સી.આર.પાટીલે સૂત્ર આપ્યું : 2024માં 26 સીટ તો જીતીશું સાથે-સાથે 5 લાખની જંગી લીડ પણ મેળવીશું, વિપક્ષને આડે હાથ લેતા 9 વર્ષનાં કામોના હિસાબ આપ્યા
એપ્રિલ-2024માં રામ મંદિર ખુલશે, ટિકિટ બુક કરવી લેજો : સી.આર.પાટીલ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થતા એક મહિના સુધી વિશેષ જનસંપર્ક અભિયાન ચાલી રહ્યુ છે જેમાં સાંસદસભ્યો, ધારાસભ્યો તેમજ ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અગ્રણીઓ દ્વારા મોદી સરકારની નવ વર્ષની સિદ્ધિઓની માહિતી ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવી રહી છે. તે અંતર્ગત ગુરુવારે સાંજે રાજકોટમાં પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં નાના મૌવા સર્કલ ખાતે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં સભામાં સી.આર.પાટીલે કોંગ્રેસને આડે હાથ લઇ આકરા પ્રહારો કરી આવતી લોકસભાની ચૂંટણી માટે ‘અબ કી બાર મોદી સરકાર’ અને ‘અબ કી બાર 400 પાર’નું સૂત્ર કાર્યકર્તાઓને આપ્યું હતું.
પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સંબોધન કરતા કોંગ્રેસને આડે હાથ લઇ મોદી સરકારે કરેલા 9 વર્ષના કામોનો હિસાબ આપ્યો હતો. આદરણીય પાટીલ સાહેબે જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકારે ક્યારેય લોકોને હિસાબ આપ્યો નથી કારણ કે, તેના તમામ કામ કાળા જ હતા. આજે અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે 9 વર્ષમાં કરેલા કામનો હિસાબ દેવા આવ્યા છીએ. મેનીફેસ્ટો તૈયાર કરતા હતા ત્યારે પહેલું વાક્ય રામ મંદિરનું નિર્માણ કરીશું તે લખતા હતા અને આજે જે નિર્ણય કર્યો તે પૂર્ણ કર્યો. કોંગ્રેસના મિત્રો મજાકમાં કહેતા કે, રામ મંદિર ક્યારે બનાવશો પણ આજે હું કોંગ્રેસના મિત્રોને કહેવા માગું છું કે, એપ્રિલ 2024માં મંદિર ખુલ્લું મુકવામાં આવશે તમે પણ ટીકીટ બુક કરવી લેજો.
તેમને વધુમાં જણાવ્યું હતું કે, 70 વર્ષમાં કોંગ્રેસની સરકારે ટોયલેટની સુવિધા પણ ન આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટોયલેટ માટે અભિયાન ઉઠાવ્યું અને ઝુંબેશન રૂપે ઘરે-ઘરે ટોઇલેટની સુવિધા આપી છે.
- Advertisement -
બહેનોને ફૂંક મારી ચૂલ્લા પર રાંધવુ પડતું હતું પણ આજે મોદી સરકારે 9.6 કરોડ લોકોને ગેસનો બાટલો આપવામાં આવ્યો છે. 70 વર્ષમાં કોંગ્રેસે 74 એરપોર્ટ બનાવ્યા હતા. જો કે, મોદી સરકારે 9 વર્ષમાં અદ્યતન એરપોર્ટ બનાવ્યા, જેમાં રાજકોટનો પણ સમાવેશ કરી ઈન્ટરનેશનલ એરપોર્ટ આપવામાં આવ્યું છે.
મેડિકલ ક્ષેત્રે સારી સુવિધા મળે તે માટે એઇમ્સ હોસ્પિટલ પણ રાજકોટને આપવામાં આવી છે. પહેલા ટ્રેનમાં ડબ્બા ખખડધજ હતા, પંખાઓ કાસ્કાની મદદથી ફેરવવા પડતા હતા ત્યારે આજે નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેન શરૂ કરી અને હજુ 500 ટ્રેન શરૂ થવાની છે. મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા તેનો ઘણો ફાયદો ગુજરાતને પણ થયો છે માટે આ વખતે 2024માં 26 સીટો તો જીતીશું પરંતુ તેની સાથે સાથે 5 લાખની જંગી લીડ મેળવીશું તેવો સંકલ્પ કરીશું.
પાટીલના ભાષણ સમયે રાજવી અને નેતાઓ મોબાઇલમાં વ્યસ્ત દેખાયા
શું એકની એક વાત રિપીટ થતી હોવાથી નેતાઓ કંટાળ્યા !
ખાસ-ખબર સંવાદદાતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારનાં 9 વર્ષ પૂર્ણ થતાં 9 સાલ બેમિસાલ સૂત્ર સાથે ઉજવણી કરવામાં આવી રહી છે અને તેના ભાગરૂપે ભાજપના નેતાઓ દ્વારા મોદી સરકારે કરેલાં કામો અંગે માહિતી લોકો સુધી પહોંચાડવા માટે જનસભાનું આયોજન પણ કરી રહ્યા છે. ગઈકાલે રાજકોટમાં પણ જનસભા યોજાઈ હતી. જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. જો કે આ જનસભામાં પાટીલના ભાષણમાં જાણે નેતાઓને જ રસ ન હોય તેમ સ્ટેજ પર બેઠેલા કેટલાક નેતાઓ મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા હતા.
એક તરફ સી.આર. પાટીલનું ભાષણ ચાલુ હતું અને બીજી તરફ નેતાઓ મોબાઈલમાં મસ્ત જોવા મળ્યા હતા. જેમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, રાષ્ટ્રીય પૂર્વ ઉપાધ્યક્ષ શ્યામ જાજુ, વાંકાનેરના રાજવી કેશરીદેવસિંહ ઝાલા સહિત અન્ય બે નેતાઓ સ્ટેજ પર મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તમામ નેતાઓએ એકની એક વાત રિપીટ કરી હતી. જેના કારણે સ્ટેજ પર બેઠેલા નેતાઓ કંટાળી મોબાઈલમાં વ્યસ્ત બન્યા હશે તેવી ચર્ચા ચાલી રહી છે.
અમે એ વખતે કાર્યકર્તાને મદદે હતા : મોકરિયા
ખાસ-ખબર સંવાદદાતા
સી.આર. પાટીલના ભાષણ દરમિયાન મોબાઈલમાં વ્યસ્ત નેતા રામ મોકરિયાએ જણાવ્યું હતું કે, હું પીઢ નેતા છું, મને પણ ખબર હોય છે કે સ્ટેજ પર બિનજરૂરી મોબાઈલ ઉપયોગ ન કરવો જોઈએ. મોબાઈલ સંકટ સમયનું સાધન છે. કાર્યકર્તાના આયોજન અંગે અગત્યનો મેસેજ હતો, તેને હું જવાબ આપી રહ્યો હતો.
આજથી ભાજપની પ્રદેશ જનસંપર્ક યાત્રા શરૂ, 7 દિવસમાં ગુજરાતની 26 લોકસભા મત વિસ્તારોમાં ફરશે
2024ની લોકસભાની ચૂંટણી પહેલા ગ્રાઉન્ડ મજબૂત કરવા ભાજપ એક્ટિવ છે. ગુજરાતમાં લોકસભાની 26 માંથી 26 બેઠકો ફરી એકવાર જીતવા ભાજપ સક્રિય છે. ઘર ઘર સંપર્ક માટે ભાજપ દ્વારા રણનીતિ ઘડવામાં આવી છે. ભાજપ હજારો કાર્યકરોને ગ્રાઉન્ડમાં સંપર્ક માટે ઉતારશે. 51,931 કાર્યકરો ગ્રાઉન્ડમાં જવા માટે ભાજપે રણનીતિ તૈયાર કરી છે. 51,931 વિસ્તારકો 182 વિધાનસભામાં પ્રવાસ ખેડશે. તો 25,26 અને 27 જૂને વિસ્તારકો ગ્રાઉન્ડમાં જશે. 2019માં ભાજપે આપેલા મેનિફેસ્ટો મુજબના થયેલા કામો અંગે પ્રચાર કરશે. વિસ્તારકો ભાજપના 9 વર્ષમાં થયેલા કાર્યોના રિપોર્ટની પત્રિકા વહેંચશે. બક્ષીપંચ મોરચા દ્વારા એક કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યુ છે. 26 લોકસભા પ્રમાણે 26 ગાડીઓને ગાંધીનગરના કમલમ ખાતેથી સી આર પાટીલ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવશે. જે પછી યાત્રા સાત દિવસમાં અલગ અલગ લોકસભા વિસ્તારમાં ફરશે.
આ ગાડીઓ વિવિધ વિસ્તારમાં ફરી લોકો સુધી ઘરે ઘરે મોદી સરકારની કામગીરી અને યોજનાઓ પહોંચાડાશે.