-માણસના શરીરમાં પ્રાણીઓના અંગેના પ્રત્યારોપણની આશા વધી
અહીં એક બ્રેઈન ડેડ વ્યક્તિના શરીરમાં બે મહિના સુધી ડુકકરની કિડની સામાન્ય રીતે કામ કર્યુ હતું, જેના કારણે માણસોમાં પ્રાણીઓના વિવિધ અંગોના ટ્રાન્સપ્લાન્ટની આશા વધી છે.
- Advertisement -
એનવાયુ લેંગોન હેલ્થ ખાતે આ નવતર પ્રયોગ બુધવારે પુરો થયો હતો. જેમાં મોરિસ ‘મો’ મિલરના દાન કરાયેલા શરીરમાં બે મહિના સુધી ડુકકરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી અને તેણે સામાન્ય રીતે કામ કર્યું હતું. બુધવારે એ કિડની કાઢી મોરીસનું શરીર અંતિમ વિધિ માટે તેના પરિવારને સોંપવામાં આવ્યું હતું.
આ સાથે ડુકકરની જેનેટિકલી મોડિફાઈડ કીડનીએ સૌથી લાંબો સમય મનુષ્યના શરીરની અંદર કામ કરવાનો વિક્રમ નોંધાવ્યો છે. તબીબી ક્ષેત્રમાં આ પ્રયોગમાંથી મળેલા વિવિધ તારણોને વૈજ્ઞાનિકો ફુડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશન (એફડીએ) ને સુપરત કરશે. આગામી સમયમાં મનુષ્યમાં ડુકકરની કિડનીના પરીક્ષણની મંજુરી મળવાની આશા છે.
પ્રયોગનું નેતૃત્વ કરનારા ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. મોન્ટગોમરીએ જણાવ્યું હતું કે, ‘આ રોમાંચકતા અને રાહતનો સમન્વય હતા. બે મહિના સુધી ડુકકરની કિડની આટલી સારી સ્થિતિમાં રહી એ ઘણું સારું કહેવાય. આ બાબત ઘણો વિશ્ર્વાસ આપે છે.’ અમેરિકામાં માનવ અંગોની અછતને હળવી કરવા માટે તે પ્રાણીઓના અંગોના મનુષ્યમાં ટ્રાન્સપ્લાન્ટને ચાવીરૂપ ગણે છે.
- Advertisement -
અમેરિકામાં એક લાખ લોકો અંગોના ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્યા છે. જેમાં મોટાભાગનાને કિડનીની જરૂર છે. અગાઉ પણ આવા પ્રયોગ થઈ ચૂકયા છે અને નિષ્ફળ રહ્યા છે, કારણ કે મનુષ્યની ઈમ્યુન સીસ્ટમ બહારથી પ્રવેશેલા પ્રાણીના અંગનો નાશ કરી નાંખે છે.
જો કે, ડુકકરની જેનેટિકલી મોડીફાઈડ કિડની મનુષ્ય જેવી હોવાથી શરીરમાં લાંબો સમય કામ કરી શકી છે. ડુકકરની કિડની કેવી રીતે કામ કરે છે એ જોવા મોન્ટગોમરીએ મિલરનું શરીર બે મહિના સુધી વેન્ટીલેટર પર રાખ્યું હતું. જેનું પરિણામ આશાસ્પદ રહ્યું છે.