‘ખાસ-ખબર’ના અહેવાલ પછી તંત્ર હરકતમાં, પોલીસ મથકમાંથી લાખોનો મુદ્દામાલ ગાયબ: કૌભાંડની તપાસ હવે ઉચ્ચ સ્તરે
તાપસ કમિટીએ નવીબંદર પોલીસ મથકે સીઝ કરેલાં મુદ્દામાલનું ઇન્સ્પેક્શન કર્યું
- Advertisement -
પોલીસ સ્ટેશનમાંથી સરકારી મુદ્દામાલને ગાયબ કરવાનું મોટો રેકેટ બહાર પડે તેવી શક્યતાઓ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં અનધિકૃત ખનનને લઈને જિલ્લા કલેકટર એસ.ડી.ધાનાણીની સૂચનાથી વહીવટી તંત્ર,રેવન્યુ વિભાગ અને ખાણ ખનીજ વિભાગ સતત દરોડા પાડી કાર્યવાહી કરી રહ્યું છે. દર વર્ષે કરોડો રૂપિયાના ગેરકાયદે ખનન ના કેસ સામે આવતા હોય છે. ત્યારે તંત્ર દ્વારા સીઝ કરાયેલા સરકારી મુદ્દામાલ નવીબંદર પોલીસ મથકે રાખવામાં આવ્યો હતો અને ત્યાં સીઝ કરાયેલા મુદ્દામાલને વગર કોઈ રિલીઝ ઓર્ડર કે કોર્ટના આદેશ વિના પૈસાની લેતીદેતી કરી છોડી દેવામાં આવ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. સમગ્ર મામલે ખાસ ખબર દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. પોરબંદર જિલ્લા કલેકટર એસ.ડી.ધાનાણી દ્વારા હાઈ-લેવલ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં કમિટીના અધ્યક્ષ તરીકે પોરબંદર પ્રાંત અધિકારી સંદીપસિંહ જાદવ, સભ્ય તરીકે ખાણ ખનીજ વિભાગ ભૂસ્તરશાસ્ત્રી કિરણ પરમાર, મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી મિતેષ મોદી, ગ્રામ્ય મામલતદાર ખીમાભાઈ મારૂની નિમણુંક કરવામાં આવી છે. ગઈકાલે તપાસ કમિટી નવીબંદર પોલીસ મથકે પહોંચી હતી અને સીઝ કરાયેલા મુદ્દામાલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જોકે ખાસ ખબર ના અહેવાલ પછી નવીબંદર પોલીસ મથકના પી.આઈ સુભાષ ગામેતી અચાનક રજા ઉપર ઉતરી ગયા હતા. જેથી તેઓ ગઈકાલે હાજર ન હોવાનું જાણવા મળ્યું હતું. જોકે સમગ્ર મામલે તંત્ર દ્વારા ઈઈઝટ ફૂટેજ તપાસવામાં આવે તો ચોંકાવનારી હકીકતો સામે આવે તેમ છે.
કમિટિએ નવીબંદર પોલીસ મથકે તપાસ કરી
આ કમિટિમાં સંદીપસિંહ જાદવ-પ્રાંત અધિકારી પોરબંદર (તપાસ અધ્યક્ષ), કિરણ પરમાર-ભૂસ્તરશાસ્ત્રી, ખાણ-ખનીજ વિભાગ પોરબંદર, મિતેષ મોદી-મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી ખાણ-ખનીજ વિભાગ પોરબંદર, ખીમાભાઈ મારૂ-ગ્રામ્ય મામલતદાર, પોરબંદરનો સમાવેશ થાય છે. આ ટીમે ગઈકાલે નવીબંદર પોલીસ મથકે પહોંચીને મહત્વની તપાસ શરૂ કરી, અને ભયાનક ગેરરીતિઓ ઝડપાઈ છે. જે આવનારા દિવસોમાં રિપોર્ટમાં બહાર આવશે.
હવે મોટો ભાંડાફોડ થશે?
આગામી એક સપ્તાહમાં તપાસ કમિટીની પ્રાથમિક રિપોર્ટ જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવશે.
રિપોર્ટમાં કોઈ અધિકારી કે પોલીસ સંડોવાયેલા જોવા મળશે તો તેમની સામે કાયદેસર કાર્યવાહી થશે.
તંત્ર દ્વારા હવે તમામ સીઝ કરાયેલા મુદ્દામાલની હાઈ-લેવલ ઓડિટ કરવામાં આવશે.
આ મામલે SIT (Special Investigation Team)ની પણ ભલામણ થઈ શકે છે.
આ કૌભાંડ કોણે રચ્યું? કોને કેટલું ફાયદો મળ્યો? કોની સત્તા આ કેસને દબાવવા માટે કામ કરશે? ‘ખાસ-ખબર’ આ સમગ્ર કેસ પર ચકાસણી ચાલુ રાખશે.
- Advertisement -
‘ખાસ-ખબર’ના અહેવાલ બાદ તંત્રની કાર્યવાહી
જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી એ આ મામલાને અત્યંત ગંભીર ગણાવીને તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ આદેશિત કરી. પોરબંદર પ્રાંત અધિકારી સંદીપસિંહ જાદવની અધ્યક્ષતા હેઠળ વિશેષ તપાસ કમિટી રચાઈ છે.