મેધા પંડ્યા ભટ્ટ
- હોમોસેક્સુઅલ હોવુ ગુનો નથી.
- એક પુરુષને પુરુષ પ્રત્યે પણ પ્રેમ થઇ જ શકે છે.
આ સત્યઘટનાને હું બે ભાગમાં લખી રહી છું કારણકે તેમાં બે વ્યક્તિઓની વાત છે. જે બંને એકબીજા સાથે જોડાયેલા છે. ટૂંકમાં એક વ્યક્તિની વાર્તા બનાવીને વાચકોને પીરસી દેવામાં મજા નથી, તેથી વિસ્તારથી લખવા માટે બે ભાગમાં વહેંચણી કરી છે. ડેટીંગ એપ પર અનેક યુવક અને યુવતીઓને મળી છું પણ પહેલીવાર બે યુવકોને મળવાનું થયું. ભાર્ગવ અને દિવ્યેશ બંનેને મળીને લાગ્યું કે પ્રેમ, લાગણી, ખેંચાણ ફક્ત અપોઝીટ સેક્સમાં જ હોય તેવું નથી. તે બંને હોમોસેક્સુઅલ છે. છેલ્લા બે વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેમાં દિવ્યેશ હવે સેક્સ ચેન્જ કરાવીને દિવ્યા નામ રાખીને ભાર્ગવ સાથે જીવન જીવશે. બંને પોતાના જીવનમાં એકબીજા માટે ખૂબ સ્પષ્ટ રહ્યા છે. જેના પરિણામે આજે તે બંને સાથે છે. બંનેએ અનેક લોકોને ડેટ કર્યા છે પણ એકબીજાને મળ્યા પછી તેમના જીવનમાં કોઇ આવ્યું નથી. દિવ્યેશે થોડા સમય પહેલા જ સેક્સ ચેન્જ કરાવવાનો નિર્ણય લીધો છે અને ત્યારબાદ બંને લગ્ન કરીને સાથે જીવન વિતાવશે. બંને સાથેની મારી મુલાકાત ખૂબ અનોખી રહી હતી.
- Advertisement -
હું ડેટીંગ એપ પર દિવ્યેશને મળી હતી અને તેની સાથે વોટ્સઅપમાં સંપર્કમાં હતી, પણ મારી રૂબરૂ મુલાકાત પહેલા ભાર્ગવ સાથે થઇ અને તે મને દિવ્યેશને મળવા લઇ ગયો. પહેલીવાર એવું બન્યું કે હું એકસાથે બે યુવકોની વાતને જાણવા તેમને મળી. પહેલીવાર એવું બન્યું કે બંનેને હું એકસાથે બે થી ત્રણવાર મળી. તે બંને મારા માટે એક સ્ટોરી કરતા પણ વધારે ખાસ બની ગયા. મિત્રતાની વ્યાખ્યામાં તેઓ મારા માટે બેસ્ટ મિત્રો છે. મારે પહેલીવાર એવું થયું કે હું કોઇ ડેટીંગ એપ પર મળેલી વ્યક્તિના ઘરે પણ તેમને મળી હોઉં. તે બંનેએ પોતાનું નવું ઘર પણ લીધું છે. જોકે નવું ઘર લીધા પછી તેમને મળવાનું થયું નથી પણ આ કપલ મારું ખૂબ પ્રિય છે. હવે ફક્ત તેમના લગ્નની રાહ જોઇ રહી છું. તો જાણીયે કે ભાર્ગવ અને દિવ્યેશ કેવી રીતે એકબીજાને મળ્યા અને મારી સાથે મુલાકાત કેવી રીતે થઇ.
ટીંડર પર છોકરો બનીને મેં છોકરીઓ સાથે વાત કરવા પ્રોફાઇલ બનાવી ત્યારે દિવ્યેશ સાથે મુલાકાત થઇ. તેણે મને પહેલીવારની વાતચિતમાં જ કહ્યું કે તે પોતે પણ છોકરો છે અને તેને ફક્ત છોકરાઓમાં જ રસ છે. અમે બંનેએ થોડો સમય વાતચિત કર્યા પછી વોટ્સઅપ નંબર શેર કરી લીધા. તેને જેવી ખબર પડી કે હું એક મહિલા છું તો તેણે મને કહ્યું કે તેને મારામાં રસ નથી. મેં તેને મારા રીસર્ચની વાત કરી. તેને તો પણ વિશ્વાસ ન આવ્યો. મેં તેને મારી ફેસબુક અને ઇન્સ્ટાની પ્રોફાઇલ કહી. તેણે તે ચેક કરી તો પણ તેને વિશ્વાસ ન આવ્યો. દિવ્યેશે મને બ્લોક કરી દીધી. મને લાગ્યું કે તેને કદાચ વિશ્વાસ નહીં આવ્યો હોય. હું તેને ભૂલી ગઇ. મારા અન્ય કામમાં વ્યસ્ત થઇ ગઇ. લગભગ બે મહિના પછી તેનો મને વોટ્સઅપ પર મેસેજ આવ્યો. મેં તેને ખૂબ સારી રીતે પોજીટીવ રીપ્લાય આપ્યો. તેણે મને કહ્યું કે તે મને તેની વાત કરશે. તે હાલમાં એક યુવક સાથે રીલેશનશીપમાં છે અને બંને એકબીજા સાથે હંમેશા સાથે રહેવાનો નિર્ણય કરી ચૂક્યા છે. મને તે જાણીને આનંદ થયો અને અમે મળવાનું નક્કી કર્યું.
દિવ્યેશનો જ્યારે મેસેજ આવ્યો ત્યારે મારે ભાર્ગવ સાથે ચેટીંગ ચાલુ હતી અને તેણે પણ મને મળવા માટે કહ્યું હતું. ભાર્ગવ વિશેની વાતો મને વધારે ખબર નહોતી, કારણકે તેણે મને મળીને વાત જણાવશે તેમ કહ્યું હતું. મારા માટે તે નોર્મલ વાત હતી તેથી તેમાં મેં વધારે વિચાર્યું નહી. અમે ફક્ત બે-ત્રણ દિવસ જ વાતચિત કરી અને તેણે મળવા માટે હા પાડી દીધી હતી. આ સમય દરમિયાન મને ભાર્ગવ અને દિવ્યેશ બંને એકબીજાને ઓળખે છે, તે મને ખબર નહોતી. મેં અને ભાર્ગવે સિંધુ ભવન રોડ પર મળવાનું નક્કી કર્યું. હું ત્યાં પહોંચી અને મેં તેને ફોન કર્યો તો તેણે મને ગાડીમાં બેસીને વાત કરીયે તેમ કહ્યું. હું તેની ગાડી પાસે ગઇ તો તે બહાર આવ્યો. તેની સાથે વાતચિત કરી રહી હતી, ત્યાં ગાડીના બીજા દરવાજો ખોલીને દિવ્યેશ પણ બહાર આવ્યો. હું તેને જોઇને ખુશ થઇ. તે મને આવીને ભેટી પડ્યો. પહેલી જ વાર કોઇ યુવકને મળી હોઉં અને તે મને આ રીતે ભેંટી પડે તે મારા માટે પણ નવાઇ હતી, પણ મને તેમાં તેનો મારી પ્રત્યેનો એક લાગણીનો ઉમળકો દેખાયો. ભાર્ગવે પણ અમને બંનેને સાથે ભેંટી પડ્યો. થોડુ અજુગતુ હતું પણ તેમની લાગણીને સમજવું પણ જરૂરી હતું. (અહીં એક વાત ખાસ લખીશ કે ક્યારેય કોઇ પુરુષ કોઇ સ્ત્રીને ઉમળકાભેર ભેંટી પડે તો આપણી સામાન્ય માનસિકતા પ્રમાણે આપણે તે બંનેને ખોટા અર્થમાં અને ખોટા સંબંધના આંકી લેતા હોઇએ છીએ. સ્ત્રી અને પુરુષનો સંબંધ ફક્ત સંભોગ પુરતો જ હોય તેવું નથી. ખાસ મિત્રો અને લાગણીના સંબંધો પણ તેમની વચ્ચે હોઇ શકે છે. જે કેટલીક કાચી બુદ્ધિ ધરાવતા લોકો ક્યારેય સમજી શકતા નથી.)
- Advertisement -
અમે ત્રણેયે કોફી ઓર્ડર કરી અને ગાડીમાં બેઠા. હું બંને તરફ જોઇ રહી હતી. ભાર્ગવે હસીને કહ્યું, તું વધારે વિચાર નહીં, હું તને બધુ ટૂંકમાં કહું છું. હું પંજાબનો છું અને દિવ્યેશ યુ.પીનો છે. અમે બંને ત્રણ વર્ષથી અમદાવાદમાં છીએ અને છેલ્લા બે વર્ષથી સાથે છીએ. ડેટીંગ એપ પર એકબીજા માટે યુવક શોધીએ છીએ. પણ થોડા સમય પહેલા જ અમે સાથે રહેવાનું નક્કી કર્યું છે. તે દરમિયાન દિવ્યેશની તારી સાથે વાતચિત થઇ હતી અને તે પહેલીવારમાં ગભરાઇ ગયો હતો તેથી તને બ્લોક કરી હતી. મારી સાથે તારી વાત શેર કર્યા પછી મેં તને સર્ચ કરી અને તારો સંપર્ક કર્યો. તારી પ્રોફાઇલ અને તારા અપડેટ અમે રેગ્યુલર જોતા હતા. તે જોઇને તારા પર વિશ્વાસ આવ્યો અને અમે તને મળવાનું નક્કી કર્યું. અમે બંને તને સાથે મળીને સરપ્રાઇઝ આપવા માગતા હતા એટલે મેં તને ફોનમાં કે મેસેજમાં કંઇ જ કહ્યું નહોતું. અમે બંને અહીં ખૂબ સારી કંપનીમાં નોકરી કરી રહ્યા છીએ. સાથે અપાર્ટમેન્ટમાં રહીયે છીએ અને એકબીજા સાથે ખૂબ ખુશ છીએ. બે વર્ષથી સાથે હોવાથી હવે અમને લાગે છે કે અમે બંને એકબીજા વિના જીવી શકીશું નહીં. આ સમય દરમિયાન મેં તો અનેક લોકોને ડેટ કર્યા છે પણ દિવ્યેશ હવે મારી સિવાય કોઇની સાથે કમ્ફર્ટેબલ નથી. તેની પ્રામાણિકતા અને મારી પ્રત્યેના પ્રેમને જોઇને ધીમે ધીમે હું પણ તેની તરફ વળી ગયો. મને પણ હવે તેના સિવાય કોઇનામાં રસ નથી. તેથી હવે અમે બંને ટૂંક સમયમાં લગ્ન કરવાના છીએ. તેના માટે દિવ્યેશ પહેલા તેનું સેક્સ ચેન્જનું ઓપરેન કરાવશે અને પછી અમે ઘર લઇશું. ત્યારબાદ વિધીસર લગ્ન કરીને સાથે જ જીવન જીવીશું.
ભાર્ગવની વાત સાંભળી રહી હતી ત્યારે થોડી થોડી વારે હું દિવ્યેશ તરફ જોઇ રહી હતી. તેની આંખોના ખૂણા ભીના થઇ જતા હતા. તેને જોઇને મને લાગ્યું કે તે ખૂબ જ લાગણીશીલ વ્યક્તિ છે. ભાર્ગવે મને કહ્યું કે દિવ્યેશ આમ તો ઘણો મજબૂત છે પણ મારી બાબતમાં તે ખૂબ લાગણીશીલ બની જાય છે. તેના આ જ પ્રેમના લીધે હું તેની તરફ ઝૂકી ગયો અને મને તેનામાં મારા પ્રત્યેના સાચા પ્રેમનો પરિચય મળી ગયો. આજના સમયમાં તમને કોઇ સાચો પ્રેમ કરનાર મળે તો તેને ગૂમાવવો જોઇએ નહીં કારણકે અત્યારનો સમય ફક્ત મતલબી લોકોનો જ છે. અમે બંને અમારા જીવનમાં અનેક તકલીફોમાંથી પસાર થયા છીએ અને અંતે આજે સાથે છીએ. ક્યાંક ને ક્યાંક અમારી સાથે બનેલી ઘટનાઓ પણ એકસરખી હોવાથી અમે એકબીજાની સાથે જોડાઇ શક્યા છીએ.
(દિવ્યેશ અને ભાર્ગવના જીવનમાં એવી કઇ ઘટના બની જેના લીધે હવે તે બંને લગ્ન કરીને સાથે રહેવાના છે અને સમાજમાં હવે આવા કિસ્સા શા માટે વધારે બની રહ્યા છે, તે વિશે આ આર્ટીકલના ભાગ – 2 માં જાણીશું. )
સમજવા જેવું –
સમલૈંગિક વ્યક્તિ તરફ આકર્ષણ થવું તેના અનેક કિસ્સા દેશ-દુનિયામાં બની રહ્યા છે. જેમાં દર વખતે કંઇક ને કંઇક કારણ જવાબદાર હોય છે. ક્યારેક તેમાં જન્મજાત લક્ષણો પણ મહત્વના સાબિત થતા હોય છે. પહેલા લોકો તેને છૂપાવતા હતા, તે હજીપણ છે, તો પણ હવે લોકો થોડા ખુલીને બહાર આવી રહ્યા છે. તેમની પ્રત્યે ધૃણા કે નફરત રાખવાના બદલે તેમને સમજવા જરૂરી છે. તે પણ સામાન્ય વ્યક્તિ જેવા જ છે ફરક માત્ર એટલો છે કે તેમની લાગણી તેમને સમાજમાં વ્યક્ત કરવાની પરવાનગી નથી કે તે કોને પ્રેમ કરે છે. (વધુ આવતા ભાગ – 2 માં)