પોરબંદરના કમલાબાગમાં જીમના અત્યાધુનિક સાધનોનું થશે લોકાર્પણ
રૂા.36 લાખના ખર્ચે વસાવાયેલા 15 જેટલા એક્સરસાઈઝ સેટનો લોકોને મળશે લાભ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદર નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા કમલાબાગમાં લોકો માટે જીમના સાધનોની સગવડ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ બગીચામાં દરરોજ અનેક લોકો વહેલી સવારે અને સાંજે વોકીંગ કરવા માટે આવે છે તેમજ સંધ્યા સમયે અને મોડી રાત સુધી લોકોનો જમાવડો રહે છે.નગરપાલિકાના એન્જીનીયર દેવાંગભાઈ રાડીયાના જણાવ્યા મુજબ ચારેક માસ પહેલા કમલાબાગમાં લોકોના સ્વાસ્થ્યની સુખાકારી માટે જીમની સુવિધા ઉપલબ્ધ કરવાની કામગીરીનો શુભારંભ થયો હતો અને હાલ આ કામ પૂર્ણ થવાને આરે છે.
કમલાબાગમાં જીમ માટેના અલગ-અલગ 1પ પ્રકારના સાધનોની સગવડ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેવા કે ડબલ સર્ફ બોર્ડ, સોલ્ડર પ્રેસ ડબલ એક્સરસાઈઝ સેટ, ટ્રીપલ ટ્વીસ્ટર, પેરેલલ બાર, હોર્સ રાઈડર, પોલ વિથ ફિક્સ્ડ ડમ્બેલ એક્સરસાઈઝ સેટ, થ્રી વ્હીલ સોલ્ડર આર્મ એક્સરસાઈઝ સેટ, ડબલ એર વોકર, સ્ટ્રોલર સિંગલ એક્સરસાઈઝ સેટ, સિંગલ ટ્વીસ્ટર સ્ટેન્ડીંગ ટ્વીસ્ટર એક્સરસાઈઝ સેટ, પેક ડેક એક્સરસાઈઝ સેટ, આર્મ એન્ડ પેનલ સાયકલ એક્સરસાઈઝ સેટ, સિંગલ એર વોકર અને ફિટનેસ સિક્સ સ્ટેશન મલ્ટીજીમ એક્સરસાઈઝ સેટ, વગેરે આધુનિક સાધનોની સગવડ ઉપલબ્ધ કરવામાં આવી છે. અંદાજે રૂા. 36 લાખના ખર્ચે નગરજનોના સ્વાસ્થ્યની સુખાકારી માટે જીમમાં આ સુવિધા અપાઈ છે. આ માસમાં કામ પૂર્ણ થયા બાદ તેનું લોકાર્પણ કરવામાં આવશે.