હેડિંગ્લે ટેસ્ટનો બીજો દિવસ પ્રેક્ષકો માટે કંટાળાજનક બની રહ્યો હતો. પ્રથમ દિવસે ભારતને માત્ર ૭૮ રન પર સમેટી લીધા પછી ઈંગ્લેન્ડે બીજા દિવસની રમત પૂરી થવા સુધી ૮ વિકેટ પર ૪૨૩ રન બનાવી લીધા હતા. આ બધા વચ્ચે વિકેટકીપર રિષભ પંત સાવ જુદા જ કારણસર વિવાદમાં સપડાઈ ગયો હતો. લન્ચ પછીના સેશનના છેલ્લા બોલે રિષભે ડેવિડ મલાનનો કેચ ઝડપી લીધો હતો. ટી-બ્રેક પછી ત્રીજા સેશનની પહેલી ઓવરના પહેલા બોલ પહેલાં અમ્પાયર્સે રિષભ પંતને તેના ગ્લવ્ઝ ઉપર લગાવેલી ટેપ કાઢી નાંખવા સૂચન કર્યું. આ ટેપના કારણે રિષભની ચોથી અને પાંચમી આંગળી જોડાયેલી રહેતી હતી. પૂર્વ ઇંગ્લિશ ક્રિકેટર્સે ડેવિડ મલાનને નોટઆઉટ જાહેર કરવાની વાત રજૂ કરી.
- Advertisement -
ટી બ્રેક પછી અમ્પાયર્સે ટેપ રિમૂવ કરવા ટકોર કરી
પોસ્ટ ટી બ્રેક પછી અમ્પાયર્સે રિષભ પંત પાસે પહોંચીને ગ્લવ્સની ચકાસણી કરી હતી. આ સમયે વિરાટ કોહલી પણ રિચર્ડ કેટલબ્રો સાથે આવી પહોંચ્યો હતો. કોહલી અને પંતે એકબીજા સાથે વાતચીત કર્યા પછી અમ્પાયર્સના નિર્ણયનું માન રાખી ગ્લવ્સ પરથી ટેપ હટાવી દીધી હતી.
ક્રિકેટના નિયમ ૨૭.૨.૧ પ્રમાણે ટેપ ફક્ત પહેલી આંગળી અને અંગૂઠાની વચ્ચે જ લગાવી શકાય છે. નિયમ ૨૭.૧ મુજબ વિકેટકીપર પોતાના ગ્લવ્ઝ ઉપર અંગૂઠા અને પહેલી આંગળી સિવાય અન્ય કોઈ આંગળીને જોડતી ટેપ લગાવી શકતો નથી.
- Advertisement -
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસેન અને ડેવિડ લોઈડ કોમેન્ટ્રી કરી રહ્યા હતા. નાસિર હુસેને કહ્યું કે ટેપથી આંગળી બાંધવા અંગે અનેક નિયમો છે, પરંતુ થર્ડ અમ્પાયર રિચર્ડ ઈલિંગવર્થે જણાવ્યા અનુસાર રિષભ પંતને પોતાના ગ્લવ્ઝ ઉપર આ રીતે ટેપ લગાવવાની પરવાનગી નહોતી તેથી તેને ટેપ કાઢી નાંખવા સૂચન કર્યું હતું.
લોઈડે કહ્યું હતું કે મલાનને ફરી બેટિંગ કરવા બોલાવો
પંતના ગ્લવ્સ પરથી ટેપ હટાવ્યા બાદ અમ્પાયર્સે મલાનને નોટઆઉટ જાહેર કરી રમવા માટે બોલાવવો જોઇએ.
ડેવિડ લોઈડે કહ્યું કે અમ્પાયરોએ મલાનને રમતમાં પાછો બોલાવી લેવો જોઈએ, કારણ કે તે આઉટ થયો ત્યારે વિકેટકીપરે ગેરકાયદે પદ્ધતિથી પોતાના ગ્લવ્ઝ ઉપર ટેપ લગાવી હતી. તેથી તેને આઉટ ન ગણાય. એમાંથી વિવાદની શરૃઆત થઈ હતી.