પોર્ટ વિસ્તાર, મત્સ્યોદ્યોગ વિભાગ, ગુજરાત મેરિટાઈમ બોર્ડ, ફૂડ વિભાગને જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ર્ચિત કરવા કલેક્ટરે માહિતી આપી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.13
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પ્રાંત કચેરી ખાતે પોર્ટ વિસ્તાર, મત્સ્યોદ્યોગ વિભાગ, ગુજરાત મેરિટાઈમ બોર્ડ, ફૂડ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં બોટ માલિકો, બોટ એસોસિએશન, જી.આઈ.ડી.સી એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે વિવિધ વ્યવસ્થાઓ મુદ્દે એક બેઠક યોજાઈ હતી. કલેકટરએ સંલગ્ન વિભાગ પાસેથી બંદરના એન્ટ્રી અને એક્ઝિટ સુવ્યવસ્થિત કરવા વિષયક, બોટ બિલ્ડીંગ યાર્ડ , બોટ પાર્કિંગ ,નેટ મેકિંગ અને દુકાનો માટે અલગ અલગ જગ્યા ફાળવવી અને આઇડલ બોટ માટે અલગ પાર્કિંગની વ્યવસ્થા, જર્જરિત પુલના વૈકલ્પિક રસ્તા, રણબારા, ફિંગરજેટી સહિતની વ્યવસ્થાઓ મુદ્દે ઝીણવટભરી માહિતી મેળવી હતી.
- Advertisement -
કલેક્ટર સમક્ષ પ્રેઝન્ટેશનના માધ્યમથી આઈસ ફેક્ટરીને લગતા મુદ્દાઓ, એમોનિયા ગેસનું પરિવહન, કોલ્ડ સ્ટોરેજ વગેરેના ક્રાઈટેરિયા સહિત ખાવાલાયક બરફ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નિયમો, રજિસ્ટ્રેશન અને લાઈસન્સ, બરફ સંયત્રની મજૂરી માટેની સામાન્ય આવશ્યકતાઓ (સ્વતંત્ર/અલગ) બરફના નિકાસ માટે મત્સ્યઉત્પાદનોની પ્રક્રિયા માટે માન્ય સવલતો વગેરે મુદ્દાઓ રજૂ કરાયા હતાં. બોટની કામગીરી સાથે જોડાયેલા આગેવાનોએ કલેક્ટરશ્રી સમક્ષ બંદર અને બોટને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતાં. જેનો ત્વરિત નિકાલ કરવા કલેક્ટરએ સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. કલેક્ટરએ પ્રોસેસિંગ પ્લાન્ટ, આઈસ ફેક્ટરી, કોલ્ડ સ્ટોરેજ વિષયક બાબતો અંગે ઉપસ્થિત સર્વેને માર્ગદર્શિત કર્યા હતાં અને સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી વિવિધ માર્ગદર્શિકાઓનું અચૂક પાલન થાય તેવી સૂચના આપી હતી.