બે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવતાં પરિવારમાં શોક
શાપર પોલીસે રાતોરાત પાનના ધંધાર્થી બે ભાઈ સહિત ત્રણેય આરોપીઓને દબોચી લીધા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના શાપર વેરાવળમાં ગત રાત્રે પાનની દુકાનના 4500 રૂપિયાની ઉઘરાણી મુદે ચાલતી માથાકૂટમાં બચાવવા વચ્ચે પડેલા યુવક ઉપર વેપારી બંધુ સહિત ત્રણ શખ્સોએ છરીના ઘા ઝીકિ હત્યા નિપજાવી નાખતા ચકચાર મચી જવા પામી છે મૃતક બે બહેનોનો એકનો એક ભાઈ હોવાનું જાણવા મળ્યું છે શાપર પોલીસે હત્યા અંગે ગુનો નોંધી ત્રણેયને રાતોરાત દબોચી લીધા હતા.
શાપર શિવનગરમાં રહેતા અને મજૂરી કરતાં ભરતભાઇ પાલાભાઈ મકવાણા ઉ. 40એ તેના ભત્રીજા જયદીપ રાજેશભાઇ મકવાણાની હત્યા કરનાર રાજકોટની ન્યુ સુભાષ સોસાયટીના યશ મનસુખભાઇ સોનાગરા, ચિરાગ મનસુખભાઇ સોનાગરા અને એક અજાણ્યા શખસ સામે શાપર વેરાવળ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત રાત્રે હું ઘરે હતો ત્યારે પુત્ર દિવ્યેશએ ફોન કરી જયદીપને માથાકૂટ થઈ છે જલ્દી આવો તેમ કહેતા હું હોસ્પિટલે જતા સંબંધી પ્રવીણભાઈ મગનભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે કોરાટ સ્કૂલ પાસે ધર્મભક્તિ કોમ્પલેક્ષમાં આવેલ વિનાયક પાનની દુકાને ગયો ત્યારે યશ અને ચિરાગએ તમારા અગાઉના 4500 રૂપિયા બાકી છે તે આપો પછી જ ફાકી મળશે તેમ કહેતા થોડા સમયમાં પૈસા આપી દઇશ તેમ કહ્યું છતાં બંને ઝઘડો કરી બોલાચાલી કરતાં હોય ત્યારે જયદીપ ત્યાંથી પસાર થતાં તે પણ ઊભો રહ્યો હતો અને બંનેએ ગાળો ન બોલવા કહેતો હતો પરંતુ ત્રણેયએ ઉશ્કેરાઈને છરીના ત્રણેક ઘા ઝીકિ દેતા જયદીપને લોહી નીકળવા લાગતાં નીચે પડી ગયો હતો અને તુરંત તેને રિક્ષામાં ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
ત્યાંથી સિવિલ હોસ્પિટલે લઈ જવાનું કહેતા ત્યાં લાવતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. બનાવને પગલે ડીવાયએસપી ઝાલા, એલસીબી પીઆઇ ઓડેદરા, શાપર પીએસઆઈ આર કે ગોહિલ સહિતના સ્ટાફે રાતોરાત ત્રણેયને દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી છે મૃતક બે બહેનોનો એકનો એક ભાઈ હતો મોટી બહેન જ્યોતિબેન બનાસકાંઠા આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતાં હોય તે અને પિતા ત્યાં રહે છે જ્યારે નાની બહેન રાજકોટની હોસ્પિટલમાં નોકરી કરે છે. યુવકના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.