ધર્મના અને અધ્યાત્મના જગતમાં સર્વોચ્ય સ્થાન પર ભગવાન શંકર બિરાજે છે. એમનું આસન મોટું છે કારણકે ત્યાં તેઓ એકલા બિરાજતા નથી, પોતાની અંદર પત્નીનું અર્ધું અંગ સમાવીને મહાદેવ તે આસનને શોભાવે છે. દાયકાઓ પછી આવો સુયોગ આવ્યો છે જ્યારે શ્રાવણ મહિનાનો પ્રારંભ સોમવારથી થશે અને સમાપન પણ સોમવારથી જ થશે. આ વર્ષે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર આવશે. આ શ્રાવણ મહિનામાં ગજકેસરી યોગ ઉપરાંત બીજા ચાર યોગ થશે. આથી આ વર્ષે મહાદેવની ભક્તિનું વિશેષ મહત્વ રહેશે. આ સોમવારથી સમગ્ર બ્રહ્માંડ પર ભગવાન શંકરનું અધિપત્ય આરંભાશે. જે લોકોને મહાદેવના શિવતત્વમાં અને માં પાર્વતીના શક્તિતત્વમાં શ્રધ્ધા છે તેમણે આખો શ્રાવણ માસ અચૂક ભક્તિ અને આરાધના કરી લેવી.
તમે શિવભક્તિ માટે કેટલા કલાકો કાઢી શકો છો એ તમારી વ્યસ્તતા ઉપર નિર્ભર છે. જેવી શકિત એવી ભક્તિ ! રોજ ત્રીસ મિનિટ ફાળવી શકતા હો તો આખો મહિનો એટલો સમય જાળવી રાખશો. ચોવીસ કલાકમાંથી જે સમયની અવધિ તમે નક્કી કરો , બ્રહ્મ મુહૂર્તમાં , સાંજે કે રાત્રે, તો આખો મહિનો તે જ સમય સાચવશો. દરરોજ એક જ સ્થાન પર, એક જ આસન પર બેસીને પૂજા કરશો. મહાદેવ અંતર્યામી છે. એમની પાસે ભૌતિક સુખો માંગશો નહી. ભગવાન શંકરે કામદેવને બાળીને ભસ્મ કર્યો હતો માટે મહાદેવની સમક્ષ કામનાઓ લઈને જશો નહી. કામનાઓ એટલે માત્ર કામવાસના જ નહી, તમામ પ્રકારની દુન્યવી ઈચ્છાઓ. મહાદેવ આશુતોષ છે અને આશુરોષ પણ છે. બહુ જલ્દીથી ગુસ્સે થઈ જાય છે અને બહુ જલ્દીથી રીઝી જાય છે. મહાદેવને પ્રસન્ન કરવા માટે વધારે ઝાકમઝાળ કે શણગારની જરૂર નથી. એટલે જ દેહ પર સ્મશાનની ભસ્મ ચોળીને બેઠેલા આ ભગવાન મને અત્યંત પ્રિય છે.