11 કે.વી વીજ લાઈનમાંથી તણખો પડતા આગ લાગી હોવાનું અનુમાન: સાત વિઘામાં શેરડીનો વાડ બળીને ખાખ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા તાલુકાનાં ધાવા ગીર ગામની સુકવડા સીમ વિસ્તારમાં વાડીમાં ઉપરથી પસાર થતી 11 કે.વી.લાઈન માં શોર્ટ સર્કિટ થતાં શેરડીના વાડમાં અકસ્માતે આગ લાગી હતી.આ આગની લપેટમાં ખેડૂતનો સાત વિઘા શેરડીનો વાડ બળીને ખાખ થઈ ગયો છે.
- Advertisement -
આ બનાવ અંગે પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે તાલાલા તાલુકાનાં ધાવા ગીર ગામની સુકવડા સીમ વિસ્તારમાં દેવજીભાઈ લાલજીભાઈ સાંગાણી ની વાડી આવેલ છે.ખેડુતે તેમની વાડીમાં શેરડીના વાડનું વાવેતર કરેલ છે.બાજુની વાડીમાંથી ઉપરથી પસાર થતી 11 કે.વી.વિજલાઈન માં શોર્ટ સર્કિટ થતાં દેવજીભાઈ નાં ખેતરમાં ઉભેલા શેરડીના વાડમાં તણખાં પડતાં અકસ્માતે આગ ભભુકી ઉઠી હતી.થોડીવારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આજુબાજુ માંથી ખેડૂતો દોડી આવી આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો.આ દરમિયાન આઠ વીઘા પૈકી સાત વીઘા જેટલો શેરડીનો વાડ બળીને ખાખ થઈ ગયો હતો.એક વીઘા શેરડીનો વાડ માંડ માંડ બચાવ થયો હતો.
ખેડુત દેવજીભાઈ એ જણાવ્યું હતું કે બાજુની વાડીમાં 11 કે.વી.વિજ લાઈન નીચે નાળીયેરીનું ઝાડ આવેલ છે.11 કે.વી.વિજ લાઈન નાળીયેરીમાં અડી જતાં શોર્ટ સર્કિટ થતાં તણખા શેરડીના વાડમાં પડતાં આગ લાગી હોવાનું અનુમાન છે.આગમાં વાડ બળીને ખાખ થઈ જતાં રૂ.બે થી ત્રણ લાખ જેટલું નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું.આ બનાવની જાણ થતા તાલાલા વીજ કચેરીના અધિકારીઓ બનાવના સ્થળે દોડી ગયા હતા.બળી ગયેલ શેરડીના વાડનું રોજકામ કરી આગ અંગે વધુ તપાસ હાથ ધરી છે.



