માનસિક દિવ્યાંગ યુવકને નિસ્વાર્થ સેવા – વિડિયો વાયરલ થતાં લોકોએ કરી પ્રશંસા
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
અમરેલી જિલ્લાના રાજુલામાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારીનો માનવતાથી ભરેલો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોના દિલ જીતી લીધા છે. રાજુલા પોલીસ સ્ટેશનના કર્મચારી રવિરાજભાઈ વરૂ, જે 112 જનરક્ષક તરીકે હિડોરણા ગામે ફરજ પર હતા, તેમની પાસે એક માનસિક દિવ્યાંગ યુવક આવીને બેસી ગયો હતો. ત્યાર બાદ તેમણે જે કર્યું તે માનવતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે.
પોલીસ વાન પાસે બેઠેલા આ માનસિક દિવ્યાંગ યુવકને રવિરાજભાઈએ સૌપ્રથમ ખાવાનું અપાવ્યું, પછી તેને સ્નાન કરાવ્યું અને નવા કપડાં પહેરાવ્યા. તેમના આ કાર્યે ‘પોલીસ પ્રજાનો મિત્ર’ સૂત્રને સાચા અર્થમાં સાબિત કરી બતાવ્યું છે. સમાજમાં ઘણી વખત વંચિત અને મદદની જરૂરિયાત ધરાવતા લોકો પ્રત્યે સંવેદના ગુમાવી દેવામાં આવે છે, તેવા સમયમાં પોલીસ કર્મચારીનો આ નિસ્વાર્થ ભાવ લોકોમાં માનવતામાં વિશ્વાસ વધારતો છે.
આ વિડિયો સોશિયલ મીડિયા પર જોવા મળતાં લોકો દ્વારા ભારે વખાણ થઈ રહ્યા છે. અનેક લોકોએ કોમેન્ટ કરી જણાવ્યું છે કે હજુ પણ દુનિયામાં માનવતા જીવંત છે. પોલીસ કર્મચારી રવિરાજભાઈ વરૂના આ કાર્યને રાજુલા ઙઈં એ.ડી. ચાવડાએ અને જિલ્લા પોલીસ વડા જઙ સંજય ખરાતે પણ બિરદાવ્યું છે અને તેમને માનવતાભરી સેવા માટે અભિનંદન પાઠવ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે પોલીસ માત્ર કાયદાની જાળવણી માટે જ નહીં પરંતુ સમાજ માટે સંવેદનશીલ સેવાકાર્ય માટે પણ હંમેશા આગળ રહે છે.



