32 વર્ષથી શ્રાવણના ઉપવાસ કરે છે, શ્રાવણના પ્રથમ સોમવારે મંદબુદ્ધિના બાળકો, અપંગો, વૃદ્ધો, અનાથને સોમનાથની યાત્રા કરાવે છે
ક્ષ લોકો ધર્મનો ભેદ ભૂલી, એક અને નેક બની એકબીજાને મદદ કરે તેવો અહેસાનભાઈનો પ્રયાસ
ખાસ-ખબર સંવાદદાતા
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે દેવોના દેવ મહાદેવની સર્વત્ર અને સર્વલોકો પૂજા-અર્ચના કરી રહ્યા છે, પરંતુ રાજકોટના એક ભક્તની શ્રદ્ધા અનેરી છે, જેની તોલે ભાગ્યે જ કોઈ આવી શકે.
રાજકોટના જાગનાથ પ્લોટમાં રહેતા અહેસાનભાઈ ચૌહાણ છેલ્લાં 32 વર્ષથી શ્રાવણના ઉપવાસ કરે છે. દરરોજ પોતાના ઘરેથી 11 કિલોમીટર ચાલીને પૌરાણિક ઈશ્વરિયા મહાદેવનાં દર્શને જાય છે.
ધર્મે મુસ્લિમ હોવા છતાં કોમી એકતાની પ્રાર્થના સાથે અહેસાનભાઈ નિત્ય મહાદેવના શરણમાં જાય છે, જેથી લોકો ધર્મનો ભેદ ભૂલી, એક અને નેક બની એકબીજાને મદદ કરે છે.
- Advertisement -
આ સિવાય અહેસાનભાઈ ચૌહાણ મંદબુદ્ધિના બાળકો, અપંગ, અનાથ, વૃદ્ધોને શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ ટ્રેનમાં યાત્રા કરાવે છે.
ટ્રેનમાં તમામને સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, સાંજનો નાસ્તો અને રાતનું ભોજન કરાવે છે. કોઈ સોમવાર રહ્યા હોય તો એના માટે અલગથી ફરાળ વ્યવસ્થા કરવામાં આવી હતી.
જાગનાથ પ્લોટમાં રહેતા 49 વર્ષીય અહેસાનભાઈ ચૌહાણ નાનપણમાં સરકારી શાળામાં અભ્યાસ કરતા હતા. એ સમયે મિત્રો સાથે જાગનાથ મહાદેવ જતા હતા. એક દિવસ શિક્ષકે હિન્દુ ધર્મ વિશે માહિતી આપી દેવોના દેવ મહાદેવ છે એમ જણાવ્યું હતું. આ પછી તેઓ જ્યારે ધોરણ-5માં પહોંચ્યા ત્યારથી મનમાં શ્રાવણ માસનો સંકલ્પ લીધો. બસ, ત્યારથી તેઓ દર વર્ષે શ્રાવણ મહિનામાં ઉપવાસ કરે છે, દરરોજ ચાલીને ઈશ્વરિયા ગામે મહાદેવનાં દર્શને
જાય છે.