ગુલઝાર સાહેબના મનોવિશ્ર્વ અને ‘બોસકિયાના’માં એક સવાર, બપોર અને સાંજ
કભી નઝમ કહે કે ખૂન થૂંક લિયા, કભી અફસાને લિખકર જખ્મ પે પટ્ટી બાંધ લી!
કભી નઝમ કહે કે ખૂન થૂંક લિયા, કભી અફસાને લિખકર જખ્મ પે પટ્ટી બાંધ લી!
શાહનામા
– નરેશ શાહ
– નરેશ શાહ
‘લખીને જ અભિવ્યક્ત થવું છે- એવું નક્કી કરવાની કોઈ ક્ષણ નથી હોતી. ફિલ્મી અંદાજવાળો કોઈ પોઈન્ટ પણ નથી હોતો કે એ ક્ષણની અચાનક સઘળું બદલાઈ ગયું. બાળપણથી આપણે બધા આજુબાજુ થઈ રહેલી ઘટનાઓને રેકર્ડ કરતા રહીએ છીએ. ઢાંકેલી હાંટી, જેમાં પાણી છે, ચૂલા પર મુકી રાખી હોય તો એક સમય આવે કે જ્યારે પાણી ઉકળવા લાગે. વરાળ તેના ઢાંકણને જરાતરા ચલિત કરવા લાગે. હાંડીની ધારને પછી ઢાંકેલું ઢાંકણ (છિબું) અથડાવા લાગે છે. હું એ ઢાંકણ જેવો છું, હું એટલી ખરાબ રીતે ખખડ્યો કે મારે વરાળને બહાર નીકળવા માટે રસ્તો કરી આપવો પડ્યો!’
આપણે બચ્ચાંઓની દુનિયાને સમજવાની તૈયારી નથી… હવામાંથી વસ્તુઓ લાવતાં મદારી, જલેબી ઉતારતો હલવાઈ, સિતાર વગાડતો ઉસ્તાદ.. આ બધા પાછળ ઘેલાં બચ્ચાંઓને એક જ શીખ આપવામાં આવે છે: આવું ન કરો. આ કશુંય કામનું નથી. બસ. ભણો! બચ્ચાંઓ માટે સમજવું કઠિન થઈ જાય છે કે જાદુ કરવું, જલેબી ઉતારવી કે સિતાર વગાડવી જબગદસ્ત અને રસમય છે છતાં એ કામનું શા માટે નથી? તેમના માટે ‘બડો કી તર્કસંગત’ જિંદગીને સમજવાનું મુશ્કેલ થઈ જાય છે. બચ્ચાંઓને મોટોઓ ગિફ્ટ આપે છે, તેના પર પણ શરત હોય છે કે તેના (ગિફ્ટને) ક્યારે વાપરવી. બચ્ચાંઓ પોતાના દોસ્તને પોતાની ચીજ પણ ન દઈ શકે? એ માટે તે તેણે મોટાં થવું પડે… એટલે કે બાળપણની ઈચ્છા પૂરી કરવા માટે પણ તેણે મોટાં થવાની રાહ જોવાની!!!
- Advertisement -
એવી વ્યક્તિને ઈશ્ર્વર જવલ્લેજ તરાશીને પૃથ્વી પર મોકલે છે કે જેનું સઘળું ગમે, સ્પર્શે અને અભિભૂત કરે. ગુલઝારસાહેબને નિ:શંક તમે આ સ્લોટમાં મૂકી શકો. એમની ફિલ્મો, ફિલ્મી ગીતો, સંવાદો, કવિતા, નઝમ, વિચારોની અભિવ્યક્તિ, જિંદગીને જીવવવાના અભિગમનથી માંડીને તેમના પ્રભાવી અવાજ, ચૂંટીને બોલતા શબ્દોને તેમાંથી રેલાતો ગૂઢાર્થ. આ લેખનું શિર્ષક તેનું સેમ્પલ છે. તો એક પ્રસંગનો સાક્ષી આ લખનાર પણ છે. મુંબઈના પૃથ્વી થિયેટરના એક શોમાં ઓડિયન્સે સ્થાનગ્રહણ કર્યા પછી ગુલઝારસાહેબ ખુદ પ્રવેશ્યા અને પાછળની હરોળ તરફ જવા લાગ્યા તેથી અહોભાવથી સમજદાર પ્રેક્ષકોએ તેમને આગલી રોમાં સ્થાન લેવાનો આગ્રહ કર્યો. બેશક તેમનો આભાર માની નમ્રતાથી ઈન્કાર કરતા પાછલી રોમાં સ્થાન ગ્રહણ કરતા ગુલઝાર જવાબ આપ્યો હતો.
‘મેરે દેખને કા પોઈન્ટ ઓફ વ્યૂ અલગ હૈ!’ યસ. ગુલઝાર સાહેબ 360 ડીગ્રીએ વિસ્તરેલું જિનિયસ તાજ્જુબ છે. એમની ફિલ્મો તમે પ્રભાવિત કરે. ગીતો-નઝમ નવા ભાવ-વિષયમાં લઈ જાય. એમનો ઘેઘુર અવાજ તમને મદહોશ કરી દે તો લખાણોની ઉપમા (આંખો કી ખુશ્બૂ, ચાંદ કાઝકીયા, રાત ભિખારણ) અચંબિત કરીને આકર્ષે તો તેમની વાતોનો ફકિરાના અંદાઝ, જમીની જુડાવ વ્યાસપીઠનો પ્રભાવ પાથરે. આવો જ તાજાતરીન અહેસાસ કોરોના કાળમાં એક પુસ્તક બનીને પ્રગટ થયો, જેનું નામ છે : ‘બોસકીયાના : બાતેં – મુલાકાતેં ગુલઝાર!’ (પ્રકાશક: રાધાકૃષ્ણ પ્રકાશન. કિંમત: 1200 રૂપિયા) લેખક-તંત્રી-પત્રકાર- કવિ યશવંત વ્યાસે ‘બોસકીયાના’ (ગુલઝારસાહેબનું નિવાસ સ્થાન વત્તા ઓફિસ)માં જ કરેલી વિવિધ સ્તર, વિષયો પરની વાતચીતના આધારે જ કાવ્યમય પુસ્તક છે. અહીં લગભગ બધા વિષયો પર ગુલઝારસાહેબ ખીલ્યા છે, ખુલ્યા છે અને એટલે જ યશવંત વ્યાસ પ્રસ્તાવનામાં લખે છે કે (પુસ્તક વાંચી લેનારને લાગશે કે એ) ગુલઝાર સે સ્નાન કરકે નીકલે હૈં!
‘મારી જિંદગીમાં બે સૌથી ઈમ્પોર્ટન્ટ સ્ત્રીઓ છે. રાખી અને બોસકી. બંનેને સંભાળવા ખૂબ મુશ્કેલ કામ છે. મારા કામની બંને સૌથી મોટી ક્રિટિક. રાખી મોટાભાગે પનવેલના ફાર્મ પર રહે છે. વીક એન્ડ પર આવે. એ દુનિયાની સૌથી બેસ્ટ મચ્છી પકાતી હૈ, થોડીક સ્વીટ ડીશ પણ બનાવે છે. પરંતુ જુલ્મ એ છે કે મુઝે મીઠાં (સ્વીટ) ખાને કો નહીં મીલતા!’ તમે ‘બોસકીયાના’માં પ્રવેશો છો પછી તમને ખબર પડે છે કે (આ લખનારની જેમ) ગુલઝારસાહેબના રસોડામાં પણ રિંગણને દેશનિકાલ કરવામાં આવે છે. ‘બોસકીયાના’માં તમને ચોતરફ અલગ-અલગ સ્વરૂપ-ધાતુ-પથ્થરના બુદ્ધ જોવા મળે છે. કારણ કે ‘બુદ્ધ અને ક્રાઈસ્ટની જિંદગીએ મને હમેંશા આકર્ષિત કર્યા છે. એ મને ‘ઈન્સાની’ લાગે છે, આપણા જેવા, જેને આપણે સ્પર્શી શકીએ! બુદ્ધના ચહેરા પર જે અપાર શાંતિ છે, તેનું મને હંમેશ ચૂંબકિય ખેંચાણ રહ્યું છે!’
‘બોસકીયાના’માં કોલ્હાપુરના મ્યુઝિયમમાં રખાયેલા બુદ્ધની રેપ્લિકાથી લઈને લતા મંગેશકરે આપેલાં પુખરાજ અને હાથી દાંતના બુદ્ધ છે તો આર્ટ ડિરેક્ટર નીતીશ રોયના ઘેર તેમણે સેન્ટસ્ટોનના બુદ્ધ જોયેલાં. એ વખતે ગુલઝાર સાહેબ ‘લેકિન’ બનાવી રહ્યા હતાં. તેમના કહેવા છતાં નીતીશ રોયએ બુદ્ધને સેટ પર ન લાવ્યાં કારણ કે તમને ખબર હતી કે બુદ્ધને ગુલઝારસાહેબ પાછાં નહીં લઈ જવા દે પણ ગુલઝાર સાહેબનો જીવ સેન્ડસ્ટોનના બુદ્ધમાં ચોંટી ગયો હતો. થોડાં દિવસ પછી નીતીશ રોયએ બચ્ચાંઓની ફિલ્મની સ્ક્રિપ્ટ લખવાનું કહ્યું પણ…
- Advertisement -
ગુલઝારસાહેબે એ સ્ક્રિપ્ટ લખી. નીતીશ રોયના એ બુદ્ધ ત્યાર પછીથી ‘બોસકીયાના’ની શોભા બની ગયા છે!
યશવંત વ્યાસનું પુસ્તક ‘બોસકીયાના’ વાંચવું, એ ગુલઝાર સાહેબના ચાહકો તેમજ અઠંગ વાચકો માટે કુંભમેળાના સ્નાન જેવી અનુભૂતિ આપનારું છે. ગુલઝારસાહેબની બે ફિલ્મોની વાત સાથે સ્નાનશુદ્ધિ સંપન્ન કરીએ. મૌસમ અને આંધી. ગુલઝારસાહેબની આ બંને નોંધનીય – યાદગાર ફિલ્મો સાહિત્યકાર કાલેલકરજીની વાર્તા પરથી બની હોવાની માન્યતા છે, જે ખોટી છે.બંને ફિલ્મની સ્ક્રીપ્ટ પ્રથમ લખાઈ અને એ પછી કમલેશ્ર્વરજીએ તેના પરથી વાર્તાઓ લખેલી. આંધી પરથી ‘કાલી આંધી’ અને ‘મૌસમ’ પરથી ‘આગામી આતતિ’.
બાય ધી વે, મૌસમ પરથી લખાયેલી વાર્તાનું નામ પાડવાનું ફોઈકર્મ ગુલઝારસાહેબે કર્યું હતું!યશવંત વ્યાસનું પુસ્તક ‘બોસકીયાના’ વાંચવું, એ ગુલઝાર સાહેબના ચાહકો તેમજ અઠંગ વાચકો માટે કુંભમેળાના સ્નાન જેવી અનુભૂતિ આપનારું છે