કિમ જોંગ ભારે ગુસ્સામાં, અધિકારીઓનો ઉધડો લીધો
ખાસ-ખબર સંવાદદાતા
ઉત્તર કોરિયા દ્વારા તાજેતરમાં જ જાસૂસી ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો હતો. મળતી વિગતો પ્રમાણે આ લોન્ચિંગ નિષ્ફળ ગયુ છે અને તેનાથી ઉત્તર કોરિયાના સનકી તાનાશાહ કિમ જોંગ ભારે ગુસ્સામાં છે. ઉત્તર કોરિયાની એક માત્ર સત્તાધારી પાર્ટીએ હાઈ લેવલની એક બેઠકમાં નિષ્ફળ ગયેલા લોન્ચિંગની ટીકા કરી છે અને આ માટે જવાદાર અધિકારીઓનો આ બેઠકમાં ઉધડો લેવામાં આવ્યો હતો.
- Advertisement -
31 મેના રોજ ઉત્તર કોરિયાએ પોતાનો જાસૂસી ઉપગ્રહ અંતરિક્ષમાં મોકલવાનો પ્રયાસ કર્યો હતો પણ આ ઉપગ્રહને લઈ જતુ રોકેટ યલો સીમાં ખાબક્યુ હતુ. આ નિષ્ફળતા પાછળ એન્જિનમાં ખરાબી હોવાનુ બહાર આવ્યુ હતુ. એ પછી ઉત્તર કોરિયાએ કહ્યુ હતુ કે, શક્ય હોય તેટલી જલદી નવો ઉપગ્રહ લોન્ચ કરાશે. હાઈ લેવલ બેઠકમાં આ ફિયાસ્કા માટે જવાબદાર અધિકારીઓની ટીકા કરીને કહેવામાં આવ્યુ હતુ કે, બહુ બેજવાબદારીપૂર્ણ રીતે ઉપગ્રહ લોન્ચિંગની તૈયારીઓ કરવામાં આવી હતી અને આ મામલામાં જવાબદાર લોકો સામે તપાસ કરવાની જરુર છે. જાસૂસી ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો ત્યારે અમેરિકા, દક્ષિણ કોરિયા તેમજ જાપાને ઉત્તર કોરિયાની કાર્યવાહીને વખોડી કાઢી હતી અને કહ્યુ હતુ કે, ઉત્તર કોરિયાએ ફરી સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવનુ ઉલ્લંઘન કર્યુ છે.