ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર ખનિજ ચોરી મામલે હવે ખનિજ ચોર પણ બેફામ બન્યા છે. આ ખનિજ ચોરી જે માત્ર ખનિજ ચોરી કરતા હતા તે હવે ખનિજ ચોરીની ફરિયાદ કરનાર સામે ફાયરિંગ કરી નુકશાન પણ પહોચાડવામાં જરાય ખચકાટ અનુભવતા નથી. ત્યારે રાજકીય પીઠબળ અને સરકારી તંત્રના કેટલાક કર્મચારીઓના ચાર હાથ હોવાથી ખનિજ માફીયાઓ બેફામ બન્યા છે તેવામાં કોલસાની ખનિજ ચોરીમાં મુખ્ય હબ ગણાતા થાનગઢ ખાતે સુરેન્દ્રનગર ખનિજ વિભાગ દ્વારા દરોડો કરી 6.88 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ચાર મજૂરોને ઝડપી 6 શખ્સો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાઇ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર થાનગઢ તાલુકાના ખાખરાળી ગામે સુરેન્દ્રનગર ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા સીમ વિસ્તારમાં દરોડો કરી ગેરકાયદેસર ચાલતા કોલસાના કૂવા પર દરોડો કર્યો હતો દરોડા દરમિયાન કૂવામાં ઉતરેલ કેટલાક મજૂરોને બહાર કાઢી અટકાયત પણ કરી હતી આ ઊંડા કૂવામાંથી કુલ ચાર મજૂરો બહાર કાઢી પકડી પડ્યા હતા બાકી અન્ય બે શખ્સો ખનીજની ટીમને જોઈ નાશી છૂટયા હતા.
- Advertisement -
જ્યારે સ્થળ પરથી ખનીજની ટીમ દ્વારા ચરખી મશીન , ટ્રેકટર, જનરેટર મશીન સહિત 974.53 મેટ્રિક ટન ખનીજનો જથ્થો જેની અંદાજિત કિંમત 4.87 લાખ તથા અન્ય 75 હજારની અન્ય ચીજ વસ્તુઓ અને પર્યાવરણને નુકશાન પેટે 1.26 લાખનો દંડ સહિત કુલ 6.88 લાખ રૂપિયાની ખનીજ ચોરી ઝડપી પાડી અમરસિંગ દેવીસિંગ રાજપૂત, વિશાળ કાંતિભાઈ ચૌહાણ, શિવ રમેશભાઈ કાંઠાત, મુકેશ મોહનભાઈ રાજપૂતને ઝડપી પાડી શંભુ પુનાભાઈ કાંઠાત તથા રમેશ ધનજીભાઈ કાંઠાત બંને નાશી ગયેલ હોવાથી કુલ 6 શખ્સો વિરુદ્ધ ખનિજ ચોરીનો થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.