બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર અદાણી ટોપ-10 અમીર લોકોની યાદીમાં એકમાત્ર વ્યક્તિ છે જેમની સંપત્તિમાં છેલ્લા 24 કલાક દરમ્યાન વધારો થયો.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ભારતના તેમજ એશિયાના સૌથી મોટા અમીર વ્યક્તિ છે. થોડા વર્ષો પહેલા ભલે દુનિયાના ઘણા લોકો તેમનું નામ જાણતા ન હોય, પરંતુ હવે આખી દુનિયા તેમને ઓળખે છે. હવે ગૌતમ અદાણીએ નેટવર્થના મામલે નવો રેકોર્ડ બનાવ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણી હવે વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. મહત્વનું છે કે, અદાણી આવું કરનાર પ્રથમ એશિયન બિઝનેસમેન છે.
- Advertisement -
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, અદાણીએ હવે લૂઈસ વિટનના સીઈઓ અને ચેરમેન બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ છોડી દીધા છે. ઈન્ડેક્સ અનુસાર, અદાણીની નેટવર્થ હાલમાં વધીને $137.4 બિલિયન થઈ ગઈ છે. હવે અદાણી ગ્રુપના ચેરમેનથી આગળ માત્ર ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ જ આગળ છે. મસ્કની નેટવર્થ હાલમાં $251 બિલિયન છે, જ્યારે બેઝોસ હાલમાં $153 બિલિયનની નેટવર્થ ધરાવે છે.
તો શું અદાણી માટે આ વર્ષ લકી છે ?
અદાણીની નેટવર્થ તાજેતરના સમયમાં ઝડપથી વધી છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર અદાણી ટોપ-10 અમીર લોકોની યાદીમાં એકમાત્ર વ્યક્તિ છે જેમની સંપત્તિમાં છેલ્લા 24 કલાક દરમ્યાન વધારો થયો છે. આ સમયગાળા દરમ્યાનઅદાણીની નેટવર્થમાં $1.2 બિલિયનનો વધારો થયો છે. આ વર્ષ વિશે વાત કરીએ તો અદાણી માટે તે ખૂબ જ લકી સાબિત થયું છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અદાણીની સંપત્તિમાં $60.9 બિલિયનનો વધારો થયો છે.
- Advertisement -
આ સાથે મહત્વનું છે કે, વર્ષ 2022 અદાણી માટે શાનદાર સાબિત થયું છે. આ વર્ષે અદાણીની સંપત્તિમાં જે ઝડપે વધારો થયો છે, અન્ય કોઈ અબજોપતિ તેમની નજીક પણ ટકી શકે તેમ નથી. આ વર્ષે તેની નેટવર્થ $60 બિલિયનથી વધુ વધી છે, જે બાકીના કરતાં ઓછામાં ઓછી 5 ગણી વધારે છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં અદાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ છોડીને ભારત તેમજ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બનવાનો ખિતાબ જીત્યો હતો. અદાણીની નેટવર્થ આ વર્ષે એપ્રિલમાં પ્રથમ વખત $100 બિલિયનને વટાવી ગઈ હતી.
આ મોટી ડીલ છે અદાણી પાસે
અગાઉ મે મહિનામાં ગૌતમ અદાણીની કંપનીએ હોલ્સિમનો ભારતીય સિમેન્ટ બિઝનેસ ખરીદવાની જાહેરાત કરી હતી. આ સોદો $10.5 બિલિયનમાં થયો હતો. આ સોદા સાથે અદાણી ગ્રૂપ ભારતીય સિમેન્ટ માર્કેટમાં પળવારમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. અદાણીની કંપની અદાણી પાવરે આ મહિને થર્મલ પાવર પ્લાન્ટ ઓપરેટર ડીબી પાવરને રૂ. 7,017 કરોડમાં ખરીદવાની જાહેરાત કરી હતી. અદાણી ગ્રુપે જુલાઈમાં ઈઝરાયેલમાં પોર્ટ ચલાવવા માટે લીઝ મેળવી હતી. આ સાથે કંપનીએ આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં રોડ ટોલ બિઝનેસ મેક્વેરી એશિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાંથી રૂ. 3,110 કરોડમાં ખરીદ્યો છે.