લોકસભાના ઉમેદવાર ડો. મનસુખભાઈ માંડવીયા 7 લાખ કરતા વધુ અને વિધાનસભાના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયાને એક લાખ કરતા વધુ મતોથી જીતાડવા માટે કમર કસી લેવા હાકલ કરી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.26
- Advertisement -
ભાજપ દ્વારા કાર્યકર્તાઓ માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે બેઠકમાં પોરબંદર વિધાનસભામાં ભાજપના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, નગર પાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા (પટેલ), શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ મજીઠીયા સહિતના આગેવાનો હાજર રહ્યા.ગઈકાલે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી.આર. પાટીલ પોરબંદરની મુલાકાતે આવ્યા હતા. બપોરે એક વાગ્યાની આસપાર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પોરબંદર એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતા.
ત્યાર બાદ સી.આર. પાટીલની હાજરીમાં ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓની બેઠક મળી હતી. જેમાં ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓને આગામી લોકસભા તેમજ વિધાનસભાની પેટાચુંટણી સબંધીત માર્ગદર્શન આપ્યુ હતું. તેમજ ચુંટણી પ્રચાર માટે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોવાથી અત્યારથી જ કમર કસીને કામે લાગી જવા તેમજ લોકસભાના ઉમેદવાર ડો. મનસુખભાઈ માંડવીયાને સાત લાખ કરતા વધુ મતો અને વિધાનસભાના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયાને એક લાખ કરતા વધુ મતોની સરસાઈ સાથે જીતાડવા હાકલ કરી હતી. તેમણે ભાજપના કાર્યકર્તાઓને હાંકલ કરતા કહ્યું હતું કે, બે વાર લોકસભા જીત્યા અને હવે જીતની હેટ્રિક મારવાની છે. તેમણે ‘અબ કી બાર 400 પાર’ના નારાને સાર્થક કરવા આહ્વાન કર્યું હતું.
10 વર્ષમાં મોદી સરકારે 25 કરોડ લોકોને ગરીબી રેખામાથી બહાર લાવ્યા છે. એટલે મોદી સરકાર ત્રીજી વખત બને તે માટે આપણે 7 લાખ કરતા વધુ મતોની સરસાઈ સાથે પોરબંદર લોકસભાની સીટ જીતવાની છે. સાથે જ પોરબંદર વિધાનસભાની બેઠક પણ એક લાખ કરતા વધુ મતોની સરસાઈ સાથે જીતવાની છે. પોરબંદર શહેર/જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરોએ પણ ડો. મનસુખભાઈ માંડવીયા અને અર્જુનભાઈ મોઢવાડિયાને જંગી બહુમતીથી જીતાડી લોકસભા તેમજ વિધાનસભામાં પોરબંદરનું કમળ મોકલવાની ખાતરી આપી હતી. સી.આર. પાટીલે દરેક કાર્યકર્તાઓને મતદારોના ઘર સુધી જઈ તેઓને મતદાન મથકો સુધી લઈ જવા માટે સમજાવ્યું હતું.