ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.26
પોરબંદરમાં ગઈકાલે પોરબંદર શહેરના કેદારેશ્વર રોડ પર એક મોબાઈલની ચીલઝડપનો ગુન્હો કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો, જેની ગણતરીની કલાકોમાં જ પોલીસે આરોપીને ચોરાયેલા મોબાઈલ સાથે ઝડપી લઈ પ્રશંસનીય કામગીરી કરી હતી.
- Advertisement -
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજા દ્વારા મિલ્કત સબંધી ગુનાઓ પર અંકુશ લાવવા અને મિલ્કત સબંધી ગુન્હાઓના આરોપીને સત્વારે શોધી કાઢવા ખાસ સૂચના આપવામાં આવી હતી જેમાં કીર્તિમંદિર પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.ચૌધરીના માર્ગદર્શન તથા સુચના મુજબ ડી-સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા. જે દરમિયાન પોલીસને તા. 23/04ના રોજ બનેલા મોબાઈલ સ્નેચીંગના એક ગુન્હાના આરોપી અંગે ચોક્કસ બાતમી મળી હતી. જેથી પોલીસે તુરત જ એક ટીમ બનાવી, લીમડા ચોક શાક માર્કેટ પાછળ વોચ ગોઠવી હતી,તે દરમ્યાન બાતમી મુજબનો શખ્સ ત્યાંથી નીકળતા પોલીસે તેને રોકી નામ ઠામ પૂછતાં તેણે પોતાનું નામ મંગલ મનીલાલ ચૌહાણ હોવાનું અને પોતે મુળ જામનગરના હાપા પંથકના ખારી ગામનો અને હાલ કર્લીના પુલ પાસે ખાડી કાંઠે રહેતો હોવાનું જણાવ્યું હતું,
તો તેની પાસેથી મળેલા રેડ મી-10 મોબાઈલ બાબતે પૂછપરછ કરતા તેણે તે મોબાઈલ ગઈકાલે મીરા શોપિંગ સેન્ટર પાસેથી અજાણ્યા માણસનો ચોરી કરી ઝુંટવી લીધેલાની કબુલાત આપી હતી. આથી પોલીસે તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો ગણતરીની કલાકોમાં જ આ અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરવાની કામગીરી કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.જે. ચૌધરી તથા સર્વેલન્સ સ્ક્વોડના પો. હેડ કોન્સ્ટેબલ એસ.વી. પઠાણ, પો. કોન્સ. હોથીભાઈ મોઢવાડિયા અને મસરીભાઈ ભુતિયા વગેરેએ સ્ટાફે કરી હતી.