ત્રણ દિવસ પૂર્વે પણ જામવાડી ખાતે શ્રમિકના મોતનો બનાવ દબાવવામાં આવ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી કોલસાની ગેરકાયદેસર ખાણોને તંત્રની પરવાનગી મળી જતા જ હવે મોતના બનાવો પણ શરૂ થઈ ચૂક્યા છે. જે પ્રકારે તંત્રે ખનિજ માફિયાઓને કોલસાનું ગેરકાયદેસર ખનન કરવા વહીવટી છૂટ આપી છે તે પ્રકારે જ જાણે શ્રમિકો માટે યમરાજને પણ તેડાવ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. થાનગઢ પંથકના જામવાડી વિસ્તારમાં હજુ ત્રણ દિવસ પૂર્વે જ કોલસાની ખાણમાં કામ કરતા મજૂરોનું મોત થયું હોવાની વિગત સામે આવી છે. જોકે તંત્રની મહેરબાની અને ખનિજ માફિયાઓની દાદાગીરીથી જામવાડી ખાતેઅજૂરોના મોતનો મામલો દબાવી દેવામાં સફળતા મળી છે. ત્યારે ફરી એક વખત સોમવારે બપોરના સમયે થાનગઢના વેલાળા ખાતે પણ સીમ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર કોલસાના ખાણમાં ભેખડ ધસી જતા એક આશાસ્પદ યુવાનનું મોત થયું હોવાની વિગતો મળી હતી. દીનેશ બાબુભાઈ ખમણી નામના 24 વર્ષીય મૃતક યુવાન તરણેતર ગામનો હોવાનું સામે આવ્યું હતું જેની સાથે અન્ય ચાર જેટલા શ્રમિકોને પણ ઇજા પામી હતી જેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા પરંતુ જે યુવાનનું મોત થયું તેના મૃતદેહને તુરંત કોલસાની ખાણમાંથી બહાર કાઢી અજ્ઞાત સ્થળે લઈ જઈ બાદમાં મૃતક યુવાનના પરિવારજનો સાથે મોતનો સોદો પણ થયો હતો. જે બાદ યુવાનનો મૃતદેહ કોઈપણ પ્રકારના તબીબી પીએમ વગર જ તરણેતર ગામે મોડી સાંજે અગ્નિસંસ્કાર કરી દેવાયો હતો. આ સમગ્ર બનાવ વચ્ચે તંત્ર માત્ર મૂકપ્રેક્ષક બનીને ખેલ નિહાળતું રહ્યું હતું.
થાનગઢના જામવાડી ખાતે પણ ત્રણ દિવસ અગાઉ ગેરકાયદેસર કોલસાની ખાણમાં મજૂરનું મોત થયાની વિગત સામે આવી હતી પરંતુ આ મજૂરના મોત બાદ ખનિજ માફીયાઓ દ્વારા માત્ર થોડા જ સમયમાં આખોય મામલો રફેદફે કરી દીધો હતો.