મોરબીની સેશન્સ કોર્ટે રૂ.28 લાખની છેતરપિંડીના કેસમાં આરોપી ઋતુ આનંદને જામીન પર છોડ્યો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબીમાં ઝુડિઓ ફ્રેન્ચાઇઝી આપવાના બહાને ઓનલાઇન ₹28,03,500ની છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલા આરોપી ઋતુ આનંદને મોરબીની સેશન્સ કોર્ટે જામીન પર મુક્ત કર્યો છે.
- Advertisement -
ફરિયાદી હિરેનભાઈ મહેન્દ્રભાઈ પુજારાએ ઇન્સ્ટાગ્રામ પર ઝુડિઓ ફ્રેન્ચાઇઝીની જાહેરાત જોઈ હતી. ફ્રેન્ચાઇઝી મેળવવાની ઈચ્છાથી તેમણે ઓનલાઇન ફોર્મ ભરીને સબમિટ કર્યું હતું. ત્યારબાદ અજાણ્યા નંબર પરથી ફોન આવતા, તેમણે જુદા જુદા સમયે અને જુદા જુદા બેંક ખાતાઓમાં કુલ ₹28,03,500 જમા કરાવ્યા હતા. તેમ છતાં તેમને ફ્રેન્ચાઇઝી ન મળતા અને ફોન નંબર બંધ થઈ જતા, તેમને છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.
આ મામલે હિરેનભાઈએ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન, ઝારખંડના રહેવાસી આરોપી ઋતુ આનંદની સંડોવણી સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. કોર્ટે આરોપીને જેલ હવાલે કર્યા બાદ, તેણે તેના વકીલ મારફત જામીન અરજી દાખલ કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન, આરોપીના વકીલોએ સર્વોચ્ચ અદાલત અને હાઈકોર્ટના ચુકાદાઓ રજૂ કરીને જામીન આપવા દલીલ કરી હતી. સરકારી વકીલે જામીન ન આપવા રજૂઆત કરી હતી. બંને પક્ષોની દલીલોને ધ્યાનમાં લીધા બાદ મોરબીની સેશન્સ કોર્ટે આરોપીની જામીન અરજી મંજૂર કરી હતી. આ કેસમાં આરોપી વતી રાજકોટના એડવોકેટ હિતેષ આર. ભાયાણી, ભૌમિક એ. કરથીઆ અને લીગલ આસિસ્ટન્ટ તરીકે દર્શિત પાડલીયા અને રોનીત ભાયાણી રોકાયા હતા.