ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
શહેરી વિકાસ વર્ષ – 2025 અંતર્ગત જૂનાગઢ શહેરમાં શહેરીજનોને ઓનલાઈન સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્યથી મહાનગર સેવા સદન ખાતે એક દિવસીય તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપના પ્રથમ સત્રમાં ’પ્રીપેરેશન ઓફ ટેન્ડર્સ’ તથા ’વોટર ડિસ્ટ્રીબ્યુટિંગ સિસ્ટમ એન્ડ ટ્રીટમેન્ટ-ડિઝાઇન એન્ડ મેઇન્ટેનન્સ’ પર ભાર મૂકવામાં આવ્યો હતો. વીર સાવરકર સભા ખંડમાં યોજાયેલા આ સત્રમાં ટેન્ડરની પ્રક્રિયા, તેના પ્રકારો, ગંદા પાણીનો નિકાલ અને શુદ્ધિકરણ પ્રક્રિયા, તેમજ પાણીના વિતરણ પ્રણાલી (ડિસ્ટ્રીબ્યુટિંગ સિસ્ટમ) વિષે અધિકારીઓ અને એન્જીનીયરઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ત્યાર બાદ, પંડિત દીન દયાળ ઉપાધ્યાય સભા ખંડ ખાતે ’ઓનલાઈન ડેવલપમેન્ટ પરમીશન સીસ્ટમ અંગે તાલીમ યોજાઈ હતી. આ સત્રમાં બાંધકામ વિકાસ પરવાનગી માટે ’ઇ-નગર પોર્ટલ’ પર એપ્લિકેશન કઈ રીતે મેળવવી તેની સંપૂર્ણ પ્રક્રિયા સમજાવવામાં આવી હતી. આ તાલીમમાં બાંધકામ વિકાસ પરવાનગી સાથે જોડાયેલા આર્કિટેક્ટ/ઇજનેરો, વોટર વર્ક્સ વિભાગના એન્જીનીયરશ્રીઓ, અધિકારીઓ તથા કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.



