ધો. 10માં 47,280 અને ધો.12માં 31150 છાત્રોની 27મી ફેબ્રુઆરીથી પરીક્ષાનો પ્રારંભ થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે 15 દિવસ વહેલી એટલે કે 27મી ફેબ્રુઆરીથી ધોરણ-10 અને 12ની પરીક્ષા માટે પ્રારંભ થઈ રહ્યો છે, જેને લઈને રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે ધો.10 અને 12માં 78,430 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જે સંખ્યા વર્ષે 65,195 હતી. જેમાં ગત વર્ષ કરતા આ વર્ષે 13,535નો વધારો થયેલો જોવા મળી રહ્યો છે.
જેમાં આ વખતે જિલ્લામાં 10 ઝોન પાડવામાં આવ્યા છે. જે ઝોન પરથી બોર્ડના પ્રશ્ર્નપત્રો પહોંચાડવાના છે, તે એ રીતે તૈયાર કરવામાં આવી છે કે ત્યાંથી 35 કિલોમીટરના વિસ્તારમાં આવેલા પરીક્ષા કેન્દ્ર સુધી જ પેપરો પહોંચાડવાના થાય. જેથી, પ્રશ્ર્નપત્રો જે વાહનના મોકલવામાં આવે છે તેની સુરક્ષા જળવાઈ રહે અને 35 મિનિટમાં પ્રશ્ર્નપત્રો ઝોન પરથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી જાય. જેમાં સાથે પોલીસ બંદોબસ્ત પણ હશે. આ ઉપરાંત આ વખતે બોર્ડ દ્વારા ગેરરીતિ બદલ જે સજાની જોગવાઈ કરવામાં આવી છે, તેનું શાળાઓમાં દરરોજ બોલાતી પ્રાર્થના દરમિયાન વાંચન કરવામાં કરવામા આવી રહ્યું છે. જેથી, બોર્ડના વિદ્યાર્થીઓ પ્રમાણિકતાથી પરીક્ષા આપે અને પરીક્ષામાં ચોરી ન કરે.
રાજકોટના ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમારે જણાવ્યું હતુ કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 27 ફેબ્રુઆરીથી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે, જેમાં રાજકોટ જિલ્લામાં ધો. 10માં 47,280 તો ધો. 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં 31,150 વિદ્યાર્થીઓનુ રજીસ્ટ્રેશન થયું છે. આ વખતે ધો. 10 અને 12ના 10 ઝોન બનાવવામા આવ્યા છે. જે માટે રાજકોટ જિલ્લામાં ધો. 10ના 5 ઝોન પાડવામા આવ્યા છે. જેમાં 2 ઝોન રાજકોટ શહેરમાં કાર્યરત રહેશે જ્યારે ગોંડલ, ધોરાજી અને જસદણમાં 1 – 1 ઝોન કાર્યરત રાખવામાં આવશે. ઝોન વિસ્તાર વાઈસ પાડવાનું કારણ એ હતું કે જ્યારે બોર્ડની પરીક્ષામાં પેપર વિતરણ કરવામાં આવી રહ્યો હોય ત્યારે તેની ગાડીઓ બહુ દૂર સુધી મોકલવી ન પડે. ઉપરાંત સમય મર્યાદામાં પરીક્ષાનું વ્યવસ્થાપન અને સંચાલન કરી શકાય. હાયર સેક્ધડરીમાં 4 ઝોન પાડવામા આવ્યા છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહના 3 ઝોન અલગ રાખવામાં આવ્યા છે. જેથી વિદ્યાર્થીઓની પરીક્ષા દરમિયાન બ્લોક – બિલ્ડિંગ સુધી સમયસર પેપરો પહોંચી શકે. બાદમા પરીક્ષા પૂર્ણ થયા પછી વિદ્યાર્થીઓ દ્વારા લખાયેલા પેપરો ફરી ઝોન સુધી સમયસર આવી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ધોરણ-10 અને 12ની પરીક્ષાને લઈને 10 ઝોન પાડવામાં આવ્યા છે. ધોરણ-10ના 40 અને ધોરણ-12ના 25 પેટા કેન્દ્રો પાડવામા આવ્યા છે.
આ તમામ કેન્દ્રો ઉપર પરીક્ષણ સુપેરે આયોજન થઈ શકે તે માટે 10 ઝોનલ મુકવામાં આવશે અને શહેરની કરણસિંહજી હાઇસ્કુલ ખાતે કંટ્રોલરૂમ પણ તૈયાર કરવામાં આવશે. આ સાથે જ દરેક ઝોન ઉપર સ્ટ્રોંગ રૂમ કાર્યરત કરવામાં આવશે. જેમાં ધોરણ-10ના 5 ઝોન બનાવવામાં આવ્યા છે જેમાં રાજકોટ એટલે કે સૌરાષ્ટ્ર ઝોનમાંથી પ્રશ્ર્નપત્ર અન્ય જિલ્લાઓને વિતરણ કરવામાં આવતા હોય છે ત્યારે ચૌધરી હાઇસ્કુલ ખાતે મોટું સબ સેન્ટર બનાવવામાં આવશે. જે રાજ્ય પરીક્ષા બોર્ડનું હોય છે. આ ઉપરાંત વિરાણી હાઈસ્કૂલ ખાતે પણ સબ સેન્ટર કાર્યરત રહેશે. પુરા સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આ કામગીરી થતી હોય છે.
- Advertisement -
વાહનને 30થી 40 કિલોમીટરથી દુર ન જવું પડે એ રીતે ઝોન પાડ્યા
આ સાથે જ પેપર વિતરણ સમયે ગાડીઓને 30 કિલોમીટરના અંતર સુધી જવું પડે તે પ્રકારની વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઝોન એ રીતે બનાવવામાં આવ્યા છે કે કોઈપણ ઝોનમાંથી જ્યારે પ્રશ્ર્નપત્રો વિતરણ માટે વાહન નીકળે ત્યારે તે વાહનને 30થી 40 કિલોમીટરથી દુર ન જવું પડે. જે રીતે સમય મર્યાદામાં પ્રશ્ર્નપત્રો જે તે પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચશે. જો બહુ દૂર સુધી વાહન મોકલવાના હોય તો તે વાહન અને પ્રશ્ર્નપત્રોની સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે અને વાહનો ખૂબ જ વહેલા રવાના કરવા પડે. આ સંજોગોમાં જો વાહનમાં પંચર પડે તે સમયે પ્રશ્ર્નપત્રોની ગુપ્તતાનો ભંગ ન થાય તે માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.