ગૌરક્ષકોની સજાગતાથી કતલખાને લઈ જવાતા ગૌવંશનો જીવ બચ્યો
વાંકાનેરના રાતીદેવળી ગામેથી ગેરકાયદેસર રીતે ગૌવંશને લઈ જતા શખ્સોને ગુરૂવારે ગૌરક્ષકોની ટીમે ઝડપી પાડ્યા હતા અને ગૌવંશને છોડાવી એક મહિલા સહિત બે લોકોને પોલીસના હવાલે કર્યા હતા ત્યારે આ મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયો છે.
- Advertisement -
વાંકાનેરના ગૌરક્ષક દીપકભાઈ દિલીપભાઈ ખાંડેખાને માહિતી મળી હતી કે, મોડી રાત્રીના જીજે-13- એડબલ્યુ- 9448 નંબરની પીકઅપ બોલેરો ગાડી વાછરડા ભરીને રાતીદેવળી રોડ પરથી પસાર થનાર છે જેથી અન્ય ગૌરક્ષકો સાથે તેઓ રાતીદેવળી રોડ પર ચોકડી પાસે વોચમાં હતા તે દરમિયાન માહિતીવાળી બોલેરો ગાડી ત્યાંથી નીકળતા ગૌરક્ષકોએ ગાડી ઉભી રાખવા ઈશારો કર્યો હતો પરંતુ કારચાલકે ગાડી ઉભી રાખી ન હતી જેથી ગૌરક્ષકોએ ગાડીનો પીછો કરતા બોલેરોચાલક રાજ બોલેરો મુકી નાસી ગયો હતો અને બોલેરોમાંથી અંદર બેઠેલો શખ્સ છનાભાઈ જીણાભાઈ ખમાણી મળી આવ્યો હતો તેમજ બોલેરોના ઠાઠામાં જોતા એક લાલ કલરના વાછરડાના પગ તથા મોઢું દોરડાથી બાંધીને હલનચલન કરી શકે નહીં તે રીતે બાંધેલ હોય તેમજ બોલેરોમાં પશુને ખાવા માટે ઘાસચારો કે પીવાના પાણીની સગવડ પણ ન હતી.
આ ઉપરાંત ગાડીમાં બાંધેલા વાછરડા બાબતે કોઇ આધાર પરમીટ ન હોય કતલખાને લઈ જવાના ઈરાદે બંને શખ્સો નીકળ્યા હતા જેથી ગૌરક્ષકો આરોપી છનાભાઈ અને બોલેરો ગાડીને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા અને ફરિયાદ દાખલ કરી હતી જે મામલે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.