આરોપીને ઘટનાસ્થળે લઇ જઇ રિક્ધસ્ટ્રક્શન કરાવ્યું : રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઈ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબીના શક્ત શનાળા વિસ્તારમાં એક વેપારી પાસેથી ₹3.50 લાખ રોકડા ભરેલા થેલાની ઝપાઝપી કરીને ચોરી થઈ હોવાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. આ ચોરી કરનાર વ્યક્તિ વેપારીના જ ગામનો હોવાનું સામે આવ્યું છે.
મોરબી શહેરના શક્ત શનાળા ગામમાં લીમડાવાડી મેલડી માતાજીના મંદિર પાછળ, શિવમ હાઈટ્સની બાજુમાં રહેતા ઘનશ્યામભાઈ થોભણભાઈ સુરાણી (ઉંમર 47), જેઓ મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન નજીક કેશવ કિરાણા સ્ટોર નામની દુકાન ચલાવે છે, તેમણે સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
- Advertisement -
ઘનશ્યામભાઈએ પોલીસને જણાવ્યું કે, ગઈકાલ, તા. 22/07ના રોજ રાત્રિના સમયે તેઓ પોતાની દુકાન બંધ કરીને શનાળા રોડથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. તેમને તેમના મિત્રએ શનાળા રોડ જીઆઈડીસી ખાતે ₹4 લાખ રૂપિયા આપ્યા હતા. આ પૈસા થેલામાં લઈને તેઓ શક્ત શનાળા ગામે પહોંચ્યા હતા. ત્યાં, બજરંગ પાનવાળાને ધંધાના બાકી ₹30 હજાર આપ્યા અને ₹20 હજાર પોતાના ખિસ્સામાં રાખ્યા.
બાકીના ₹3.50 લાખ થેલામાં લઈને તેઓ મોટરસાયકલ સ્ટાર્ટ કરી રહ્યા હતા, ત્યારે પાછળથી એક એક્ટિવા જેવા વાહન પર આવેલ એક વ્યક્તિએ થેલો ઝૂંટવી લેવાની કોશિશ કરી. ઘનશ્યામભાઈ સાથે ઝપાઝપી કરીને આ ઈસમ થેલો છીનવીને નાસી ગયો હતો. બાદમાં ઓળખ થતાં જાણવા મળ્યું કે આ વ્યક્તિ તેમના જ ગામનો વિશાલ વેલજીભાઈ રબારી હતો. ₹3.50 લાખ ઝૂંટવીને નાસી જનાર આરોપી વિશાલ રબારી પોતાનું એક્ટિવા ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો.
હાલ, ભોગ બનનાર વેપારીની ફરિયાદને આધારે પોલીસે આરોપી વિશાલ રબારી વિરુદ્ધ ગુનો નોંધી, તેને પકડી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.