2.15 અબજ ડોલરની લોન ચુકવાયાના દાવા છતા બેંકોએ ગીરવે રાખેલા શેરો રીલીઝ ન કર્યાનો દાવો
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકી શોર્ટ સેલર હિંડનબર્ગના સ્ફોટક આક્ષેપો સાથેના રીપોર્ટ બાદ અદાણી ગ્રુપ માટે સર્જાયેલી મુસીબત હજુ અટકતી ન હોય તેમ 2.15 અબજ ડોલરની લોન ચુકવાયાના દાવા સામે ફરી બબાલ થઈ છે. મુંબઈ શેરબજાર તથા નેશનલ સ્ટોક એકસચેંજ દ્વારા પણ આ મુદ્દે સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે.
હિંડનબર્ગના રીપોર્ટ બાદ કોઈ આર્થિક મુશ્કેલી ન હોવાનું સાબીત કરવા તથા રોકાણકારોનો વિશ્વાસ જાળવવા અદાણી ગ્રુપે શેર સામે મેળવેલી જંગી લોન ચુકવી દેવાનો વ્યુહ અપનાવ્યો હતો અને તે પેટે 2.15 અબજ ડોલર ચુકવીને ગીરવે મુકેલા શેર છોડાવી લીધાનો દાવો કર્યો હતો. વાસ્તવમાં બેંકમાં ગીરવે મુકાયેલા શેરો હજુ રીલીઝ થયા ન હોવાના દાવા સાથે મીડીયા રીપોર્ટમાં લોન ચુકવાયા સામે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. લોન ચુકવાયાના દાવાના એક મહિના પછી પણ શેરો રીલીઝ થયા ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જેને પગલે અદાણી ગ્રુપમાં ફરી બબાલ શરૂ થઈ હતી.મંગળવારે અદાણી ગ્રુપના શેરો ફરી ગબડતા માર્કેટ કેપમાં 50,000 કરોડથી અધિકનુ ધોવાણ થયુ હતું.
અદાણી ગ્રુપે ટેક ઓવર કરેલી એસીસી તથા અંબુજા સીમેન્ટ સંબંધીત લોનની ચુકવણી માટે પણ વધુ સમય માંગ્યો હોવાથી વિવિધ શંકા દ્રઢ બની હતી. આ હસ્તાંતરણ પેટે ગત વર્ષનાં ઓગસ્ટમાં 4 અબજ ડોલરની લોન લેવામાં આવી હતી તેની શરતો માટે નેગોશીએશન કરવામાં આવી રહ્યું છે.
લોન રીપેમેન્ટ તથા બેંકોમાંથી ગીરવે રખાયેલા શેરો છોડાવવાનાં મામલે મુંબઈ શેરબજાર (બીએસઈ)તથા નેશનલ સ્ટોક એકસચેંજ (એનએસઈ) દ્વારા પણ સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે.