પ્રિપેક્ડ અનાજ-કઠોળ, પ્રિન્ટીંગ ઇન્ક, એલઇડી લાઈટ, સ્ટેશનરી ચીજો, બેન્ક ચેકબૂક સહિતની અનેક વસ્તુઓમાં ભાવવધારો
દેશમાં આજથી મોંઘવારીનો નવો રાઉન્ડ શરુ થયો છે અને અનાજ-કઠોળથી માંડીને છાસ, દહીં સહિતની ચીજોમાં જીએસટી લાગુ પાડવામાં આવતા ભાવવધારો અમલી બન્યો છે. દહીંમાં કિલોએ રુા. 4 તથા છાસમાં લીટરે રુા. 2નો વધારો લાગુ થયો છે. અનાજ-કઠોળમાં પણ 5 ટકા વધી ગયા છે. તેવી જ રીતે સ્ટેશનરી આઈટમો, પ્રિન્ટીંગ ઇન્ક વગેરેમાં પણ જીએસટી પેટે ભાવવધારો લાગુ પડ્યો છે.
- Advertisement -
જીએસટી કાઉન્સીલની ગત બેઠકમાં સંખ્યાબંધ ચીજોમાં ટેક્સ મુક્તિ રદ કરવા અને કેટલાકમાં ટેક્સ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેનો અમલ 18મી જુલાઈથી લાગુ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે અંતર્ગત આજથી 10થી વધુ ક્ષેત્રોમાં ટેક્સ બોજ લાગુ પડ્યો છે અને ભાવો વધી ગયા છે. ખાદ્ય ચીજોમાં પ્રિપેક્ડ અનાજ-કઠોળમાં 5 ટકા જીએસટી લાગુ પડ્યો છે એટલે આ તમામ ચીજો મોંઘી થઇ છે. ડેરી પ્રોડક્ટમાં પણ 5 ટકા ટેક્સ લાગુ પડ્યો છે. અમૂલ, ગોપાલની છાસમાં લીટર દીઠ રુા. 2 તથા દહીંમાં કિલો દીઠ રુા. 4નો ભાવવધારો લાગુ પડ્યો છે. મધ, સોયાબીન, વટાણા, ઘઉં સહિતના અનાજ વગેરે પણ આ સાથે મોંઘા થયા છે.
પ્રિન્ટીંગ ઇન્ક પરનો જીએસટી 12 ટકાથી વધારીને 18 ટકા, ચાકુ તથા પેન્સીલના સંચા જેવી ચીજો પર જીએસટી 12 ટકાથી વધીને 18 ટકા, એલઇડી લાઇટ, સર્કિટ બોર્ડ પરનો જીએસટી પણ 12 ટકાથી વધીને 18 ટકા, સોલાર વોટર હીટર પરનો જીએસટી 5 ટકાથી વધીને 12 ટકા, બેન્ક ચેકબૂકમાં 18 ટકાનો જીએસટી લાગુ પાડવામાં આવ્યો છે. હોસ્પિટલમાં 5000થી મોંઘા નોન આઈસીયુ રુમ તથા હોટલના 1000થી નીચેના ભાડાવાળા રુમ પણ હવે જીએસટીની જાળમાં આવી ગયા છે એટલે તેમાં પણ ભાવવધારો લાગુ થયો છે.