હજુ આંસુ સુકાતાં નથી
રાજકોટમાં માતાએ દીકરાનાં અસ્થિ શાહીમાં ભેળવી હાથ પર પુત્રની તસવીરનું ટેટૂ ચિતરાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.2
રાજકોટના TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં 27 લોકો ભડથું થઈ ગયા હતા. જેમાં કેટલાંક બાળકો પણ આગમાં હોમાયાં હતાં. આ ઘટનાને એક મહિના કરતાં વધુ સમય વીતી જવા છતાં મૃતકોનાં પરિવારજનોની આંખોનાં આંસુ હજી સુકાયાં નથી. ત્યારે એક માતાએ પોતાના દીકરાની યાદ હાથમાં કંડારી છે. દીકરાના અસ્થિ શાહીમાં ભેળવીને માતાએ પોતાના હાથ પર પુત્રની તસવીરનું ટેટૂ ચિતરાવ્યું છે. આર્ટિસ્ટ આ માતાના હાથમાં તેમના દીકરાની તસવીરનું ટેટૂ ચીતરતો હતો ત્યારે માતાની આંખમાંથી સતત આંસુની ધારા વહી રહી હતી. રાજકોટના TRP ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડમાં કુલ 27 લોકોના મૃત્યુ થયા છે. જેમાં અનેક બાળકોનો સમાવેશ થાય છે. આવું જ એક બાળક એટલે રાજભા ચૌહાણ.. શહેરના નિર્મલા રોડ પર રહેતા ચૌહાણ પરિવારનો લાડકવાયો તેમના ભાંડેળાઓ સાથે તારીખ 25 મે, 2024ની સાંજે નાનામવા રોડ પર આવેલ TRPગેમ ઝોનમાં રમવા માટે ગયો હતો. ઘરેથી હસતા મોઢે નીકળેલો રાજભા ચૌહાણ પરત નહીં આવે તેવું કોઈએ સ્વપ્ને પણ વિચાર્યું નહોતું.
- Advertisement -
પરંતુ ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડમાં રાજભાનું મૃત્યુ નીપજતા પરિવાજનોને તેમના લાડકવાયાના માત્ર અસ્થિ જ હાથમાં આવતાં આ અસ્થિ સાથે માતાની વેદના જોવા મળી છે. રાજભા ચૌહાણની માતા હવે પોતાના લાડકવાયાને હાથ પકડી રમાડી તો નહીં શકે, તેમને ખોળામાં બેસાડી લાડ તો નહીં લડાવી શકે પરંતુ તેમની યાદ કાયમ તેમના હાથમાં સાથે રહે તે માટે ખાસ ટેટૂ તૈયાર કરાવ્યું છે. ટેટૂ તો ઘણા બધા લોકો કરાવતા જ હોય છે, પરંતુ આ ટેટૂ ખાસ એટલા માટે છે કારણ કે, રાજભાના અસ્થિ તેમની માતા ટેટૂ બનાવવા માટે ટેટૂ શોપ પર સાથે લઈ ગયા હતા અને એ અસ્થિને ટેટૂ બનાવવા ઉપયોગમાં લેવાયેલ શાહીમાં મિક્સ કરી ભેળવી દેવામાં આવ્યા હતા અને પછી એ શાહીની મદદથી ટેટૂ આર્ટિસ્ટ દ્વારા રાજભાની તસવીર તેમની માતાના હાથમાં બનાવી દેવામાં આવી છે. ટેટૂ આર્ટિસ્ટે પણ પોતાની લાઈફમાં આ મુજબ ટેટૂ ક્યારેય પણ બનાવ્યું ન હતું અને આખી દુર્ઘટના વિશે જાણી દરેક પરિવારને ન્યાય તો મળવો જ જોઈએ તેવો ઉલ્લેખ કરી ચૂક્યો છે. રાજભા ચૌહાણ ઝછઙ ગેમ ઝોનમાં તેમનાં માસા, માસી અને ભાઈ-બહેન સહિત 10 જેટલા લોકો સાથે ફરવા માટે ગયા હતા. પરિવારના અન્ય સભ્યો નીચે રેસ્ટોરન્ટમાં હતા ત્યારે રાજભા ચૌહાણ તેમના પિતરાઈ ભાઈ અને બહેન ઉપરના માળે હતાં. તેઓ ઉપરના માળે ટ્રેમ્પોલિંગ ગેમ રમતાં હતાં. અચાનક આગ લાગતાંની સાથે જ રાજભાના મામા અને માસા તુરંત દોડીને ઉપરના માળે પહોંચ્યા હતા. પરંતુ તેઓ પણ ફસાઇ જતા નીચે ઊતરી શક્યા ન હતા અને મોતને ભેટ્યા હતા. રાજભાની સાથે સાથે તેમના મામા ઓમદેવસિંહ ગોહિલ, માસા વિરેન્દ્રસિંહ જાડેજા, માસાનો દીકરો ભાઈ ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, માસાની ભત્રીજી દેવાંશીબા હિતેન્દ્રસિંહ જાડેજા સહિત કુલ 5 લોકોના મોત નીપજ્યા છે.
પરિવારજનોને આજે પણ ન્યાયની આશા
આગમાં હોમાનાર 27 લોકોમાંથી કેટલાંક બાળકોનો પણ સમાવેશ થાય છે. આ બાળકો રમવા માટે ગેમ ઝોનમાં ગયાં હતાં. તેઓ ઘરેથી નીકળ્યા ત્યારે કોઈને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે, તેમના સ્થાને તેમનો મૃતદેહ ઘરે પહોંચશે એ પણ બંધ કિટમાં વીંટળાઇને… સરકારે બાળકોનાં પરિવારને ચાર લાખની સહાય કરીને વાલીઓના ઘા પર મલમ લગાડવાની કોશિશ કરી, પરંતુ સવાલ એ છે કે શું ચાર લાખથી કોઈનું બાળક પરત આવશે ખરું.? આજે એક મહિના કરતાં વધુ સમય વીતવા છતાં પરિવારનાં આંસુ સુકાઇ નથી રહ્યાં અને દરેક પરિવાર દ્વારા કડક કાર્યવાહીની માગ કરવામાં આવી રહી છે.