63.09 મિલિયન હેકટર ખેતી વિસ્તાર સિંચાઈ વગરનો છે
દેશમાં કુલ 141.01 મિલિયન હેકટર કુલ ખેતી ક્ષેત્ર છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.31
ખેતી માટે સિંચાઈની સુવિધા હોવી જરુરી છે. વરસાદ આધારિત ખેતીમાં વર્ષમાં પાકની માંડ એક સિઝન લઈ શકાય છે પરંતુ સિંચાઈની સુવિધા હોયતો વર્ષમાં ત્રણ સિઝનમાં પાક ઉગાડી શકાય છે. ખેતી ઉધોગમાં ભૂગર્ભજળનું ખૂબ મોટા પાયે દોહન થઈ રહ્યું હોવાનું જાણવા મળે છે.
- Advertisement -
ખેતી માટે ભૂગર્ભજળ પરની નિર્ભરતા અંગે સંસદમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં કૃષિ અને કિસાન કલ્યાણમંત્રી શિવરાજસિંહે રાજ્યસભામાં જણાવ્યું હતું કે કેન્દ્રીય ભૂગર્ભજળ બોર્ડ, જલશક્તિ મંત્રાલય અને રાજય ભૂગર્ભજળ વિભાગ દ્વારા સંયુકત રીતે 2022માં દેશના ગતિશીલ ભૂગર્ભજળ સંસાધનોનું આલંકન કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2023ના મૂલ્યાંકન રિપોર્ટ અનુસાર કુલ વાર્ષિક ભૂગર્ભજળ પુનર્ભરણ 449 બિલિયન ક્યુબિક મીટર (બીસીએમ) અને વાર્ષિક નિષ્કર્ષણ લગભગ 241 બીસીએમ હતો.
કૃષિ ક્ષેત્રમાં ભૂજળ સંસાધનોનો સૌથી વધુ વપરાશ થાય છે. જે કુલ વાર્ષિક ભૂજળનો 87 ટકા જેટલો છે. દેશમાં કુલ 141.01 મિલિયન હેક્ટર કુલ ક્ષેત્ર છે જેમાંથી 63.09 મિલિયન હેક્ટર સિંચાઈ વગરનું એટલે કે વરસાદ પર આધારિત છે જે 44.7 ટકા છે. ઝારખંડનો સૌથી વધુ 79.7 ટકા વિસ્તાર વર્ષા આધારિત ખેતી પર નભે છે.