્રકારત્વજગત માટે જ જોખમી છે. પત્રકારત્વ ધારા હેઠળ અને પ્રેસ કાઉન્સિલના નિયમ અનુસાર સમાચારના કોઈપણ માધ્યમમાં 40 ટકાથી વધુ જગ્યા કે સમય જાહેરખબરોને આપી ન શકાય.