– મારા માતાપિતાનું માનવું છે કે દિકરીને કરિયાવરમાં શિક્ષણ આપવું જોઈએ: અવનીબેન હરણ
“નારી વંદન ઉત્સવ સપ્તાહ”ની ઉજવણી નિમિત્તે રાજકોટ જિલ્લાના ડે. કલેકટર અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અવનીબેન હરણ દરેક આધુનિક યુવતીઓ માટે પ્રેરણારૂપ છે. મૂળ જુનાગઢના વતની અવનીબેન ત્રણ ભાઈ બહેન અને માતાપિતાનો પરિવાર ધરાવે છે. તેઓએ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે માસ્ટર ડીગ્રી સુધી અભ્યાસ કર્યો છે. યુનિયન પબ્લિક સર્વિસની તૈયારી દરમ્યાન વર્ષ ૨૦૧૮માં આવેલી જી.પી.એસ.સી. સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ થઈને સેક્શન ઓફિસર તરીકે રાજ્યના મહેસુલ વિભાગમાં નીમાયા હતા. ત્યાર બાદ ફરી વર્ષ ૨૦૧૯માં જી.પી.એસ.સી. સ્પર્ધાત્મક પરીક્ષામાં ડેપ્યુટી કલેકટરની પોસ્ટ માટે ઉતીર્ણ થયા હતા.
- Advertisement -
અવનીબેને વધુમાં જણાવ્યું કે, યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી વખતે એવું વલણ હતું કે સિવિલ સર્વિસની તૈયારી દિલ્હી સિવાય શક્ય નથી પરતું જાતે મહેનત કરીને તૈયારી કરી શકાય છે. એક મહિલા અધિકારીની નોકરીમાં થતી સતત બદલીના લીધે ગામનું નામ અને ગામની દિકરીઓના નામ તે મહિલા અધિકારીના નામે રાખ્યા હતા, એ બાબત પરથી તેમને સિવિલ સર્વન્ટ બનવાની પ્રેરણા મળી હતી.
જી.પી.એસ.સી. સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રથમ વખત ઉતીર્ણ થયા બાદ મળેલી સચિવાલયમાં સેકશન ઓફિસરની એક વર્ષની નોકરીમાં સરકારી નીતિ ઘડતર શીખ્યા બાદ જિલ્લા પુરવઠા અધિકારી તરીકેની નોકરીમાં તેનું અમલીકરણ કરવાની પધ્ધતિનો ખ્યાલ ખુબ જ સરળતાથી આવ્યો હતો. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, સ્પર્ધાત્મક પરીક્ષાના વિષયો અને તૈયારી જ એવી હોય છે કે વ્યક્તિના વ્યક્તિત્વમાં અને તેના ક્ષેત્રમાં પરિપક્વતા આવી જતી હોય છે.
પરીક્ષાની તૈયારી વખતે શિસ્ત, સમર્પણ અને દ્રઢ નિશ્ચય એ ત્રણ મહેનતના પાયા છે. અવનીબેને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના અભ્યાસ થી તેમના ડે.કલેકટર સુધીની સફરનુ શ્રેય તેમના માતા-પિતાને આપ્યું છે. તેમના માતા-પિતાનું માનવું છે કે, દિકરીને કરિયાવરમાં જ શિક્ષણ આપવું જોઈએ. સરકારી નોકરીમાં સીધા ડે. કલેકટર બનીને અવનીબેને તેમના સમાજમાં અનુકરણીય ઉદારહણ પ્રસ્થાપિત કર્યું છે. તેમના ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના જ્ઞાનના લીધે તેઓ જેનેરીક દવાઓ અંગેના જાગૃતિ સેમિનારમાં જેનેરિક દવાઓના મહત્વ વિશે સમજાવી શકે છે.
- Advertisement -
તેમનું માનવું છે કે સ્ત્રી સશક્ત છે, તેને આત્મનિર્ભર બનવા સમય આપો અને તેના પર વિશ્વાસ રાખો તો દરેક સ્ત્રી પોતાના કાર્યમાં શ્રેષ્ઠ કરી બતાવશે. જિલ્લા પુરવઠા અધિકારી તરીકેની ફરજના વિવિધ પ્રસંગો વિશે વાત કરતા જણાવ્યું કે, સીનીયર સીટીઝન, વૃદ્ધ દંપતી તેમજ એકલી રહેતી મહિલાઓને ફક્ત પુરવઠા વિભાગને લગતી યોજનાઓ જ નહિ પરંતુ તેમને લાગુ પડતી તમામ યોજનાઓ વિશે અવગત કરીને સંતોષકારક જવાબ આપવાના પ્રયત્નોથી ખુબ જ આત્મસંતોષ અનુભવુ છું. તેમજ અમારા વિભાગના સ્ટાફને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા પ્રેરિત કરું છું.