ગીર સોમનાથ કોડીનારના ડોળાસા પાસેના વાડી વિસ્તારમાં એક અઠવાડિયાથી દીપડો આંટાફેરા કરી રહ્યો હોવાથી ખેડુતોમાં ભય ફેલાયો હતો.વન વિભાગે પાંજરા ગોઠવતા ખુંખાર દીપડો પાંજરે પુરાતા ખેડુતો, ગ્રામજનો સાથે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો .છેલ્લા થોડા દિવસોથી કોડીનાર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ, દીપડાના આંટાફેરા વધ્યા છે. ત્યારે આ વિસ્તાર માંથી વધુ એક દીપડો પાંજરે પુરાયો છે. જે અંગે ની વિગતો મુજબ કોડીનારના ડોળાસાની બાજુમાં આવેલા અડવી ગામમાં 66 કે.વી. સબ સ્ટેશનની પાછળના ભાગે આવેલી સીમ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી એક કદાવર ખુંખાર દીપડો આંટાફેરા કરી રહ્યો હતો. જેમાં કેટલીક વાર તો તે સમી સાંજે પણ દેખા દેવાની સાથે ખેડુતોના માલઢોરોનું પણ મારણ કરવા લાગ્યો હતો. જેના કારણે ખેડૂતો અને વાડીએ વસવાટ કરતા ગ્રામજનોમાં ભયની લાગણી પ્રસરી હતી.આ અંગે ગ્રામજનો દ્વારા વનવિભાગને જાણ કરતાં જામવાળા વન કચેરીના ગોપાલસિંહ રાઠોડ, અંકિત રાજપુત, અલી ટ્રેકર અને જીતુ મોરીએ સ્થળની મુલાકાત લઈ અડવી ગામના સીમ વિસ્તારમાં ચાર દિવસથી જુદા જુદા સ્થળોએ મારણ સાથેના પાંજરા મુકી કેદ કરવા કામગીરી કરી રહ્યા હતા. પરંતુ ચાર દિવસથી દીપડો હાથ તાળી આપી પાંજરામાં આવતો ન હોવાથી આખરે ખેડૂત અશ્વિન ડોડીયાની વાડીના શેઢા ઉપર પાંજરૂ રાખવામાં આવેલું હતુ. જેમાં મારણની લાલચે આજે વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં ખુંખાર દીપડો આવી જતા કેદ થઈ ગયો હતો.
કોડીનાર તાલુકામાં આતંક મચાવતો દીપડો મહેનતે પાંજરે પુરાયો

Follow US
Find US on Social Medias