સમુદ્રના કિનારે સોમનાથ મહાદેવના ચરણોમાં ગુંજી ઉઠયું રામ નામ
સોમનાથ મંદિરમાં હજારો ભકતોએ રામધૂન બોલાવી: સોમનાથ તીર્થમાં શ્રીરામ મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થયા ત્યારે શ્રીરામ મંદિરના પુનનિર્માણનો સંકલ્પ લેવાયો હતો તે સંકલ્પ ભૂમિ સોમનાથ ખાતે સોમનાથ ટ્રસ્ટના શ્રી નૂતન રામ મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજન સાથે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી હતી.
પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ સોમનાથ તીર્થમાં લખાયેલ 3.50 કરોડ શ્રીરામનામ મંત્રપોથીજીની ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષશ્રી અને દેશનાપ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પ્રથમ રામનામ લખી પ્રારંભ કરાયેલ આ 3.50 કરોડ રામનામ મંત્ર લેખન અભિયાન શ્રી રામ મંદિર ખાતે યોજાયેલ આ અભિયાનમાં 80 દિવસમાં 11 થી વધુ ભાષામાં 3.50 મંત્રો લખવાનુ લક્ષ્યાંક પૂર્ણ થયું હતું ત્યારે આ 3.50 કરોડ રામનામ લખાયેલ પવિત્ર પોથીજીની મહાયાત્રા શ્રીસોમનાથ મહાદેવ મંદિર થી પ્રભાસ તીર્થના રામ મંદિર સુધી યોજવામાં આવી હતી જેમાં મોટી માત્રામાં જનસમુદાય જોડાયો હતો. શોભાયાત્રા બાદ સૌને રામ મંદિર ખાતે પ્રસાદ વિતરણ કરવામાં આવેલ.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં હજારો ભક્તોએ સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓએ એકી સાથે મળીને જય જય શ્રી રામ ના નાદ સાથે સમૂહ રામ ધુન કરી હતી. શ્રી રામનો પ્રચંડ નાદ રત્નાકર સમુદ્રના કિનારે સોમનાથ મહાદેવના ચરણોમાં ગુંજી ઉઠ્યો હતો અને ખરા અર્થમાં સોમનાથ તીર્થ શ્રીરામતીર્થ બન્યું હતું.
સોમનાથ તીર્થમાં શ્રીરામ મંદિરને વિશેષ લાઇટીંગ તથા ફુલોથી શુશોભન કરવામાં આવ્યું છે. સાથેજ સોમનાથ મંદિર, અહલ્યાબાઈ મંદિર, ભાલકા મંદિર, શશિભુષણ મહાદેવ મંદિર, ગીતા મંદિર, લક્ષ્મીનારાયણ મંદિરને વિશેષ લાઇટીંગ દ્વારા શુશોભીત કરવામાં આવેલ. તા.22 જાન્યુ-24 ના અયોધ્યા નુતન રામમંદિર ખાતે પ્રાણપ્રતિષ્ઠા દિવસે સોમનાથ તીર્થમાં શ્રીરામ મંદિર ખાતે નૂતન ધ્વજારોહણ, પ્રભાસતિર્થના પૌરાણીકતિર્થ જલો આદિત્ય પ્રભાસ કુંડ, જલ પ્રભાસ કુંડ, સુર્ય કુંડ, બ્રહ્મ કુંડ, વિષ્ણુ કુંડ, ગૌરી કુંડ, રત્નાકર સમુદ્ર, ત્રીવેણી મહાસંગમ સહિત અયોધ્યાની સર્યું નદિના પવિત્ર જળથી શ્રી રામ ભગવાનને પુજારીશ્રીઓ દ્વારા જલાભિષેક કરવામાં આવશે તેમજ. સોમગંગાથી શ્રી રામ મંદિર પરીસર માર્જન, ત્રિંશોપચાર પૂજન, સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા પુરુષસુક્તના પાઠ, શ્રી રામનામ લેખન પોથીજીનુ પૂજન અને દર્શન, મધ્યાહ સમયે વિશેષ અન્નકુટ તથા નાસીક બેન્ડ સાથે આરતી, શ્રી રામ મંદિર અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા સમયે શંખનાદ, શ્રીરામધુન સંકિર્તન, હનુમાન ચાલિસા સમુહ પાઠ કરવામાં આવશે. એક સપ્તાહ સુધી શ્રી સોમનાથ મહાદેવને પણ વિશેષ શ્રી રામ તત્ત્વમય શૃંગાર કરવામાં આવી રહ્યા છે.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા આજ રોજ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને શ્રી રામ પ્રસાદ ભંડારાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેથી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના વિશેષ દિવસે ભક્તો ભક્તિ, ભજન, ભોજનના ત્રિવેણી સંગમનો સોમનાથમાં લાભ મેળવી ધન્ય બન્યા હતા અને સોમનાથ તીર્થ એ રામ તીર્થની પણ અનુભૂતિ જોવા મળી હતી