કુંભારવાડામાંથી પકડ્યો, 31,680નો મુદ્દામાલ કબ્જે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
- Advertisement -
જૂનાગઢ શહેરના કુંભારવાડા વિસ્તારમાં એ ડિવિઝન પોલીસની ટીમે બાતમીના આધારે નશાકારક કેફી ઔષધી દ્રવ્યનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પીએસઆઇ વાય. એન. સોલંકીની ટીમને બાતમી મળી હતી કે જમાલવાડીનો વસીમ ઉર્ફે કાલો હાસમ પલેજાને આસિફ ઉર્ફે ભોલુડી હિંગોરા નામનો શખ્સ શંકાસ્પદ જથ્થો આપવા આવનાર છે.
પોલીસે તુરંત કુંભારવાડા મિયાણાવાસ ખાતે વોચ ગોઠવી હતી અને પ્લાસ્ટિકના બાચકા સાથે બેઠેલા જમાલવાડી ખાડીયા વિસ્તારના આસિફ ઉર્ફે ભોલુડી અબડા હિંગોરા (ઉ.વ. 19) ને ઝડપી લીધો હતો. બાચકાની તપાસ કરતા તેમાંથી 176 બોટલ પ્રતિબંધિત નશાકારક સીરપ મળી આવી હતી. આસિફ ઉર્ફે ભોલુડી આ સીરપનો જથ્થો રાખવા અંગે ડોક્ટરનું પ્રિસ્ક્રીપશન બિલ કે અન્ય કોઈ આધાર-પુરાવા રજૂ કરી શક્યો નહોતો. જેથી પોલીસે આશરે રૂપિયા 31,680ની કિંમતનો સીરપનો જથ્થો કબ્જે લીધો હતો. પોલીસે આસિફ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેની ધરપકડ કરી હતી. આ જથ્થો મંગાવનાર અને હાલ ફરાર વસીમ ઉર્ફે કાલો હાસમ પલેજા સામે પણ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.



