ભેટ ગામમાં ત્રણ મજૂરોના મોત બાદ કોલસાનો જથ્થો સગેવગે કરાયો હતો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર,
સુરેન્દ્રનગર જિલ્લાના થાન, સાયલા અને મૂળી પંથકમાં ચાલતી કોલસાની ખનીજ ચોરી કોઈ કાળે અટકવાનું નામ નથી લેતી તેવામાં વારંવાર કોલસાની ખાણોમાં થતાં મજૂરોના મોત બાબતે સ્થાનિક તંત્ર પર અનેક સવાલો ઉભા થાય છે તેવામાં વધુ એક વખત મૂળી તાલુકાનાં ભેટ ગામે ગેરકાયદેસર કોલસાનો બિનવારસી જથ્થો મળી આવતા તંત્ર સામે સવાલો ઉભા થયા છે. જાણવા મળતી વિગતો અનુસાર મુળી તાલુકાનાના ભેટ ગામે ગત 13 જુલાઈના રોજ ગેરકાયદેસર કાર્બોસેલ કોલસોની ખાણમાં ગેસ ગળતર લીધે ત્રણ મજૂરોના કમકમાટી ભર્યા મોત થયા હતા જે બાદ ભેટ ગામની અનેક ગેરકાયદેસર ખાણોમાંથી કાઢવામાં આવેલ કાર્બોસેલનો જથ્થો ખનીજ માફિયા દ્વારા તાત્કાલિક અન્ય અજ્ઞાત સ્થળ પર ખસેડવામાં આવ્યો હતો.
- Advertisement -
તેવામાં અંદાજીત એક હજાર ટન જેટલો કાર્બોસેલનો જથ્થો હાલ પણ ભેટ અને જાબુંડીયા ગામના સિમાડે પર સરકારી જમીનમાં હોવાનું સામે આવ્યું છે.
જેમાં હજજારો ટન કોલસાના આ જથ્થા પર ઘાસ અને તાલપત્રી ઢાંકી સંતાડવાની પ્રયાસ કરાયો છે પરંતુ કહેવત છે ને કે “ખોટું છાપરે ચડીને પણ પોકારે” તેની માફક અંતે સંતાડેલો કોલસાનો હજજારો ટન જથ્થો ખુલીને સામે આવી ચૂક્યો છે ભેટ ગામના સીમાડા ખાતે રાખવામાં આવેલ કોલસાનો જથ્થો ભોપાભાઈ વાલજીભાઈની વાડી નજીક સ્ટોક કર્યો છે. ત્યારે હજજારો ટન કોલસાનો જથ્થો સામાન્ય લોકોને નજરે પડે છે પરંતુ ખાણ ખનિજ વિભાગના અધિકારીઓને નહિ દેખાતા હવે તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થાય છે. હાલ કોલસાનો ગેરકાયદેસર જથ્થો બિનવારસી હાલતમાં હોવાનો વિડીયો ભેટ ગામના જાગૃત નાગરિક દ્વારા વાયરલ કરવામાં આવેલ છે સાથે જ ત્રણ મજૂરોના મોત કોલસાની ગેરકાયદેસર ખાણ પ્રકરણમાં હજુ અનેક ખનીજ માફીયાઓના નામ સામે આવે તેમ છે. જેથી આ ગેરકાયદેસર કોલસાનો જથ્થો જપ્ત કરી તટસ્થ તપાસ થાય તેવી માંગ પણ કરાઈ છે.