આ સિરિઝનો પ્રથમ હપ્તો થયો ત્યારે જ બનેલા કિસ્સાની વાત તમારી સાથે શેર કરવી છે. એ સવારે એક સાઈટ વિઝિટ પતાવીને ઓફિસે પહોંચ્યો ત્યાં જ મોબાઈલ પર ચિરપરિચિત નંબર પરથી રીંગ વાગી. એ ફોન મારા જૂના ક્લાયન્ટનો જ હતો. હજુ લગભગ ત્રણ વરસ પહેલાં જ તેમની ફેકટરીને વાસ્તુ મુજબ ડીઝાઈન કરી હતી અને સારા પરિણામ મળી રહ્યાનું એ અવારનવાર ફોન કરીને કહેતાં.
સ્પેસ, લેન્ડ । સેલ્ફ
– રાજેશ ભટ્ટ
– રાજેશ ભટ્ટ
પણ-એ દિવસે તેમણે કરેલા ફોનનો સૂર અલગ હતો. તેમણે ફોનમાં જણાવ્યું કે, છેલ્લાં બે-ત્રણ મહીનાથી કામ અચાનક ધીમું પડી ગયું હોવાનું તેમને લાગતું હતું. વધુ પૂછપરછ કરતાં તેમણે સમજાવ્યું કે છેલ્લાં બે-ત્રણ મહીના દરમિયાન આપેલા કોટેશનમાં દરેક ઓર્ડર મળવામાં ખૂબ વિલંબ થતો હતો. મોં સુધી આવેલો કોળીયો છીનવાઈ જાય યા હાથમાંથી પડી જાય તેવી પરિસ્થિતિ હતી. ફેકટરીનું વાસ્તુ તો મેં જ કરેલું એટલે એ બાબતે તો કોઈ પ્રશ્ર્ન જ ન હતો, છતાં પૃચ્છા કરી. તેમના જવાબથી ખાત્રી થઈ ગઈ કે વાસ્તુ બાબતે કોઈ ફેરફાર કે પરિવર્તન તેમણે જાતે કરેલા નથી. તેથી મેં નક્કી કર્યું કે ફેકટરીની ફરી વિઝિટ કરીને જાત તપાસ કરવી પડશે.
- Advertisement -
ઈશાન ખૂણામાં અને ઉત્તર દિશામાં વજન ન રહે તથા ઓપન અને સાફ રહે તે જરૂરી છે, આ દિશામાં ભંગાર, પેકેજિંગનો કચરો રાખવાથી જગ્યાની પોઝિટિવિટી ઓછી થાય છે અને પ્રગતિમાં રૂકાવટ આવે છે.
સામાન્ય રીતે યોગ્ય અને વૈજ્ઞાનિક રીતે કરેલું વાસ્તુ તેની પોઝિટિવ અસર ચોક્કસ આપે છે, પરંતુ પેલા મારા જૂના ક્લાયન્ટની સમસ્યા પણ સાચી હતી. પ્રગતિની પૂરપાટ દોડતી ગાડી એકાએક ગતિ ગુમાવીને ધીમી પડી જાય તો નક્કી કશુંક અણગમતું યા અણધાર્યુ બન્યું હોવું જોઈએ એમ માનીને મેં ફેકટરીની વિઝિટ કરવાનું નક્કી કરેલ. મેં ફેકટરીમાં વાસ્તુ મુજબ ઈશાન ખૂણામાં અને ઉત્તર દિશામાં વજન ન રહે તથા ઓપન અને સાફ રહે તે માટે ત્યાં ખુલ્લી જગ્યા રખાવેલી, પરંતુ મારી વિઝિટ દરમિયાન જોયું કે કામદારોનો કામના વધુ પડતા ભારણને કારણે તથા દિશાજ્ઞાન ન હોવાના પરિણામે બધો જ ફેકટરીનો ભંગાર, પેકેજિંગનો કચરો, પ્રોડક્ટ ફિનિશ થતી વખતે વધતો વેસ્ટેજ જાણે-અજાણે ઈશાન ખૂણાથી લઈ ઉત્તર દિશામાં ઢગલો કરવા લાગ્યા હતા. જ્યારે અમોએ એનર્જી સ્કેનિંગ મશીનથી પરિક્ષણ કર્યું તો મશીનમાં જગ્યાની પોઝિટિવિટી ઓછી દેખાડી.
કારણ સાવ સામાન્ય હતું. મેં મારા જૂના ક્લાયન્ટ મિત્રને ત્યાંથી બધો જ વેસ્ટેજ, કચરો, ભંગાર અને બિનઉપયોગી વસ્તુઓ હટાવી જગ્યા સાફ કરાવી ત્યાં મીઠાના પાણીના પોતા અને નિયમિત ધુપ કરવાની સલાહ આપી અને આઠ દિવસ પછી ફરી વાત કરીશું તેમ નક્કી અમો છૂટા પડ્યા.
સાતમા દિવસે જ તેમનો સામેથી ફોન આવી ગયો કે ઓર્ડર ફરી સરળતાથી મળવા લાગ્યા છે, અને હવે પહેલાં જેવી મજા આવી રહી છે. અહીં સમજવાનું એ છે કે જગ્યામાં રહેલ કચરો, બિનજરૂરી વસ્તુઓ અને ભંગાર સારી એનર્જી (સારી ઊર્જા)ને અવરોધે છે, તેનો સમયસર નિકાલ કરતાં રહેવો જોઈએ.
- Advertisement -
પ્રગતિની પૂરપાટ દોડતી ગાડી એકાએક ગતિ ગુમાવીને ધીમી પડી જાય તો નક્કી કશુંક અણગમતું યા અણધાર્યુ બન્યું હોવું જોઈએ
હોમને સ્વીટ હોમ બનાવવું હોય તો….
આપણી સંસ્કૃતિમાં માન્યતા કે આસ્થા છે કે દિવાળીના તહેવારોમાં સ્વયં ભગવાન આશીર્વાદ આપવા ઘર પર આવે છે અને તેના સ્વાગતમાં આપણે દિવાળી પહેલાં જ ઘરની સાફ-સફાઈ કરી, દિવાળીના તહેવારોમાં ઘરને વ્યવસ્થિત- સુશોભીત રાખીએ છીએ તેથી જ આપણે ત્યાં કહેવતોમાં પણ કહેવાયું છે કે ‘જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુનો વાસ.’
- દરેક પરિવારમાં એકાદ વ્યક્તિ (પતિ, પત્નિ, બાળકો કે વડીલ) એવી હોય જ છે કે જેમનો નકામી વસ્તુના સંગ્રહ માટેનો મોહ છૂટતો હોતો નથી, જ્યારે વાસ્તવિકતા એ છે કે તેનો ક્યારેય ઉપયોગ જ થવાનો નથી. આવી વસ્તુઓ ખરેખર તો સારી ઊર્જા અવરોધવાનું કામ કરે છે. આ એ વસ્તુઓ છે જે હાલમાં તમો ઉપયોગમાં નથી લેતાં તથા ભવિષ્યમાં પણ તેનો ઉપયોગ થવાની શક્યતા નહિંવત છે.
- ઘણાના ઘરમાં જૂની પસ્તીના ઢગલાં, બિનઉપયોગી પ્લાસ્ટિકના ડબ્બા, કલરકામ કર્યા પછી ખાલી વધેલ ડબ્બાઓ, જૂના ફાટી ગયેલ ડોરમેટ, કલર બદલી ગયેલ એટલે કે પીળા પડી ગયેલા ચોપડા, તૂટેલા રમકડાં, ભગવાનની ખંડિત થયેલ મૂર્તિ કે ફોટો, પુંઠાના ખાલી બોક્સ, કારના જૂના ટાયર કે ટયુબના ખડકલાં હોય છે. આવી ઘણી વસ્તુઓનો ફરી ઉપયોગ તો ક્યારેય થતો હોતો નથી. આ કલટર (અસ્તવ્યસ્ત રહેલ વસ્તુઓનો સમૂહ) ઘરની ઊર્જાની ગતિ સ્થગિત કરી ઘરની પોઝિટિવિટીને ઘટાડવામાં નિમિત્ત બને છે. તેનો શક્ય તેટલી ઝડપથી નિકાલ કરવો.
- જેવી રીતે રસ્તા પર જતાં હોય ત્યારે વારંવાર સ્પીડબ્રેકર આવે તો વાહનની સ્પીડ ઘટી જાય છે તેમ ઘર, ઓફીસ, શોરૂમ કે ફેકટરીમાં ઊર્જાની અવરજવર માટે ખુલ્લી જગ્યા હોવી આવશ્યક છે.
- આજકાલ જમીનના ભાવ આસમાને છે. સ્વાભાવિક છે લોકોને અલગથી મોટા સ્ટોરરૂમ બનાવવાની જગ્યા મળતી નથી એટલે બેડ (પલંગ)ની અંદર સ્ટોરેજ કરતાં હોય છે. વાસ્તુ મુજબ ચાર પાયાવાળો પલંગ શ્રેષ્ઠ છે, છતાં જો બેડમાં સ્ટોરેજ કરવો પડે તો બેડની અંદર મેટલની વસ્તુઓ ન રાખવી.
- ડસ્ટબીન હંમેશા કવરવાળા (ઢાંકણાવાળા)નો જ ઉપયોગ કરવો અને ઉપયોગ કરી ફરી કવર બંધ કરવું.
- ફેકટરી, ઓફિસ અને ઘરમાં પાણીના તૂટેલ નળ કે લીક થતાં નળ બદલી નાખવા કે રીપેર કરાવવા.
- રીપેર ન થઈ શકે તેવા ઈલેકટ્રોનીક સાધનો જેવા કે રેડિયો, જૂના ટેલિફોન, જૂના ટીવી, મોબાઈલ, કોમ્પ્યુટર, પ્રિન્ટર વગેરે જેનો ઉપયોગ થવાનો નથી તેનો નિકાલ કરવો. તે સકારાત્મક ઊર્જાને આવતાં રોકે છે.
- ઘરના પ્રવેશદ્વાર પર હંમેશા સુશોભીત પગલૂછણિયા રાખવા અને સમયાંતરે તેને બદલતા રહેવા જેથી સકારાત્મક ઊર્જાને ઘરમાં સરળતાથી આકર્ષિત કરીને ઘરની પોઝિટિવિટીમાં વધારો કરી શકે.
- આપના ઘરના કે ઓફીસના દરવાજાની એકદમ સામે કોઈ અવરોધરૂપ સામાન કે વસ્તુ ન રાખવી.
- ઘરમાં નવી પોઝિટિવિટી ઊર્જા ત્યારે જ પ્રવેશી શકે છે જ્યારે તેના માટે ઘરમાં આવવાની પૂરતી જગ્યા રહેલ હોય.
- જૂની વસ્તુ કે સાધનો માટે તેની એન્ટિક વેલ્યુની દુહાઈ દેવામાં આવે છે પરંતુ એન્ટિક વસ્તુને યોગ્ય સજાવટ કરીને રાખી હોય તો બરાબર છે, પરંતુ તેને બેગમાં કે કોઠીમાં કે અભેરાઈ પર ખડકી દેવાથી તો એ એન્ટિક વસ્તુ ‘ભંગાર’ જ ગણાશે તેથી જરૂરી છે કે જૂની કે એન્ટિકના નામે સંગ્રહ કરી રાખેલ વસ્તુઓને ઘરમાંથી તિલાંજલી આપી દો.
- મંદિરો પણ અસ્વચ્છ હોય તો આપણને ગમતાં નથી તો ઘર તો એક મંદિર જ છે, ઘરનો પણ આવી જૂની, નકામી, બિનઉપયોગી અને ભંગાર તેમજ ગંદકી વધારતી વસ્તુઓથી દૂર કરીને તેને પણ સ્વચ્છ રાખીએ.
- ઘરની અંદર તૂટેલા કાચ રાખવા નહીં, તૂટેલા અરિસા કે ખરાબ થયેલ અરિસાનો ઉપયોગ કરવો નહીં, તેને તાત્કાલિક બદલી નાખવા.
- આપના બૂટ-ચંપલ ખુલ્લા ન રાખતાં શુ-રેકમાં રાખવા.
- અસ્તવ્યસ્ત વસ્તુઓનો પ્રભાવ તમારા કામ તથા વિચારો પર રહેશે તેથી દરરોજ થોડો સમય તમારી કામ કરવાની તથા રહેવાની જગ્યાને વ્યવસ્થિત રાખવામાં આપો.
- ઘણી ફેક્ટરી અને શો-રૂમનાં સ્ટોર રૂમમાં વર્ષ દરમિયાન થતાં એક્ઝિબિશન, વર્કશોપ કે ગિફ્ટિંગને લગતો સામાન અસ્ત-વ્યસ્ત હાલતમાં પડ્યો હોય છે, તેને વ્યવસ્થિત સાફ કરી હંમેશા રેકમાં ગોઠવેલો રાખવો.
આપની જગ્યામાં રહેલ કલટર આપની પ્રગતિને હેન્ડબ્રેક મારી શકે છે.
(કલટર: અસ્તવ્યસ્ત વસ્તુઓનો સમૂહ.)