મુંબઈ ટેલિવિઝન જગતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં ફિલ્મ સિટીમાં રૂપાલી ગાંગુલીના જાણીતા શૉ ‘અનુપમા’ના સેટ પર વહેલી સવારે ભીષણ આગ લાગી ગઇ હતી. આ ઘટના સવારે 5 વાગ્યાની આજુબાજુ બની હોવાની જાણકારી મળી છે. જ્યારે આગ લાગી ત્યારે શૉનું શૂટિંગ ચાલુ થવાની તૈયારીમાં જ હતું. જેથી સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. જો કે આખો સેટ લગભગ આગની લપેટમાં આવી ગયો છે.
સેટ પર સિક્યોરિટી અને અમુક ક્રૂ સભ્યો ઉપરાંત કોઈ આર્ટિસ્ટ કે સ્ટાફ સેટ પર ઉપસ્થિત ન હતો. પાંચ ફાયર બ્રિગેડના વાહનો બચાવ કામગીરીમાં જોડાયા હતાં. હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. ફાયર ફાઈટર્સ મહા મહેનતે આગ બૂઝાવી હતી.
- Advertisement -
AICWA એ તપાસની માગ કરી
અનુપમા સેટ પર લાગેલી આગ પાછળનું કારણ જાણવા માટે ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ એસોસિએશન (AICWA)એ તપાસની માગ કરી હતી. તેણે X પર પોસ્ટ મારફત આગ પાછળના કારણો જાણવા ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરી છે. પોસ્ટમાં પ્રોડક્શન હાઉસ, નિર્માતા તેમજ બ્રોડકાસ્ટર્સની બેદરકારીની ટીકા કરતાં કડક કાર્યવાહી હાથ ધરવાની માગ કરી છે.