ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત રાજ્યના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા જુથ પાણી પુરવઠા યોજનાઓ અન્વયે ગ્રામજનોને શુદ્ધ પીવાલાયક પાણી પૂરું પાડવામાં આવે છે. ત્યારે રાજકોટ જિલ્લાના 11 તાલુકાઓના કુલ 572 ગામો પૈકી 563 ગામોનો સમાવેશ કરતી કુલ 19 જુથ યોજનાઓ અંતર્ગત ગ્રામજનોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે.
દરેક વ્યકિતને પુરતું પીવાનું શુદ્ધ પાણી આપવાના હેતુસર તમામ જુથ યોજના અંતર્ગત પ્રતિ વ્યકિતને દિવસ દીઠ 100 લીટર પાણી મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ અનુસંધાને રાજકોટ, પડધરી, મચ્છુ-1, ગોંડલ, કોટડા, મોવિયા, લોધીકા, રીબડા, સાણથલી, ભાડલા, ભડલી અને વીંછિયા જેવી જુથ યોજનાઓના નકશા-અંદાજો આશરે રૂા. 570 કરોડની કિંમતના મંજૂરી હેઠળ છે તેમ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની યાદીમાં જણાવાયું છે.