લોકસભાની ચૂંટણીમાં ભાજપના ગઢ જેવા રાજયમાં સરપ્રાઇઝ : ક્ષત્રિય આંદોલન, મોંઘવારી સહિતના મુદ્દાએ અસર કર્યાની ઉપસતી છાપ..
જુનાગઢ સહિત ત્રણ બેઠક પર કોંગ્રેસનો હાથ ઉપર : 22 બેઠક પર ભાજપ અને ત્રણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોને સવારે 10.30 વાગ્યે લીડ : ભારે ચઢાવ ઉતાર. જામનગરમાં સવારે પુનમબેન માડમ પાછળ રહી ગયા બાદ 23 હજાર મતે આગળ : જુનાગઢમાં કોંગ્રેસના હિરાભાઇ, બનાસકાંઠામાં ગેનીબેન, પાટણમાં ચંદનજી ઠાકોર આગળ અમિત શાહ લીડના રેકોર્ડ તરફ : સી.આર.પાટીલ અર્ધો લાખ મતે આગળ: રાજકોટ-પોરબંદરમાં કેન્દ્રીય મંત્રીઓ રૂપાલા અને માંડવીયાને સવારથી મોટી લીડ મળી
- Advertisement -
ગુજરાતમાં લોકસભાની 26 પૈકી 25 બેઠકોની મત ગણતરી આજે સવારથી શરૂ થતા પ્રારંભિક બે કલાકમાં ભાજપ માટે થોડુ આંચકાજનક ચિત્ર ઉપસ્યુ છે. 10 વર્ષથી ગુજરાતમાં તમામ 26 બેઠક જીતવાનો રેકોર્ડ કરનાર ભાજપ હેટ્રીકની તક ચૂકી જાય તેવા ચિત્ર જોવા મળ્યા છે. સુરતની એક બેઠક બિનહરીફ જીત્યા બાદ બાકીની બેઠકોની મત ગણતરીમાં આજે સવારે 10 વાગ્યાની સ્થિતિએ સૌરાષ્ટ્રની જુનાગઢ, ગુજરાતની પાટણ અને બનાસકાંઠા સહિત ત્રણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર લીડમાં દેખાતા આ આશ્ચર્યજનક ટ્રેન્ડે રાજકીય પંડિતોને પણ માથુ ખંજવાળતા કરી નાખ્યા છે.
જામનગર બેઠકની મત ગણતરીમાં સવારે પુનમબેન માડમ પાછળ રહી ગયા હતા પરંતુ 10.30 વાગ્યે ભાજપના ઉમેદવાર 23 હજારથી વધુ લીડથી આગળ નીકળ્યા છે. શહેરી વિસ્તારના ઇવીએમ ખુલતા ભાજપને મત વધ્યા છે.
ચૂંટણી પહેલા સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી હતી. આ બાદ 25 બેઠક પર સરેરાશ 60.13 ટકા મતદાન થયું હતું. આજે સવારે મત ગણતરી શરૂ થતા સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની લોકસભાની બેઠક પર કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલા કોંગ્રેસના પરેશ ધાનાણી કરતા એક લાખથી વધુ મતની લીડ પર આગળ છે. હવે કોંગ્રેસના સુધરેલા દેખાવની વાત કરીએ તો જામજોધપુર, કાલાવડ, જામનગર ગ્રામ્ય સહિતના જામનગર લોકસભા વિસ્તારના ભાજપના ઉમેદવાર પુનમબેન માડમ, કોંગ્રેસના જે.પી.મારવીયા કરતા સવારે પાછળ રહી ગયા હતા. આ બાદ પુનમબેન માડમ ર6 હજારની લીડથી આગળ છે. ત્રણ બેઠક પર કોંગ્રેસ સિવાય અન્ય 22 બેઠક પર ભાજપના ઉમેદવારો ખુબ આગળ નીકળી રહ્યા છે.
- Advertisement -
જુનાગઢમાં ભાજપે ત્રીજી વખત રાજેશ ચુડાસમાને ટીકીટ આપી છે. કેટલાક વિવાદો વચ્ચે તેમણે ઉમેદવારી કરી હતી. મત ગણતરીમાં ચોથા રાઉન્ડના અંતે આજે સવારે તેમના સામે કોંગ્રેસના ઉમેદવાર હિરાભાઇ જોટવા 10 હજાર મતથી આગળ નીકળી ગયા હતા.
પાટણમાં પણ કોંગ્રેસનું ચિત્ર સવારે ઉજળુ દેખાયું હતું. કોંગ્રેસના ચંદનજી ઠાકોર, ભાજપના ભરતસિંહ ડાભી કરતા આગળ નીકળી ગયા છે. આ જ રીતે ખુબ ચર્ચામાં આવેલી બનાસકાંઠાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પણ ભાજપના રેખાબેન ચૌધરી કરતા આગળ નીકળી ગયા હતા. અનેક બેઠક પર કોંગ્રેસ અને આપે સંયુકત રીતે ચૂંટણી લડી તે ઉલ્લેખનીય છે.
ચૂંટણી જાહેર થઇ ત્યારબાદથી ભાજપે ત્રીજી વખત તમામ 26 બેઠક જીતવા અને પાંચ લાખથી વધુ લીડ મેળવવાનો સંકલ્પ જાહેર કર્યો હતો પરંતુ આજે સવારથી શરૂ થયેલી મત ગણતરીમાં લીડ તો ઠીક, તમામ બેઠકો જીતવી પણ ભાજપ માટે મુશ્કેલ બની ગઇ છે. રાજકોટથી શરૂ થયેલા ક્ષત્રિય આંદોલનની પણ થોડી અસર દેખાઇ છે તો મોંઘવારી સહિતના કાયમી મુદ્દા અને સામસામી ગેરંટીની જાહેરાતો પણ મતદારોએ ધ્યાનમાં રાખ્યાનું દેખાયું છે.
ગુજરાતના પાટનગર ગાંધીનગરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ સવારે દોઢ લાખ મતથી આગળ હતા. તેઓ 10 લાખ મતની લીડથી જીતશે તેવો દાવો ભાજપે કર્યો છે. નવસારી બેઠકથી પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ કોંગ્રેસના નૈષધ દેસાઇ કરતા અર્ધો લાખ મતે આગળ છે.
સૌરાષ્ટ્રમાંથી ચૂંટણી લડતા અન્ય કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા પોરબંદરમાં કોંગ્રેસના લલીત વસોયા કરતા 70 હજાર મતથી આગળ છે, કચ્છમાં ભાજપના વિનોદભાઇ ચાવડા ભરૂચમાં મનસુખભાઇ વસાવા, વલસાડમાં ધવલ પટેલ આગળ છે. વડોદરામાં હેમાંગ જોશીને ટીકીટ આપવામાં આવતા અને રંજનબેન ભટ્ટની ટીકીટ કાપવામાં આવતા મોટો વિરોધ ઉઠયો હતો. પરંતુ આ બેઠક પર પણ ભાજપ આગળ છે.
આજે સવારની સ્થિતિ જોઇએ તો જયાં જયાં ભાજપ પાછળ છે ત્યાં મતોનો તફાવત ઓછો છે. આવી બેઠક પર પાતળી સરસાઇથી હારજીત થાય તેવું લાગી રહ્યું છે.