નવરાત્રીના પાવન દિવસોમાં માઇ ભક્તો દર્શન કરવા ઉમટે છે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે જ્યાં સમગ્ર ગુજરાતમાં શક્તિની આરાધના થઈ રહી છે, ત્યારે જૂનાગઢના માંગનાથ વિસ્તારમાં આવેલું એક એવું અનોખું મંદિર છે જે વર્ષમાં માત્ર આઠ દિવસ માટે જ ભક્તોના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવે છે. આ મંદિર માં હીરા ગીરીજીનું છે, જેમના જીવંત સમાધિ સ્થળના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. સામાન્ય રીતે દરેક મંદિરો આખું વર્ષ ખુલ્લા રહે છે, પરંતુ આ મંદિર નવરાત્રી દરમિયાન આઠમ સુધી જ ખુલ્લું રહે છે. આ આઠ દિવસ દરમિયાન મોટી સંખ્યામાં માઇ ભક્તો માં હીરા ગીરીજીના દર્શન કરવા પધારે છે. નવરાત્રીની આઠમના નિવેદ બાદ મંદિરના દ્વાર સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવે છે અને પછી આખા વર્ષ દરમિયાન માત્ર પૂજારી જ પૂજા-અર્ચના કરી શકે છે. આ આઠ દિવસ દરમિયાન નવરાત્રી પર્વે માતાજી મંદિરમાં સાથિયા સ્વરૂપે 151 અખંડ જ્યોત દીવડા પ્રગટાવામાં આવે છે. અને માતાજીની ભક્તિ સાથે પૂજન અર્ચન કરવામાં આવે છે. તેમાં પૂજારી યશ ગોસ્વામીએ આ માહિતીની પુષ્ટિ કરી હતી. મંદિરના ઇતિહાસ મુજબ, માં હીરા ગીરીજીનું મૂળ વતન ઉત્તર ભારત હતું. ત્યાંથી તેઓ વિસાવદર તાલુકાના માંગનાથ પીપળી ગામે આવ્યા હતા અને માલધારીઓના નેસ વચ્ચે રહીને તપ, સાધના અને ગાયોની સેવા કરતા હતા. તેમના દિવ્ય વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને તે સમયના માંગા ભટ્ટે તેમને હાલના માંગનાથ મહાદેવ મંદિરમાં નિવાસ કરવા વિનંતી કરી. ત્યારબાદ માંગા ભટ્ટે આ મંદિરનો કાર્યભાર હીરા ગીરીજીને સુપ્રત કર્યો હતો. પૂરાણોમાં કહેવાયું છે કે, માં હીરા ગીરીજી સ્વયં માતાજીના પ્રત્યક્ષ સ્વરૂપ હતા. તેમણે તેમનું દેવી કાર્ય પૂર્ણ થતાં જીવંત સમાધિ લીધી હતી. આ જીવંત સમાધિ સ્થળ આજે પણ મંદિરના પાછળના ભાગમાં આવેલું છે, જે ભક્તો માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બન્યું છે. એવું પણ કહેવાય છે કે સમાધિ લેતા પહેલા માતાએ પોતાની જટાની લટ માંગનાથ મંદિરની બાજુમાં આવેલા પરિવારને પ્રત્યક્ષ અર્પણ કરી હતી. આ પ્રકારનો અનોખો ઇતિહાસ ધરાવતું આ મંદિર નવરાત્રી દરમિયાન ભાવિક ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.
- Advertisement -
માઁ હીરા ગિરિજી માતાજીનો ઇતિહાસ
માં હીરા ગીરીજી માતાજી નામના એક સિધ્ધ સાધ્વી થયા. ઉત્તર ભારતમાંથી તેઓ વિસાવદર તાલુકાના માંગનાથ પીપળી ગામે ગયા ત્યારબાદ નેસડામાં રહીને તપ, સાધના અને લોકોની સેવા કરતા. તે સમયે માંગા ભટ્ટ દ્વારા હીરાગીરીજીને વિનંતી કરી હાલનું માંગનાથ મહાદેવનું મંદિર સુપ્રત કર્યું અને ત્યારબાદ માતાજી માંગનાથ મહાદેવ મંદિરમાં જ નિવાસ કરતા હતા. માં હીરા ગીરીજી માતાજીના જ પ્રત્યક્ષ સ્વરૂપ હતા. પોતાનું દેવી કાર્ય પૂર્ણ થતા તેઓએ જીવતા સમાધિ લીધી હતી. જે સમાધિ સ્થળ મંદિરમાં જોવા મળે છે. સમાધિ લેતા પહેલા માતાએ પોતાની જટાની લટ માંગનાથ મંદિરની બાજુમાં પરિવારને પ્રત્યક્ષ અર્પણ કરેલ હતી.



