મોદી સરકારે તુવેર, અડદ અને મસૂરની ખરીદી મર્યાદા 25 ટકાથી વધારીને 40 ટકા કરવાનો નિર્ણય કર્યો છે.
બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં બે મોટા નિર્ણય લેવાયા છે. કેન્દ્ર સરકારે તુવેર, અડદ અને મસૂરની ખરીદી મર્યાદા 25 ટકાથી વધારીને 40 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. આનાથી ખેડૂતોને તેમની દાળના વધારે ભાવ મળશે.
- Advertisement -
ખેડૂતોને કઠોળના વધારે ભાવ મળશે
કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ એક સત્તાવાર નિવેદનમાં એવું જણાવાયું હતું કે ડિસ્કાઉન્ટ અને ત્રણ કઠોળની વધેલી ટોચમર્યાદા, વધુ રોકાણ કરીને વધુ ખેડૂતોને કઠોળ ઉગાડવા માટે પ્રોત્સાહિત કરશે અને તેમના ઉત્પાદન માટે લાભદાયક ભાવો મેળવવામાં મદદ કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આ ઉપરાંત, આ આપણા દેશમાં આવી કઠોળની આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવામાં પણ મદદ કરે છે.”
રાજ્યોને 8 રુપિયાના સસ્તા ભાવે ચણા વેચવાનો કેન્દ્રનો નિર્ણય
કેન્દ્ર સરકારે બીજો એક નિર્ણય લેતા રાજ્યોને 8 રુપિયાના સસ્તા ભાવે 15 લાખ ટન ચણા વેચવાનો પણ નિર્ણય કર્યો છે. કેન્દ્રીય કેબિનેટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 15 લાખ ટન ચણાના નિકાલને 8 રૂપિયા પ્રતિ કિલોના ડિસ્કાઉન્ટ પર મંજૂરી આપી દીધી છે, જેથી તેનો ઉપયોગ વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટે થઈ શકે. એક સત્તાવાર નિવેદનમાં બુધવારે જણાવવામાં આવ્યું હતું કે, “આ માન્ય યોજના હેઠળ, રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો સરકારને સોર્સિંગ સ્ટેટના ઇશ્યૂ પ્રાઇસ પર 8 રૂપિયા પ્રતિ કિલોના ડિસ્કાઉન્ટ પર 15 લાખ ટન ચણા ઉપાડવાની ઓફર કરવામાં આવી છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો આ કઠોળનો ઉપયોગ તેમની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેવી કે, મધ્યાહ્ન ભોજન, જાહેર વિતરણ વ્યવસ્થા, સંકલિત બાળ વિકાસ કાર્યક્રમો (આઇસીડીપી) વગેરેમાં કરશે.
સરકાર પાસે 30.55 લાખ ટન ચણા ઉપલબ્ધ
ભાવ સમર્થન યોજના હેઠળ સરકારે 2019-20, 2020-21 અને 2021-22 દરમિયાન ચણાની રેકોર્ડ ખરીદી કરી છે. તેના કારણે પીએસએસ અને પીએસએફ હેઠળ સરકાર પાસે 30.55 લાખ ટન ચણા ઉપલબ્ધ છે.આગામી રવી સિઝનમાં પણ ચણાનું ઉત્પાદન “સારું” રહેવાની ધારણા છે. વર્ષ 2022-23 દરમિયાન ચણાના લઘુતમ ટેકાના ભાવમાં વધારા સાથે ઊંચા ઉત્પાદનથી વધારાની ખરીદી થવાની ધારણા છે.