ચિત્તાઓના મોતનો મામલો સુપ્રીમ કોર્ટમાં
ખાસ-ખબર સંવાદદાતા
દક્ષિણ આફ્રિકાથી ભારત લાવવામાં આવેલા ચિત્તાઓના મોતનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આફ્રિકન અને નામિબિયાના નિષ્ણાતો અને નેશનલ ચિતા પ્રોજેકટ સ્ટીયરિંગ કમિટીના તમામ સભ્યોએ મળીને સુપ્રીમ કોર્ટને પત્ર લખીને પ્રોજેકટના સંચાલન અંગે ગંભીર ચિંતા વ્યકત કરી છે. આ પત્રમાં ચિત્તાના મોતનું કારણ ગંભીર બેદરકારી જણાવવામાં આવી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે ચિત્તાઓ પર વધુ સારી રીતે દેખરેખ રાખી શકાઈ હોત અને જો તેમને સમયસર સારવાર મળી હોત તો તેઓ બચી શક્યા હોત.
- Advertisement -
નામીબિયાના આઠ ચિત્તાઓનું પ્રથમ જૂથ ગયા વર્ષે 17 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વડા પ્રધાન મોદીની હાજરીમાં છોડવામાં આવ્યું હતું અને આ ફેબ્રુઆરીમાં દક્ષિણ આફ્રિકાથી અન્ય 12 ચિત્તા લાવવામાં આવ્યા હતા. 11 માર્ચે પ્રથમ બેને જંગલમાં છોડવામાં આવ્યા ત્યારથી કુનોમાં આઠ ચિત્તા મૃત્યુ પામ્યા છે. 15 જુલાઈના રોજ રેડિયોકોલરની ઇજાઓથી બે ચિત્તાઓના મૃત્યુ બાદ, દક્ષિણ આફ્રિકાના પશુ ચિકિત્સા વન્યજીવન નિષ્ણાત ડો. એડ્રિયન ટોર્ડિફે તેમના સાથીદારો વતી એક પત્ર પર હસ્તાક્ષર કર્યા જેમાં સંખ્યાબંધ મહત્વપૂર્ણ મુદ્દાઓ હતા. નામીબિયાના ચિતા સંરક્ષણ ફંડના એકિઝક્યુટિવ ડાયરેકટર ડો. લૌરી માર્કર દ્વારા આવો જ બીજો પત્ર સુપ્રીમ કોર્ટને લખવામાં આવ્યો હતો, જેમાં આ જ બાબતોની નોંધ કરવામાં આવી હતી અને બેદરકારીની બાબતને મુખ્ય રીતે લેવામાં આવી હતી.
આ પત્રોમાં કહેવામાં આવ્યું છે કે વિદેશી નિષ્ણાતોને સાઈડલાઈન કરવામાં આવી રહ્યા છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે વાન ડેર મર્વે અને ફ્રેઝરે પોતાને પત્રથી દૂર કરી દીધા છે.
આ પત્રમાં કુનોના સ્ટાફની બેદરકારીને ઉજાગર કરતા લખવામાં આવ્યું છે કે, સ્ટાફે એક ઘાયલ ચિત્તાને તેની હાલત પર જ છોડી દીધો હતો કારણ કે તેણે બીજો ચિત્તા જોવો હતો અને તે પણ આ જ રીતે ઘાયલ થયો હતો કે કેમ તેની તપાસ કરવી હતી. તે દરમિયાન પ્રથમ ઈજાગ્રસ્ત ચિત્તાની હાલત વધુ બગડી અને તે મૃત્યુ પામ્યો. પત્રમાં આ પ્રોજેકટની નિષ્ફળતાનો ઉલ્લેખ કરીને સુપ્રીમ કોર્ટને ધ્યાન આપવાની અપીલ કરવામાં આવી છે.