ગામમાં ટેન્કર દ્રારા દરરોજ 40 હજાર લિટર પાણીનું વિતરણ
ખાસ-ખબર ન્યૂઝ તાલાલા, તા.25
- Advertisement -
તાલાલા પંથકના છેવાડાના સાત સહિત પંથકના 11 ગામની પંદર હજાર માનવવસ્તી તથા કિંમતી પશુધનને ઉનાળાના પ્રારંભે પીવાનું પાણી આપવા ગ્રામીણ પ્રજામાંથી પાણીનો પોકાર ઉઠતા સત્તાવાળા દ્વારા 11 ગામને સમયસર પીવાનું પાણી મળી રહે માટે તુરંત ટેન્કરો શરૂ કરતાં ગ્રામીણ પ્રજાને રાહત મળી છે.
તાલાલા તાલુકા પંચાયતમાંથી પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે તાલાલા પંથકની નવ ગ્રામ પંચાયત હેઠળના 11 ગામોમાં પીવાના પાણીની જબરી મુશ્ર્કેલી ઉભી થયાની ફરીયાદ આવતા તમાંમ ગામોની ગ્રામીણ પ્રજા તથા કિંમતી પશુધનને પીવાનું પાણી આપવા સર્વે દરમ્યાન ટેન્કર એકમાત્ર વિકલ્પ હોવાનું ફલિત થતાં નવ ગામની ગ્રામ પંચાયતની માંગણી પ્રમાણે પીખોર-ગુંદાળા ગ્રામ પંચાયતને દરરોજ દશ હજાર લીટરના એક એવાં નવ ટેન્કર દ્રારા પાણી આપવામાં આવે છે.આ ઉપરાંત રાયડી ચાર,રામપરા ચાર,સેમળીયા-જમાલપરા આઠ,જશાધાર ત્રણ,જેપુર પાંચ,વિઠ્ઠલપુર ચાર,વડાળા ત્રણ ટેન્કર દ્રારા પીવાના પાણીનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.11 ગ્રામ પંચાયતોને આપવામાં આવતા પીવાના પાણીથી ગ્રામીણ પ્રજાએ સંતોષ વ્યક્ત કર્યો છે.
નવ ગ્રામ પંચાયત હેઠળના 11 ગામની ગ્રામીણ પ્રજા તથા ગામના કિંમતી પશુધનને દરરોજ નિયમિત સરળતાથી પીવાનું પાણી મળી રહે માટે તાલુકા પંચાયત દ્રારા ગોઠવેલ આયોજન ઉપર કાયમી મોનીટરીંગ થઈ રહ્યું છે.